Friday, 19 August 2011

સુંદરતા વધારતા 5 શાકભાજી


 
શાકભાજીનો ઉપયોગ કરવાથી ફક્ત સ્વાસ્થ્ય સુધરે છે એવું નથી. તેનાથી સૌંદર્ય પણ નિખરે છે. માનવામાં ન આવતું હોય તો અહીં કેટલાક ઉપાયો જણાવ્યા છે, તે અજમાવો અને જુઓ તમારા સૌંદર્યમાં કેવો નિખાર આવે છે!

1. ફુદીનો: ખીલની સમસ્યાથી બચાવે છે. ફૂદીનાને વાટી તેમાં ચંદન અને મુલતાની માટી ભેળવી ચહેરા પર લગાવો. સૂકાઇ જાય પછી પાણીથી ચહેરો ધોઇ નાખો.

2. કાકડી: કાકડી નેચરલ ક્લિન્સરનું કામ કરે છે. ખાસ કરીને તૈલી ત્વચાવાળા લોકો માટે કાકડી ખૂબ ઉપયોગી નીવડે છે. કાકડીના રસમાં સુખડનો પાઉડર ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાવો. થોડી વાર પછી પાણીથી ચહેરો ધોઈ નાખો. આનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરાની ત્વચા કાંતિવાન બનશે. આનાથી ચહેરા પરના ડાઘ પણ દૂર થાય છે. કાકડીના રસમાં ગુલાબજળના બે ટીપાં અને લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવવાથી પણ વાન ખૂલે છે.

3. બટાકા: બટાકાના પાતળા પતીકાં આંખ પર મૂકી રાખવાથી થાકેલી આંખને રાહત મળે છે. કાચા બટાકાનો રસ આંખની આસપાસ લગાવવાથી આંખ નીચેના કાળા કૂંડાળા દૂર થાય છે. બટાકા બાફ્યા પછી વધેલું પાણી ફેકવું નહીં. તેમાં થોડી વાર હાથ બોળી રાખો. પછી ચોખ્ખાં પાણીથી હાથ ધૂઓ. મેલ દૂર થઇને હાથ સુંવાળા બનશે.

4. મૂળા: મૂળાનો સલાડમાં ઉપયોગ થાય છે એ તો સામાન્ય છે પરંતુ સ્વાસ્થ્યવર્ધક મૂળા તમારા નિસ્તેજ ચહેરાને કાંતિવાન બનાવી શકે છે. મૂળાના રસમાં માખણ ભેળવીને નિયમિતપણે ચહેરા પર લગાવો. આનાથી ચહેરાની શુષ્ક ત્વચા મુલાયમ બને છે અને ડાઘ દૂર થાય છે. મૂળાનો રસ ચહેરા પર લગાવવાથી બ્લેકહેડ્સની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

5. ટામેટાં: ટામેટાંના રસમાં લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવો. આનાથી ખુલ્લાં થયેલાં રોમછિદ્રો (ઓપન પોર્સ)ની સમસ્યા દૂર થાય છે. તૈલી ત્વચા ધરાવતા લોકોએ દરરોજ ટામેટાંને અડધું કાપીને ચહેરા પર ઘસવું જોઈએ. થોડી વાર પછી ચહેરો ધોઈને લૂછી લેવો. આવું કરવાથી વધારાનું તેલ ચહેરા પર બહાર નીકળતું નથી. વળી, ત્વચા કાંતિવાન બનવા સાથે રંગ ગોરો બને છે.

No comments:

Post a Comment