Saturday, 6 August 2011

એક સો જન્મ તાલિયા રહેવું છે!




આર્જેન્ટિના અને યુકે ફોકલેન્ડના ટાપુઓ માટે ૧૯૮૨માં કોઈ પણ પરિણામ વિના ૭૪ દિવસ લડયા હતા. આ યુદ્ધને આર્જેન્ટિનાના કવિ જ્યોર્જ લુઈસ ર્બોિજસે દાંતિયાને માટે ઝઘડતા બે તાલિયાઓની સાથે સરખાવ્યું હતું.
બેબી! આપણે બધા ટકલા જન્મ્યા છીએ! આ પ્રમાણે અમેરિકન અભિનેતા ટેલી સાવલાસે કહ્યું તેમાં કોઈને ખાસ વાંધો નથી. મોટી તકલીફ ટકલા તરીકે જીવવાની છે. વાળ માથાને અર્થ આપે છે, આકાર આપે છે. વાળમાં જ તાલકું છુપાયેલું છે. વાળ ઘસાઈ જતાં આ જ તાલકું તાલનું રૂપ ધારણ કરીને બહાર આવે છે અને માથાના આકારને દુનિયાની સામે મૂકે છે. તાલ એક નાનકડા ચાંદરણામાં પ્રગટ થયા પછી ચંદ્રની બધી કળાઓ બતાવીને પૂનમનો ચંદ્ર બનીને છૂટાછવાયાં, આછાં-પાતળાં વાદળોને પણ હટાવીને માથાના આકાશમાં છવાઈ જાય છે. તાલપ્રદેશ અને ભાલપ્રદેશની સરહદો એકબીજામાં મળી જાય છે અને મોં-માથાનું એકચક્રી શાસન સ્થપાય છે. તાલ ભાલને ગળી જાય છે ત્યારે વિશાળ લલાટનાં ગુણગાનથી ખુશ થતાં માણસની ખુશી પણ અલોપ થઈ જાય છે. પુરુષની ઉંમર વીસ વરસની થવાની સાથે તાલની વિસ્તારવાદી પ્રવૃત્તિ શરૂ થાય છે. એક વાર તાલ પડવાની શરૂઆત થયા પછી ૧૫થી ૨૫ વરસમાં તાલ સંપૂર્ણ સ્વરૂપ મેળવે છે. પચાસ વરસે અરધોઅરધ પુરુષોના વાળ પાંખા થઈ ગયા હોય છે. ત્રીસ વરસની ઉંમરે દસમાંથી ત્રણ પુરુષોના માથામાં તાલનો પ્રબળ પ્રભાવ દેખાતો હોય છે. પ્રિન્સ વિલિયમ-કેટના રિસેપ્શનમાં પ્રિન્સ ચાર્લ્સે વિલિયમના માથાની સામે જોઈને પોતાની અને વિલિયમની તાલની મજાક કરી હતી.
બધા તાલિયા પુરુષો વિલિયમ હોતા નથી. માણસે (સ્ત્રીઓ સહિત) આકર્ષકએટલે કે સેક્સી દેખાવા માટે જ માથાના વાળ સંસ્કૃતિના વિકાસની સાથે જાળવી રાખ્યા છે. પુરુષોને માટે માથાના વાળને પુરુષાતન અને મર્દાનગીનું પ્રતીક માનવામાં આવ્યા છે. પ્રાચીન માનવ સંસ્કૃતિઓમાં યોદ્ધાઓ લાંબા વાળ રાખતા હતા (અને બૂરી રીતે માર ખાતા હતા. તેથી જ સૈનિકોને માટે ક્રૂ કટ ફરજિયાત છે). આકર્ષક દેખાવને બાદ કરતાં વાળની સાથે સંકળાયેલા અન્ય દાવાઓ પોકળ છે, પરંતુ તાલ ચિંતા જન્માવે છે તે હકીકત છે. સાતમાંથી ચાર વ્યક્તિઓને તાલિયાપણું વારસામાં મળે છે. ચિંતા કરવાથી તાલ પડયા પછી તાલ ચિંતાનો વિષય બની જાય છે. ચિંતામાં વળી જાતજાતનાં સંશોધનો ઉમેરો કરે છે. જેમકે, ત્રીસ વર્ષની નીચેની છોકરીઓ તાલ કે પાંખા વાળવાળા છોકરાઓને પસંદ કરતી નથી. ત્રીસની ઉપરની છોકરીઓને માટે ઇટ્સ ઓકે!આવા સર્વે માગ-પુરવઠાના સિદ્ધાંતોની જ વાત કરીને વિગ, હેર વિવિંગ, હેર-ટ્રાન્સપ્લાન્ટ અને વાળ ઉગાડવા/ વધારવાના વેપારીઓને લાભ કરાવતા હોય છે.
