પરમાત્માએ તમામ જીવોને પોતાનો અલગ સ્વભાવ આપ્યો છે. તમામ પ્રાણીઓ તે સ્વભાવ અનુસાર જીવન જીવે છે. જેમ કે વીંછીનો સ્વભાવ છે ડંખ મારવો. આના અનુસંધાનની એક કથા છે:
એક જ્ઞાની અને તપસ્વી સંત હતા. બીજાના દુખ દૂર કરવામાં તેમને પરમ આનંદ પ્રાપ્ત થતો હતો. એકવાર તેઓ સરોવર કિનારે ધ્યાનમાં બેઠા હતા. ત્યારે તેમણે જોયું કે એક વીંછી પાણીમાં ડૂબી રહ્યો છે. તે તુરંત જ તેને બચાવવા માટે પાણીમાં પડ્યા. તેમણે જેવો વીંછીને પાણી બહાર કાઢ્યો વીંછીએ સ્વામીજીને ડંખ મારવાની શરુઆત કરી અને તે ફરી એકવાર સ્વામીજીના હાથમાંથી છૂટીને પાણીમાં જઇને પડ્યો. સ્વામીજીએ ફરથી પ્રયત્ન કર્યો, ફરી તે ડંખ મારવા લાગ્યો. આવું લાંબા સમય સુધી ચાલ્યું, પણ સંતે હાર સ્વીકારી નહીં. અંતે તેમણે વીંછીને બહાર કાઢી તેના પ્રાણ બચાવ્યા. ત્યાં ઉભેલી એક અન્ય વ્યક્તિ આ ઘટનાને નિહાળી રહી હતી. જ્યારે સંત પાણીમાંથી બહાર આવ્યા ત્યારે તેણે સ્વામીજીને પુછ્યું- સ્વામીજી મેં નિહાળ્યું કે આપે કેવી રીતે વીંછીના પ્રાણ બચાવ્યો, વીંછીને બચાવવા માટે પોતાના પ્રાણ જોખમમાં નાખી દીધા. જ્યારે તે વારંવાર ડંખ મારી રહ્યો હતો તો આપે તેને શા માટે બચાવ્યો ?
આ પ્રશ્ન સાંભળીને સ્વામીજીએ સ્મિત વેર્યુ અને બોલ્યા – વીંછીનો સ્વભાવ છે ડંખ મારવો અને મનુષ્યનો સ્વભાવ છે અન્યોને મદદ કરવી. જ્યારે વીંછી અણસમજુ જીવ હોવા છતાં પોતાનો ડંખ મારવાનો સ્વભાવ અંત સમય સુધી છોડતો નથી તો મનુષ્ય હોવાને નાતે આપણે બીજાની મદદ કરવાનો સ્વભાવ શા માટે છોડવો જોઇએ? વીંછીના ડંખ મારવાને કારણે મને અસહ્ય પીડા થઇ રહી છે પણ તેનો જીવ બચાવીને મને પરમ આનંદ પ્રાપ્ત થયો છે જેનાથી હું બહુ ખુશ છું.
No comments:
Post a Comment