Tuesday, 6 September 2011

જોજો ને! તમારા બાળકોને જીવનઘડતરનાં આ પાઠ આપવાનું ચૂકાય નહી

 
દરેક મા-બાપનું એ સ્વપ્ન હોય છે કે તેમના સંતાનો તેમની ઓળખને ઉજાળે. પોતાનાં સંતાનનું નામ ઉજ્જવળ થાય અને તેની આ ઉજ્જવળતા માટે લોકો તેનાં મા-બાપને શ્રેય આપે તેવું દરેક મા- બાપ ઇચ્છે છે.-આવો જાણીએ એવાં પાઠ જે એક પિતા પોતાના પુત્રનાં જીવનઘડતર માટે આપે છે.

જીવન ઘડતરના પાઠ આપતા સંસ્કારી પિતાએ યુવાન પુત્રને કહ્યું ‘જીવનનો વિકાસ કરવો હોય તો બે વાતો ધ્યાનમાં રાખજે. પહેલી વાત- આર્થિક વ્યવહારમાં હંમેશા દ્રષ્ટિ નીચી રાખજે, એટલે કે આપણે પાંચ હજાર કમાતા હોઈએ અને બીજા દસ હજાર કમાતા હોય તો તેની તરફ ઊંચી દ્રષ્ટિ રાખીશું તો તેના પ્રત્યે આપણું મન ઇષૉથી ઘેરાયેલું રહેશે. આપણે દસ હજાર કમાતા નથી તેનું દુ:ખ રહેશે.

તેના બદલે આપણે નીચી દ્રષ્ટિ રાખીશું, એટલે કે જે બે હજાર કમાય છે તેના તરફ જોઈશું તો આપણને આપણી સ્થિતિ માટે સંતોષ થશે અને બે હજાર કમાનાર પડોશીને સહાયરૂપ બની શકીશું તેનું સમાધાન થશે. અને બીજી વાત- એટલે કે આધ્યાત્મિક વિકાસની વાત કરવાની હોય તો દ્રષ્ટિ હંમેશાં ઉપર તરફની ઊંચી રાખવી.

સમજો કે આપણે પ્રામાણિક હોઈએ અને આપણી દ્રષ્ટિ નીચી રાખીશું એટલે કે અપ્રામાણિક લોકોને જ જોતા રહીશું તો આપણી વૃત્તિ તેવી થશે. પરંતુ આપણી દ્રષ્ટિ ઊંચી રાખીશું એટલે કે જે પ્રામાણિક છે અને દાની પણ છે તેવા તરફ જોતા રહીશું તો આપણે પ્રામાણિક છીએ તેના અભિમાનમાંથી બચીશું અને હજુ દાની થવાનું બાકી છે તેની સભાનતા આપણામાં કેળવાની થશે.

પિતાની વાતનો ઊંડાણથી વિચાર કરીશું તો તેમાં જીવન જીવવાની, જીવનને સુખી બનાવવાની ઉત્કૃષ્ટ કલા છે જીવનનું સાચું વ્યાકરણ- આર્થિક વ્યવહારમાં નીચી દ્રષ્ટિ અને અધ્યાત્મ જીવનમાં ઊંચી દ્રષ્ટિ- એ ધ્યાન રાખીશું તો જીવનમાં કદી અશુદ્ધિ નહીં આવે.

No comments:

Post a Comment