એક દૂરના સંબંધીએ હમણાં તેમની ત્રીજી દીકરીનો પ્રથમ જન્મદિવસ ધામધૂમથી ઊજવ્યો. તેમના ચહેરા પર એટલો જ ઉત્સાહ અને ખુશી દેખાતા હતા જેટલા તેમની પહેલી બેઉ દીકરીઓના જન્મદિવસની ઉજવણી વખતે હતો.
કોઈએ પૂછયું, તમે આ ત્રીજી દીકરીનો બર્થ ડે તો સાદાઈથી ઊજવ્યો હોત તો પણ ચાલત. ત્રીજો દીકરો હોત તો વધુ સારું રહેત... ખોટો ખર્ચ બચી જાત ને ! સંબંધીએ જરા પણ ખચકાટ વગર પ્રેમથી તેમને જવાબ વાળ્યો કે, “ત્રીજી છે અને દીકરી છે તો શું થયું ! તેને પણ બીજાઓ જેટલી જ ખુશી હોય, અમારી પાસેથી અપેક્ષાઓ હોય, તેનું પોતાનું એક વ્યક્તિત્વ હોય. તેને પણ એટલો જ અધિકાર છે જેટલો પહેલી બેઉ દીકરીનો હોય કે કોઈ પણ બાળકનો હોય અને અમે દીકરા, દીકરી વચ્ચે એવું ભેદભાવ જેવું વિચારતાં જ નથી. જે હોય તે પહેલાં તો ભગવાનની ઇચ્છા અને પ્રસાદી જ છે અને અમારું પોતાનું જ સંતાન છે અને અમને કોઈ રંજ કે વાંધો નથી, પછી બીજાને શું કામ હોવો જોઈએ.” પેલા ખણખોદિયા ભાઈ ચૂપચાપ સરકી ગયા.
કદાચ એ એવું માનનારાના વર્ગમાંથી હશે કે દીકરી એટલે અગણિત જવાબદારીઓ, ટેન્શન અને મા-બાપ પર વધારાનો ભાર વગેરે વગેરે.
એ ભાઈ જેવા જ એક વ્યક્તિને ત્યાં બીજી દીકરી આવી. તેમણે અને તેમની પત્નીએ તેને નાનપણથી જ છોકરા જેવા કપડાં પહેરવેશ, હેરસ્ટાઈલ કરાવ્યાં. તેનું નામ પણ દીપ પાડયું. કોઈ પૂછે તો તે કહે, હું માલા પપ્પાનો દીકલો છું... એક વાર સામે મળી ગયા. મેં પૂછયું, “તમને શું આ દીકરી નથી ગમતી ? તે આવી છે તેનું તમને દુઃખ છે ?” તો હસીને કહે, “ના રે, એ તો અમારી બહુ લાડકી છે.” મેં પૂછયૂં , તો તેને દીકરી તરીકે આવી છે તો તે જ રૂપે સ્વીકારો ને ! દેવે દીધેલ પ્રસાદીને પ્રેમથી સ્વીકારતા શીખો. તો છોભીલું હસીને કહે, આ તો એક દીકરી પર અમને સૌને છોકરાની આશા તો હોય જ ને ! તો આ દીપમાં જ અમને એ આશા અને સપનાં પૂરાં કરીને સંતોષ માનીએ છીએ.”
મેં થોડા આશ્ચર્ય સાથે કહ્યું, આ રીતે તમે તેના મન-વિચારો, વલણ અને સમગ્ર ભાવિ સાથે રમત કરી રહ્યા છો. તે મોટી થશે ત્યારે કદાચ પહેરવેશ બદલશે, પણ તેની સાઇકોલોજીનું શું ? તેની કોમળ ભાવનાઓ, નારી સંવેદનોનું શું ? અને આમ પણ તેણે પત્ની, માતા વગેરેની ભૂમિકા જ નિભાવવાની આવશે. ત્યારે તે શું તે રૂપને સહજ રીતે અપનાવી શકશે ? દીકરા-દીકરીનો સમાન ઉછેર કરવાની જે વાત છે તેમાં તેને ખાણી-પીણી, હક્કો, ભણતર વગેરેમાં સમાનતા આપવાની વિભાવના છે. આમ છોકરો બનાવીને સમોવડા માનવાની ક્યાંય વાત નથી. દીકરીને અભિશાપ ગણીને ચાલવાનું છોડી તેના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડશે.”
