Monday, 8 August 2011

સારા સ્વાસ્થ્ય માટે જરૂરી યોગ-વ્યાયામ




ઘણાં સંશોધનોથી સાબિત થઈ ગયું છે કે વ્યાયામ કરવાથી આપણા મગજમાં એવાં રસાયણો ઉત્પન્ન થાય છે કે જેનાથી આપણુંશરીર સુંદર બને છે. એ ઉપરાંત ડિપ્રેશન (તણાવ) અને બેચેનીની ફરિયાદ પણ દૂર થાય છે

આજની વ્યસ્ત જીવનશૈલીમાં વ્યક્તિ પોતાના માટે પણ સમય ફાળવી શકતી નથી તો પછી સ્વાસ્થ્યની તો વાત જ શું કરવી! કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યાંજો પોતાનું સ્વાસ્થ્ય જ બરાબર નહીં હોય તો કમાયેલું ધન, પ્રતિષ્ઠા, માન-મોભો વગેરે કશું જ કામનું નથી. લોકોના સ્વાસ્થ્યની સ્થિતિ આજે દિવસે ને દિવસે કથળતી જાય છે અને તેઓ બીમારીના ભરડામાં ભરાતા જાય છે. બીમારીથી બચવાનો અને સારું સ્વાસ્થ્ય મેળવાનો એકમાત્ર ઉપાય વ્યાયામ અને યોગ છે.
વ્યાયામ-યોગ શા માટે કરવો જોઈએ?
આપણા જીવન પર વ્યાયામ અને યોગનો સકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી આપણું મન પ્રસન્ન રહે છે. ઘણાં સંશોધનોથી સાબિત થઈ ગયું છે કે વ્યાયામ કરવાથી આપણા મગજમાં એવાં રસાયણો ઉત્પન્ન થાય છે કે જેનાથી આપણું શરીર સુંદર બને છે. એ ઉપરાંત ડિપ્રેશન (તણાવ) અને બેચેનીની ફરિયાદ પણ દૂર થાય છે. નિયમિત રીતે વ્યાયામ કરવાથી હૃદયની બીમારીમાંથી છુટકારો મળી શકે છે. લોહીમાં સારા કોલેસ્ટ્રોલ ઉત્પન્ન થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. આમ થવાથી ધમનીઓમાં અવરોધ ઊભો થતો નથી અને તેમાં રક્તસંચાર સારી રીતે થવા લાગે છે. જે મહિલાઓ વ્યાયામ કે યોગ કરે છે તેમને વધતી ઉંમરમાં થનારી બીમારીઓ સામે રક્ષણ મળે છે. બ્લડપ્રેશરમાં પણ વધારો ઘટાડો ન થતાં તે સ્થિર થઈ જાય છે. વજનને પણ કાબૂમાં રાખી શકાય છે. આર્થરાઈટિસ, ડાયાબિટીસથી પણ બચી શકાય છે. વ્યાયામથી ફેફસાંને શક્તિ મળે છે. ઊંઘ પણ સારી આવે છે. આપણી ઊર્જા અને ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે જેનાથી લગ્નજીવન પણ સારું રહે છે.
વ્યાયામથી સ્મરણશક્તિ વધે છે. ડાન્સ (નૃત્ય) એક એવો વ્યાયામ છે, જેનાથી શરીરના દરેક ભાગને શક્તિશાળી બનાવી શકાય છે. સ્વિમિંગ પણ એક ઉમદા વ્યાયામ છે. સ્વિમિંગથી આપણી બોડી ટોન્ડ તો થાય છે ઉપરાંત આપણી શારીરિક ઊર્જામાં પણ વૃદ્ધિ થાય છે. વોકિંગ (ચાલવું), રનિંગ (દોડવું) અને સ્વિમિંગ એવા વ્યાયામ છે કે જેને દરેક લોકો કરી શકે છે. કરોડનાં હાડકાં એ આપણા શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ છે. કરોડનાં હાડકાંમાં લચીલાપણું બહુ જરૂરી છે. વ્યાયામ અને યોગાસન કરવાની સાથે સાથે કેટલીક ટેવો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જેમ કે, ભૂખ કરતાં પણ વધુ ખાવું નહીં. ખૂબ પાણી પીઓ. નાસ્તા અને ભોજનની વચ્ચે યોગ્ય અંતર રાખો. શક્ય હોય ત્યાં સુધી બજારની વસ્તુ ખાવી નહીં. યોગાસનોમાં એકરસતા ન લાવતા વિવિધતા લાવો.
યોગ અને પ્રાણાયામથી પણ ઘણી હદે માનસિક તણાવ ઓછો કરી શકાય છે. યોગ અને પ્રાણાયામ દ્વારા શરીરનાં આંતરિક અંગોને મજબૂત બનાવી શકાય છે. યોગ માનસિક સ્વાસ્થ્યને પણ સારું રાખે છે.
નિયમિત વ્યાયામ અને યોગથી થતાં લાભ
* નિયમિત વ્યાયામ અને યોગ દ્વારા આપણે ઘાતક રોગ સામે રક્ષણ મેળવી શકીએ છીએ.
* આપણું શરીર તણાવ અને ચિંતારહિત રહેવાની સાથે હંમેશાં સ્વસ્થ રહે છે.
* યોગ દ્વારા વૃદ્ધાવસ્થાથી બચીને લાંબું આયુષ્ય ભોગવી શકાય છે.
આટલું ધ્યાનમાં રાખવું
* ક્યારેય ખાલી પેટ વ્યાયામ કે યોગાસન કરવાં જોઈએ નહીં. વ્યાયામ કરતાં પહેલાં લગભગ ૧૫-૨૦ મિનિટ પહેલાં માત્ર એક ફળ ખાવું જોઈએ જેથી શરીરને પૂરતાં પ્રમાણમાં ઊર્જા મળી રહે. ભૂખ્યા પેટે કરવાથી તમારા મસલ્સ ડેમેજ થઈ શકે છે.એવાં ફળોને ખાવાં જોઈએ કે જેમાં રસ હોય.
* શરૂઆતમાં ક્યારેય વધુપડતાં યોગાસન કે વ્યાયામ કરવો જોઈએ નહીં. સૌ પ્રથમ પોતાના શરીરની ક્ષમતાને પારખો પછી જ તેનો અભ્યાસ કરો.
* જે યોગાસન કરવાથી તમને આરામ લાગે તે જ આસન કરો.

No comments:

Post a Comment