Tuesday, 9 August 2011

ચોમાસામાં સ્વાસ્થ્ય જાળવવાં આટલું કરી જુઓ..!

 
લગભગ બે વર્ષ પહેલાં એક મહિલાએ કહ્યું કે એને ચોમાસુ બિલકુલ પસંદ નથી. આ સાંભળીને હું સ્તબ્ધ બની ગઇ. એની સામે જોઇ રહી. ઉનાળાની કાળઝાળ ગરમી પછી વરસાદ સૌને ખુશ કરી દે છે

ત્યારે એને ચોમાસુ કેમ નથી ગમતું? જાણવા મળ્યું કે એક વાર કમળો થવાથી એને પથારીમાં પડ્યા રહેવું પડ્યું હતું. એના અનુભવ પરથી એમ કહી શકાય કે વરસાદની મજા માણવાની સાથે આપણે થોડી સાવધાની રાખવી જરૂરી છે.

*તાજું ભોજન, સારું સ્વાસ્થ્ય

ભોજનમાં તાજી બનાવેલી રસોઇનો જ ઉપયોગ કરો. આ ઋતુમાં ક્યારેક ઉનાળો-ક્યારેક વરસાદને લીધે વાતાવરણમાં ભેજ અને બાફ રહે છે. આવી પરિસ્થિતિ બેક્ટેરિયા ઉત્પન્ન થવા માટે શ્રેષ્ઠ છે. આથી રાંધેલો ખોરાક ઝડપથી ખરાબ થઇ જાય છે. જ્યારે ભોજન ખરાબ થવા લાગે છે, ત્યારે તમને તેનો ખ્યાલ પણ નથી આવતો. એ ખરાબ થઇ ગયાનો ખ્યાલ ત્યારે આવે છે, જ્યારે અંદરથી ખરાબ થતાં થતાં ભોજનનો સ્વાદ અને રૂપ બદલાઇ જાય છે અને તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

*સ્વાદ અને સ્વાસ્થ્ય

ચોમાસામાં રસોઇમાં આદુંનો ઉપયોગ વધારે કરો. દાળ-શાકમાં આદું નાખવાથી તે વધારે સ્વાદિષ્ટ તો લાગશે જ. તે સાથે તમે જો ચટણી, ચા, આદુંની ચીરી અને લીંબુનું અથાણું ખાવાનું રાખશો, તો સારું રહેશે. આદું પાચનક્રિયા અને શ્વાસનળીને સ્વસ્થ રાખશે. ખાંસી-શરદી, ઊલટી કે ઉબકાંમાં આદું લાભકારક છે. એક તકલીફ છે, લીલાં શાકભાજી અને સેલડ. ચોમાસામાં સારા લીલાં શાકભાજી મળતાં નથી. લીલાં શાકભાજી જુદા જુદા વિટામિન અને ખનિજનો ભરપૂર સ્ત્રોત છે. આનો પણ વિકલ્પ છે.

ચોમાસામાં કુદરત આપણને કેળાં, જાંબુ વગેરે જેવા ફળ આપે છે. જો આ ફળોનો ઉપયોગ કરીએ તો મોટા ભાગના પોષક તત્વોની જરૂરિયાતની પૂર્તિ થઇ જશે. કોઇ પણ શાકનો ઉપયોગ કરતાં પહેલાં તેને સારી રીતે ધૂઓ. અહીં ધોવાનો અર્થ તેને માત્ર પાણીમાં નાખવા એવો નથી. તેને હાથથી ઘસીને સાફ કરો. આદું સાથે બાફેલાં શાકભાજીને મિક્સરમાં ક્રશ કરી સૂપ તૈયાર કરો. આ સૂપ પીવાથી શાકભાજીમાં રહેલા પોષક તત્વો મળવાની સાથે તમે માંદગી ફેલાવતાં બેક્ટેરિયાથી પણ દૂર રહી શકશો.

*દૂધ પીવું પણ જરૂરી છે

ચોમાસામાં ગરમીનું પ્રમાણ ઘટે છે, પણ ઠંડી એટલી નથી કે ગરમ દૂધ પી શકાય. જોકે દૂધ અથવા દૂધમાંથી બનાવેલી વાનગીઓ ખાવી જરૂરી છે. તમારી પાસે બે વિકલ્પ છે. પ્રથમ, દહીંનો વિવિધ પ્રકારના રાયતાંમાં ઉપયોગ કરી શકાય. દહીં તમારી પાચનક્રિયાને વ્યવસ્થિત રાખવામાં મદદરૂપ નીવડશે. બીજો વિકલ્પ છે, એલચી, તજ, લવિંગ અને મરીને શેકી બારીક ક્રશ કરી લો. આ પાઉડર ગરમ કે ઠંડા દૂધમાં નાખીને પીઓ.દૂધ મલાઇ વિનાનું જ લો. ફણગાવેલા કઠોળનો ઉપયોગ તરત કરી લો.

*આટલું અવશ્ય કરો

ઋતુ બદલાય ત્યારે પાણી અવશ્ય પીવાનું રાખો. સાદું પાણી પીવાનું ન ગમતું હોય, તો તેમાં કંઇક નાખીને સ્વાદ મેળવો. જેમ કે, પાણીમાં લીંબુનો રસ ભેળવો, ફુદીનાના રસવાળું પાણી વગેરે. છેલ્લે મહત્વની વાત. ચોમાસાના કારણે ફરવા ન જઇ શકો તો એટલો સમય યોગ અથવા કસરત માટે ફાળવો.

No comments:

Post a Comment