ચાલો આ સંબંધી તો સમજી ગયા, પણ હજુય એવાં અસંખ્ય પરિવારો અને સ્ત્રી-પુરુષો છે જેમને દીકરી જન્મ સ્વીકાર્ય નથી અથવા પુત્રીજન્મ એ સેકન્ડ ચોઈસ છે. આવા પુત્રમોહ રાખનારા દીકરો જન્મે તે માટે બાધા, માનતા, ઉપવાસ, ઊંટવૈદા વગેરે કરે છે.
જો સરકાર અને સમાજસેવી સંસ્થાઓએ સોનોગ્રાફી ક્લિનિકો પર રોક લગાવ્યા ના હોત, ગર્ભ પરીક્ષણ અને કન્યા ભ્રૂણહત્યા બંધ કરાવતા કાયદા લાગુ ના કરાવ્યા હોત તો હજુ પણ મોટી સંખ્યામાં કન્યા ભ્રૂણોની માતાની કોખમાં જ કરપીણ હત્યા થતી રહેત.
આજે જો કે, જાગૃતિ શિબિરો, જનજાગૃતિ અભિયાન, રેલી, ભાષણો વગેરેના પરિણામે ઘણો સુધારો જોવા મળે છે. દરેક શહેર, રાજ્યોમાં દીકરી-દીકરાના જન્મદરના આંકડામાં થોડો સુધારો-વધારો પણ ચોપડે નોંધાયો છે. સરકારે કાયદાઓ સ્ત્રીને ન્યાય મળે તેવા સુધારા સાથે તેમને સારો ઉછેર મળે, સમાન શિક્ષણ મળે અને દરેક ક્ષેત્રે સમાન તકો મળે તેવા પણ અનેક પ્રયત્નો શરૂ કરી દીધા છે. તે આશાસ્પદ છે.
વળી આજની નવી પેઢીનાં માતા-પિતા દીકરી હોય કે દીકરો બેઉના મહત્ત્વને સારી રીતે સમજે છે. સમાજના દીકરીઓ પરત્વેના દૃષ્ટિકોણમાં અને વલણમાં પણ ઘણો બદલાવ આવી ચૂક્યો છે.
મોટાભાગની જાતિ-સમાજના આગેવાનોએ અને શિક્ષિત-જાગૃત સ્ત્રી-પુરુષોએ કન્યા જન્મને સહર્ષ સ્વીકારી લેવાની શરૂઆત કરી છે. જે સમાજોમાં દીકરીઓને દૂધ પીતી કરી દેવાતી કે, હજુ હમણાં સુધી ગર્ભમાં જ પતાવી દેવાતી અને જન્મે તો પણ તેના પ્રત્યે ઓરમાયું-અન્યાયભર્યું વર્તન રખાતું તે બધામાં મોટા પાયે બદલાવ આવી ચૂક્યો છે.
જો કે, હજુ આજે પણ આપણા ગુજરાત તથા દેશભરમાંથી લાખો છોકરીઓ ગુમ થાય છે જેની ભાગ્યે જ કોઈ ભાળ મળે છે.
એક નવાઈ લાગે તેવો મુદ્દો એ છે કે, આપણા દેશની સંસ્કૃતિમાં તેને ‘ભારત માતા’ કહીને સન્માન અપાયું છે. માતૃશક્તિને સર્વોપરી ગણી તેની પૂજા કરાતી આવી છે. ત્યારે સંસ્કારિતાની પીપૂડી પોલી જ સાબિત થાય તેવું વલણ કેમ રાખવાનું ? દીકરી જન્મને નકાર કેમ આપવાનો ? આવા સમાજને વિકાસના પંથે જતો કહી શકાય કે દંભી અને પછાત માનસ ધરાવતો ગણાય ?
દીકરી કે દીકરો જન્મવો તે તો આ સૃષ્ટિના રચયિતાની જ મરજી હોય છે. તેણે જ સ્ત્રી-પુરુષ વચ્ચે એક સંતુલન જળવાય તે રીતે દીકરા-દીકરીના જન્મ નિયતિ મુજબ નક્કી કરેલાં હોય છે. તો કુદરતની એ ગણતરીને આપણે તોડનાર કોણ ?
અને દરેક જો એવું જ ઇચ્છે કે, બીજાને ત્યાં ભલે દીકરી આવે અમારે ત્યાં તો છોકરો જ આવવો જોઈએ, તો સમજશે કોણ... !
અને દીકરી જન્મનો આટલો તિરસ્કાર શા માટે ? તે નડે છે ક્યાં ?
