Wednesday, 17 August 2011

બાળકોની ઓછી ઊંચાઈ: કારણો અને નિદાન


 
 
ઓછી ઊંચાઇ ફક્ત બીમારીઓ અથવા ઉણપથી જ નહીં પરંતુ અનેકવાર કુદરતી પરિબળો પર આધારિત હોય છે. અમુક પરિબળોનો ઈલાજ થઈ શકતા હોય છે અને અમુક કારણોમાં વિજ્ઞાન લાચાર હોય છે. એ બંને વચ્ચે ભેદ જાણવો અને સમજવો જરૂરી હોય છે. બાળકની ઓછી ઊંચાઈમાં વારસો (હેરિડિટી), પોષણ, શારીરિક બિમારીઓ, હાડકાંની બીમારીઓ, હોર્મોન્સની કમી મુખ્યત્વે છે.

વારસો (હેરિડિટી): બાળકની ઊંચાઈમાં વારસો અથવા હેરિડિટીનો ફાળો સૌથી મહત્વપૂર્ણ હોય છે. બાળકના પેરેન્ટ્સની ઊંચાઈ ઓછી હોય તો બાળકની ઊંચાઈ ઓછી હોવી સ્વાભાવિક છે. આ સિવાય બીજા પરિબળો પણ ભાગ ભજવતા હોય છે. તેનું વેળાસર નિદાન ઉપયોગી હોઈ શકે.

પોષણ: ઊંચાઈ અને વિકાસ વ્યક્તિના પોષણ ઉપર ખૂબ આધારિત છે. ગર્ભાવસ્થાથી પુખ્તાવસ્થા (Puberty) સુધી યોગ્ય પોષણ બાળકના વિકાસ અને ઊંચાઈ માટે આવશ્યક છે.

કુપોષણના ત્રણ મુખ્ય કારણો:

‘ ખોરાક અને પોષણની કમી: આર્થિક મુશ્કેલીઓના કારણે ગરીબ બાળકોને પૂરતા પ્રમાણમાં ખોરાક નહીં મળવાના કારણે તેમને યોગ્ય માત્રામાં પ્રોટીન્સ, વિટામિન્સ, કેલ્શિયમ જેવા તત્વો મળતા નથી. તે કારણસર તેમની યોગ્ય વૃદ્ધિ તથા વિકાસ થતો નથી.

‘ સમતોલ આહારની કમી: યોગ્ય સમતોલ આહાર કે જેમાં યોગ્ય માત્રામાં પ્રોટિન, વિટામિન્સ, ચરબી અને કાર્બોહાઈડ્રેટ મળે તે તેમની શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક છે. પરંતુ બાળકોની રુચિ-અરુચિના કારણે અથવા ચોકલેટ્સ, કોલ્ડ ડ્રિંકસ, ફાસ્ટ ફૂડના વધારે પડતા ઉપયોગના કારણે તેઓને ‘બેલેન્સ્ડ ન્યુટ્રિશન’ મળતું નથી જે તેમની ચરબીની માત્રા વધારી શકે પરંતુ હાડકાં અને માંસપેશીઓ પૂરતા પ્રમાણમાં વિકાસી ન શકે. આથી બાળકની ઊંચાઈ ઓછી રહે અને જાડાપણું વધી જાય.

‘ પોષણની કમી: અમુક ક્રોનિક ડિસિઝના કારણે બાળક બરાબર ખોરાક લઈ શકતું નથી. તેથી પણ પોષણની કમી થઈ જાય છે.

લાંબાગાળાની બીમારીઓ: વારંવારનાં ઈન્ફેકશન, લાંબાગાળાની આંતરડાંની બીમારીઓ, કિડનીની તકલીફો, કેન્સરની બીમારીથી બાળકનો વિકાસ રુંધાય છે અને તેની ઊંચાઈ અને વિકાસ અટકી જાય છે.

