Friday, 12 August 2011

કોસ્મેટીક ક્રીમ્સની અજાયબ દુનિયા (3)



આજે લોકો પોતાના સ્વાસ્થ્ય આરોગ્ય અને દેખાવને વધુ મહત્ત્વ આપવા માંડયા છે. સુંદર દેખાવા અંગેની સભાનતા લોકોમાં ઘણી આવી ગઈ છે અને લોકો તે પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો પણ કરવા લાગ્યા છે. લોકોનો આ પ્રકારનો રસ જોઈને કોસ્મેટીક ઈન્ડસ્ટ્રી અનેક નવા નવા સૌંદર્ય-પ્રસાધનો અને સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદનો બનાવવા માંડી છે. પરિણામે આવા ઉત્પાદનો અંગે ઊંડી જાણકારી મેળવવાની જરૂર ઊભી થઈ છે. કલાયન્ટસ તરફથી પૂછાતા પ્રશ્નો આ બાબતની સાક્ષી પૂરે છે. આ વિષયમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ બીજા અસંખ્ય વાચકોને ઉપયોગી નીવડશે એવી મને શ્રદ્ધા છે.
વારંવાર પૂછાતો એક પ્રશ્ન છે, ‘‘કોલ્ડક્રીમ અને અન્ય ક્લીન્ઝીંગ - ક્રીમ્સ વચ્ચે શું તફાવત છે ?’’ ‘‘શું અમે કોલ્ડ ક્રીમનો ઓલ-પરપઝ ક્રીમ તરીકે ઉપયોગ કરી શકીએ ? કે પછી અમારે ક્લિન્ઝિંગ, લુબ્રીકેટિંગ અને મોઈશ્ચરાઈઝિંગ માટે અલાયદા ક્રીમ્સ વાપરવા જોઈએ ?’’
એવું કહેવાય છે કે ઈ.સ. ૧૫૦માં એક ગ્રીક ભૌતિકશાસ્ત્રી ગાલાએ કોલ્ડ-ક્રીમની શોધ કરી હતી. સૌ પ્રથમ બનેલા કોલ્ડક્રીમમાં ઓલિવ-ઓઈલ, મધમાખીઓનું મીણ, પાણી અને ગુલાબની પાંખડીઓની સુગંધ હતી. તે કોલ્ડ-ક્રીમ તરીકે જાણીતું થયું તેનું કારણ એ છે કે તેમાં રહેલા પાણીનું બાષ્પીભવન થયા બાદ ત્વચા પર શીતળતાનો અનુભવ થતો હતો.
ક્રીમમાં રહેલા તેલ અને મીણને કારણે સફાઈનો ગુણ આવતો હતો. આ ક્રીમ જ્યારે ત્વચાના સંપર્કમાં આવતું ત્યારે શરીરની ગરમીને કારણે તેને ત્વચામાંનો મેલ, ચીકાશ, મૃતકોષો તેમ જ અન્ય કચરાને ઢીલો કરવામાં મદદ મળતી. પછી એક નરમ કપડાંથી મેલને દૂર કરવામાં આવતો હતો. ત્વચા પર જે ક્રીમ રહી જતું તે ત્વચાને નરમ અને સુંવાળી બનાવીને શુષ્કતાને દૂર કરતું હતું.
સદીઓના સંશોધનકાર્ય તેમજ ટેકનોલોજીકલ અને વૈજ્ઞાનિક પ્રગતિને કારણે હવે તો કોલ્ડ-ક્રીમ બનાવવાની પદ્ધતિમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. આજના ક્રીમ્સ, લોશન્સ, ફોમ્સ અને જેલ્સ જૂના કોલ્ડ ક્રીમથી તો ખૂબ આગળ નીકળી ગયા છે. છતાં તે બનાવવાની જૂની તેલ, મીણ, પાણીવાળી રીત અને ત્વચાને સ્વચ્છ નરમ બનાવવાનો હેતુ તો આજે પણ અકબંધ રહ્યા છે. ફક્ત તેમાંના ઘટકોનો પ્રકાર અને ગુણવત્તા બદલાયા છે. હવે ઓલિવ-ઓઈલને બદલ મીનરલ-ઓઈલ અથવા અન્ય તેલોના સંયોજનો વપરાય છે. જેની સફાઈની ક્ષમતા અનેક ગણી વધારે છે. મધપૂડાના મીણને બદલે અન્ય પ્રકારના મીણ અથવા કૃત્રિમ મીણ વપરાય છે. પરિણામે આજના સમયના કોલ્ડ-ક્રીમ્સની લાક્ષણિકતાઓ જુદી દેખાય છે. આજના કોલ્ડ-ક્રીમ્સ સફેદ, લીસા, ચમકતા, એક-સરખી ઘટ્ટતા ધરાવતા હોય છે. તે ત્વચા પર સમાન રીતે ફેલાય છે અને શીતળતાનો અનુભવ કરાવે છે.
ઘણી સ્ત્રીઓ આજે પણ ત્વચાને સાફ અને નરમ બનાવવા કોલ્ડ ક્રીમ્સ વાપરવાનું પસંદ કરે છે. કેટલીક એવી સ્ત્રીઓ પણ છે. જેઓને કોલ્ડ - ક્રીમ ચીકણું લાગે છે. તેથી તેઓ કોલ્ડ-ક્રીમ પ્રકારના અન્ય ક્રીમ્સનો ઉપયોગ કરે છે. હવે પછીના અંકમાં હું આવા ક્રીમ્સ વિષે વાત કરીશ.

No comments:

Post a Comment