આજની બદલાયેલી પેઢીની દીકરીઓ તો ખૂબ ભણે છે. જલદી પુખ્ત થઈને સારી એવી કમાણી પણ કરવા લાગે છે. આખા પરિવારની પ્રેમથી સંભાળ પણ લેતી જાય છે અને મા-બાપના માથે ભાર બનવાના બદલે તેમનો જ ભાર ઓછો કરવાની ક્ષમતા ધરાવવા માંડી છે.
તે પિતાના ઘરે કે સાસરિયાંમાં પણ પોતાના પ્રશ્નોનો ઉકેલ પોતાની જ આગવી સૂઝબૂઝથી લાવતી જાય છે. પછી વાંધો ક્યાં છે ?
હજુ હમણાં સુધી દીકરો હોય તો મનાતું કે ફલાણા-ઢીકણા ફાયદાઓ મળે. અમુક-તમુક રીત-રિવાજો અને ક્રિયા-કર્મોમાં દીકરો જ જોઈએ. તે ઘડપણની લાકડી બને અને માવતરને પ્રેમથી સાચવે, સેવા-સંભાળ કરે, પણ બધા દીકરા એવા નથી પણ નીવડતાં. જે જીવતે જીવ જ જો મા-બાપને પીડતાં હોય, ઠોકરે ચઢાવતાં હોય અને જીવવું દોહ્યલું બનાવી દેતાં હોય કે પછી ઠોકર મારીને ઘરડાંઘરમાં ધકેલી આવતાં હોય તે માંદગીમાં સેવા કે મોત બાદની વિધિઓ કરે તેવી આશા ક્યાંથી રાખી શકાય ?
ઘરડાંઘરોમાં વેદના-લાચારીના આંસુ વહાવતાં તરછોડાયેલાં મા-બાપને મળીને પૂછશો તો ખબર પડશે કે, તેઓ કદાચ તેમના પુત્રમોહમાં અંધ બની ગયેલા જીવનને કોસતાં હશે અને દીકરીઓ જ તેમની સેવા-મદદ કરતી હશે.
હા, સ્ત્રી જન્મ સાથે સંકળાયેલા કેટલાંક રુઢિગત રિવાજો, માન્યતાઓ હટાવવાની જરૂર છે. તેને વિકસવા દેવામાં અને સ્વતંત્રતાનો શ્વાસ લેવા દેવામાં નડતાં હોય તેવાં કુરિવાજો, બળાત્કાર, મારઝૂડ, દહેજ જેવા દૂષણોના મૂળિયા જ કાપી દેવાય તો દીકરી જન્મ એટલો બોજ ના પણ લાગી શકે.
જો કે સરકાર કે જાગૃત સંસ્થાઓ જે કામ કરશે તેના જેટલાં પરિણામો મળશે તેથી વધુ સ્ત્રી-પુરુષ અને સમાજના આગેવાનો જાતે સમજદારી દાખવશે અને તટસ્થ વલણ રાખશે તો વધુ સારા અને જલદી પરિણામો મળી શકશે.
સામે દીકરીને પ્રભુની પ્રસાદી માનીને ખુશી ખુશી કોઈ સંશય વગર વધાવનારા અનેક પરિવારો પણ છે. આજે દરેક ક્ષેત્રે જયાં સ્માર્ટ દીકરીઓની જ બોલબાલા છે, ભણતર હોય કે કારકિર્દી દરેક જગ્યાએ છોકરીઓ જ આગળ છે. ત્યાં હવે આ છોકરો કે છોકરીનો કકળાટ છોડી દેવો જોઈએ. બંધ થઈ જવો જોઈએ.
અરે ઘરમાં દીકરીનું જન્મવું એ ખુશીનો અવસર બની જાય છે. તેની કિલકારીઓ, તેના કાલાઘેલા પ્રશ્નો, તેની મીઠડી બોલી વગરનું ઘર સૂનું લાગે છે, દીકરી વગરનો પરિવાર જ અધૂરો છે. આવી જીવનભર લાગણીઓનો દરિયો ઢોળી દેતી દીકરીઓના અસ્તિત્વનો પ્રેમથી સ્વીકાર કરવો એ માતા-પિતા બનનાર દરેક સ્ત્રી-પુરુષની પણ લાગણીભીની ફરજ બને છે. અનેક ગર્ભસ્થ દેવની દીધેલ બાળકીઓને જન્મવા દઈને દીકરી જન્મનો ઉત્સવ મનાવીએ.
No comments:
Post a Comment