હાડકાંની તકલીફો: અમુક બાળકોને જન્મથી હાડકાંની તકલીફો હોય છે. બાળકની ઊંચાઈ મુખ્યત્વે હાડકાંમાં આવેલા ગ્રોથ પ્લેટ અથવા એપિફિસિસ દ્વારા થતી હોય છે. અમુક જિનેટીક કારણોસર જો આ એપિફિસિસમાં તકલીફ થાય તો બાળકની ઊંચાઈ ઓછી રહી જતી હોય છે. આ અવસ્થાને ‘સ્કેલેટ્સ ડિસ્પલાઝીઆ’ કહે છે. સરકસમાં ઓછી ઊંચાઈવાળા કલાકારો આનાથી પીડિત હોય છે.

હોર્મોન્સની તકલીફો: હોર્મોન્સની અછત અથવા અતિરેક બાળકની ઊંચાઈમાં તકલીફ આપી શકે છે. અનેક હોર્મોન્સ ઊંચાઈ વધારવામાં ફાળો આપે છે.

ગ્રોથ હોર્મોન: ગ્રોથ હોર્મોન પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો હોર્મોન છે. તેની ઉણપથી બાળકની ઊંચાઈ વધતી નથી. પિચ્યુટરી ગ્રંથિમાં ગ્રોથ હોર્મોન ઉત્પન્ન કરતા કોષોની કમી અથવા કાર્યક્ષમતાના અભાવથી આ હોર્મોનની ઊણપ થઇ શકે. અમુકવાર પિચ્યુટરી ગ્રંથિમાં ગાંઠ થવાથી આ હોર્મોન ઉત્પન્ન થતો નથી. બ્રેઈન ટ્યુમરના ઉપચાર તરીકે રેડિયોથેરાપી અપાઇ હોય તો પણ આ હોર્મોનની કમી થઈ શકે.

થાઇરોઈડ હોર્મોન: થાઇરોઈડ હોર્મોનની ઊણપને હાઈપોથાયરોઈડીઝમ કહે છે. થાઇરોઈડ હોર્મોનની ઊણપથી બાળકની ઊંચાઈ વધતી નથી અને વેળાસર નિદાન ન થાય તો તેની ઊંચાઈ ઓછી રહી જતી હોય છે.

સેક્સ હોર્મોન: છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન અને છોકરીઓમાં ઈસ્ટ્રોજન તેમના પુખ્તાવસ્થાના વિકાસમાં અને ઊંચાઈ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. પિચ્યુટરી ગ્રંથિની તકલીફથી શુક્રિંપડ અને અંડપિડમાંથી ક્રમશ: ટેસ્ટોસ્ટેરોન અને ઈસ્ટ્રોજન ઉત્પન્ન થતાં નથી. ઘણીવાર છોકરાઓમાં શુક્રિંપડનો અને છોકરીઓમાં અંડપિંડનો વિકાસ થતો નથી. સાથે તેમની ઊંચાઈ પણ વધતી નથી.

સ્ટેરોઈડ હોર્મોન: જો એડ્રિનલ ગ્રંથિ દ્વારા વધુ માત્રામાં સ્ટેરોઈડ હોર્મોન ઉત્પન્ન થાય તો તે બાળકોનો વિકાસ અટકાવે છે. અસ્થમા, સાંધાની બીમારીઓ વગેરેના ઈલાજ તરીકે સ્ટેરોઈડ અપાય છે તેથી પણ બાળકોનો વિકાસ રુંધાય છે.

જિનેટીક બીમારીઓ: ટર્નર સિંડ્રોમ, નુનાન સિંડ્રોમ જેવી રંગસૂત્રની બીમારીઓમાં બાળકોની ઊંચાઈ ઓછી રહી જાય છે. તેમાં જિનેટીક તકલીફથી હાડકાંનો વિકાસ થતો નથી અને ઊંચાઈ ઓછી રહે છે.

માનસિક તકલીફો: ‘પ્રેમ અને હૂંફ’ની કમીથી ઘણીવાર બાળકોમાં માનસિક અથવા ઈમોશનલ તકલીફો થતી હોય છે. આથી પણ બાળકોના બૌદ્ધિક તથા શારીરિક વિકાસ ઉપર માઠી અસર થાય છે.

No comments:

Post a Comment