તાલ પાડવાની શક્તિ પત્ની, ઇન્કમટેક્સના અધિકારીઓ અને અખબારો ધરાવે છે. પ્રથમ બે માટે ઉદાહરણો આપવાની જરૂર નથી. એક માગો હજારો મિલતે હૈ. ક્રિસ્ટોફર હિચેન્સ નામના પત્રકારે લખ્યું છે કે, ‘ન્યૂયોર્ક ટાઈમ્સએનું  માથું જે વ્યક્તિને માટે ખંજવાળે તે વ્યક્તિએ સંપૂર્ણ તાલિયા થવા માટે તૈયાર રહેવું પડે છે. દરેક માણસની જિંદગીમાં ન્યૂયોર્ક ટાઈમ્સજેવા નમૂનાઓ એક યા બીજા સ્વરૂપે  આવતા હોય છે. બધી જ તાલો વારસાગત હોતી નથી. તાલથી છુટકારો મેળવવા કે તાલને છુપાવી રાખવા પુરુષ-જાતિએ અથાક પ્રયત્નો કર્યા છે. ખિસ્સામાં દાંતિયો (આદત અનુસાર કે ચળ દૂર કરવા) રાખવાથી માંડીને વિગ, હેર વિવિંગ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સુધીના નિતનવા ઉપચારો અને ઉપયોગોના પ્રયોગ કર્યા છે.
જુલિયસ સિઝર પાંદડાંના મુગટમાં વિગ પહેરીને તાલ છુપાવી રાખતો હતો. સીન કોનેરીને તાલ પડવાની શરૂઆત એકવીસમે વરસે થઈ હતી. બત્રીસ વરસની ઉંમરે એણે ડો. નોમા જેમ્સ બોન્ડની ભૂમિકા વિગ પહેરીને ભજવી હતી. લોકો તાલિયા વિલનને સ્વીકારે છે એટલી સ્વાભાવિકતાથી તાલિયા હીરોને સ્વીકારી શકતા નથી. હેર વિવિંગ કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરનારા આપણા દેશના અભિનેતાઓની યાદી ઘણી લાંબી છે જેની આગેવાની અમિતાભ બચ્ચને લીધી છે. આ બાબતમાં પણ એ દંતકથાઓનો શહેનશાહ છે. એક જમાનામાં એના વિગના કલેક્શનને વિન્ફ્રે ઓપ્રાહના વિગના કલેક્શનની સાથે સરખાવવામાં આવતું હતું. વેષાંતર કરીને બહાર જવું હોય ત્યારે કે ઘરે જિમમાં કસરત કરતી વખતે જ ઓપ્રાહ વિગ કાઢે છે. એ માથું શેવ કરે છે અથવા બચેલા વાળને રંગે છે. ઓપ્રાહનું અનુકરણ અનેક અભિનેતાઓ કરતા હતા અને આજે કરે છે.
કાલે હૈ તો ક્યા હુઆ... ગીત ગાનારા જેવા અનેક તાલિયા પુરુષો પણ બિંધાસ્ત થઈને ફરે છે. કેટલાક વિદેશી રમતવીરો અને અભિનેતાઓએ તાલને ગૌરવ અપાવ્યું છે. યુલ બ્રિન્નર જેવો અભિનેતા માથું સફાચટ રાખવાનો આગ્રહ રાખે છે. ગાંધીફેઈમ બેન કિંગસ્લે સફળ તાલિયા અભિનેતા તરીકે તરત યાદ આવે છે. રોમન અને ગ્રીકોના સમયથી કવિઓ અને ફિલોસોફરોએ તાલને વખાણી છે. તાલના ગુણોની કદર કરીએ તેટલી ઓછી છે. પોતાની સાથે અનેક ફાયદાઓને પણ ચળકાવે છે. રાજ નાન્દી નામના કવિ આ ફાયદાઓનું લાંબું લિસ્ટ આપે છે. તાલથી વાળ ઓળવાનો સમય બચી જાય છે. ચહેરાને અનુરૂપ વાળની સ્ટાઈલ કરવાની મથામણમાંથી મુક્તિ મળે છે. દાંતિયાની કદી જરૂર પડતી નથી. વાળંદની દુકાને લાઈનમાં બેસવું પડતું નથી. વાળને શેમ્પૂ કે ડાય કરવાનો કે હેર ઓઈલનો કે બ્રિલક્રીમનો ખર્ચ બચે છે. ઓશિકું સુંવાળું અને સ્વચ્છ રહે છે. ઓશિકા પર નેપ્કિન પાથરવાની જરૂર રહેતી નથી. તાલિયો માણસ સમૃદ્ધ અને શાણો લાગે છે. ટોળાંમાં જુદો તરી આવે છે. પવન કે વરસાદી ઝાપટાંનો ડર લાગતો નથી.
માથાના વાળ ઊભા થઈ જાય એવી વાતો નિરાંતે સાંભળી શકાય છે. વિગના કે વાળ ઉગાડવાની દવાઓ અને નુસખાઓ વેચતા વેપારીઓને લલચાવી શકાય છે. ગુસ્સો કે ચીડ વાળ પર ઉતારી શકતા નથી. રસોઈમાં વાળ આવે તો પત્નીને કાળજી રાખવાનું સીધું કહી શકાય છે. જે ઊગતું નથી તેને સાચવવું પડતું નથી. તાલના ફાયદાઓથી પ્રભાવિત થઈને એક અન્ય કવિએ સો જન્મ તાલિયા રહેવા ઇચ્છા વ્યક્ત કરી છે.

No comments:

Post a Comment