અમદાવાદમાં રહેતા ૫૦ વર્ષના સુનિલભાઇ પરીખને ઓફિસ જતાં રસ્તામાં જ ઊંઘનાં ઝોકાં આવી જતાં તેઓ ફ્રેશ થવા માટે પાણીથી મોં અને આંખો ધોઇ નાખી રસ્તામાં ચાલી લે અને ઓફિસે પહોંચે. આ સમસ્યાને લીધે ઘણી વાર અકસ્માત થતા રહી ગયા છે. ફરીથી બપોરના સમયે એવા જ ઊંઘનાં ઝોકાં શરૂ થઇ જતાં, સાથે બ્લડ પ્રેશરનો પ્રોબ્લમ પણ રહેવા લાગ્યો એટલે તેઓ ફેમિલી ડોક્ટર પાસે ગયા. તેમણે ફેફસાંના સ્પેશિયાલિસ્ટ પાસે મોકલ્યા, છેવટે નિદાન થયું કે સુનીલભાઇને સ્લીપ એપ્નિયાનો રોગ થયો હતો. જેમાં તેમને નસકોરાં બોલાવવાની અને ઊંઘની સમસ્યા હતી. નસકોરાં બોલવાં એ સામાન્ય રીતે બિન્દાસ્ત ચિંતા વગરની વ્યક્તિ કે સારી ઊંઘની નિશાની ગણવામાં આવે છે. પરંતુ એ એક ખોટી માન્યતા છે. રોજ રાત્રે નસકોરાં બોલવાં તે એક ગંભીર બીમારીનું લક્ષણ હોઇ શકે છે. તેમજ તેનાથી ઘણાં ગંભીર દર્દ થઇ શકે છે અને ક્યારેક વાહનના અકસ્માતો પણ સર્જાય છે.
સ્લીપ એપ્નિયામાં નસકોરાં શા માટે બોલે?
જ્યારે આપણે સૂઇ જઇએ છીએ ત્યારે શરીરના બધા સ્નાયુઓ શિથિલ થઇ જાય છે. આવી જ રીતે ગળાના ભાગના સ્નાયુઓ શિથિલ થાય અથવા તો ગળાના ભાગમાં વધારે ચરબી ભરાય તો શ્વસનમાર્ગ સાંકડો થાય છે અને આ માર્ગમાંથી હવાને પસાર થવામાં તકલીફ પડે છે અને ધ્રુજારી ઉત્પન્ન થતાં અવાજ થાય છે. જેને આપણે નસકોરાં કહીએ છીએ. જ્યારે ગરદનની પાછળની બાજુ પડી જાય તો શ્વસનમાર્ગ સંપૂર્ણ બંધ જઇ જાય છે. તેથી શ્વાસ રુધાય છે તેમજ ઓક્સિજનની માત્રા ઓછી થાય છે. ઓક્સિજનની માત્રા અમુક કરતાં વધારે ઓછી થાય તો દર્દી જાગી જાય છે. આ પ્રક્રિયા દર્દીની જાણ બહાર થાય છે અને આખી રાતની ઊંઘમાં આવા ઘણા એપિસોડ આવતા હોય છે. આ શ્વાસ રૂંધાવાની પ્રક્રિયા જો અમુક કરતાં વધારે માત્રામાં થાય તો દર્દીને સારી ઊંઘ મળતી નથી. આવી વ્યક્તિઓ દિવસ દરમિયાન થાકેલા રહે છે. તેમજ કામ કરતાં કરતાં પણ ઊંઘી જાય છે. આ સમગ્ર પ્રક્રિયાને સ્લીપ એપ્નિયા કહે છે. આ એક આધુનિક જીવનશૈલીનો રોગ છે.
કોને સ્લીપ એપ્નિયા હોઇ શકે છે?
૩૦ વર્ષથી ઉપરના ૩૦ ટકા લોકોને નસકોરાં બોલતાં હોય છે. તેમાંથી ૩ થી ૫ ટકા લોકોને સ્લીપ એપ્નિયા હોય છે. સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે હોય છે. સામાન્ય રીતે વધારે વજનવાળી તેમજ ટૂંકી ગરદનવાળી તેમજ ગળાના વધારે ઘેરાવાવાળી વ્યક્તિઓને આ રોગ હોય છે. બાળકોમાં મોટા ટોન્સિલ તથા જડબા અને મોઢાની અસાધારણ રચનાને કારણે આ રોગ થઇ શકે છે. હૃદયરોગ, ફેફસાંના રોગો દમ તેમજ થાઇરોઇડના રોગો સાથે આ રોગ વધારે જોવા મળે છે. દારૂનું સેવન તેમજ ઊંઘની ગોળીઓ આ રોગને વધુ વકરાવે છે.
સ્લીપ એપ્નિયાનાં લક્ષણો શું હોય છે?-
- ઊંઘમાં નસકોરા બોલવાં.
- ઊંઘમાં શ્વાસ બંધ થઇ જવો.
- રાત્રે ઊંઘમાં ગભરામણ તથા પરસેવો થવો તેમજ ઊંઘમાંથી વારંવાર જાગી જવું.
- દિવસ દરમિયાન થાકેલા રહેવું.
- દિવસ દરમિયાન વધારે પડતી ઊંઘ આવવી, તેમજ કામ કરતાં કરતાં ઊંઘના ંઝોકાં આવવાં.
- વાહન ચલાવતાં ઝોકાં આવવાં.
- યાદશક્તિ અને ધ્યાનશક્તિ ઘટવી.
- સ્વભાવ ચીડિયો થવો.
- ડિપ્રેશન આવવું.
- હાઇ બ્લડપ્રેશર/હૃદયરોગ/લકવો થાય.
સ્લીપ એપ્નિયાથી થતું નુકસાન: સ્લીપ એપ્નિયાને કારણે હાઇ બ્લડપ્રેશર, એન્જાઇના, હાર્ટ એટેક, હૃદયના ધબકારાની અનિયમિતતા, રાત્રિ દરમિયાન અચાનક હૃદય બંધ થવું, લકવો, કિડની ફેઇલ્યોર તેમજ મૃત્યુ પણ થઇ શકે છે.
સ્લીપ એપ્નિયાનું નિદાન: સ્લીપ એપ્નિયાનું નિદાન કરવા માટે સ્લીપ સ્ટડી કરાવો પડે છે. આના માટે ફકત એક રાત માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આખી રાત શરીરમાં થતા ફેરફારો કોમ્પ્યૂટરમાં નોંધવામાં આવે છે. કેટલીવાર શ્વાસ બંધ થાય છે? હૃદયના ધબકારા કેટલા અનિયમિત થાય છે? વગેરે. આ આખી રાતના ફેરફારોને દિવસ દરમિયાન ડોક્ટર દ્વારા અભ્યાસ કરવામાં આવે છે અને તેના પરથી એપ્નિયા-હાઇપોએપ્નિયા ઇન્ડેકસ નક્કી કરવામાં આવે છે. આ ઇન્ડેકસ દર્દીને કેટલી માત્રામાં બીમારી છે તે નક્કી કરે છે.
નસકોરાં તથા સ્લીપ એપ્નિયાની સારવાર: જો દર્દીને સ્લીપ એપ્નિયા હોય અથવા નસકોરાં બોલતાં હોય તો વજન ઉતારવું, એક પડખે સૂઇ જવું, દારૂનું સેવન ન કરવું તેમજ ઊંઘની ગોળીઓ ન લેવી જેવી પ્રાથમિક સારવાર કરી શકાય છે. પરંતુ આનાથી ફકત ૧૦ થી ૨૦ ટકા લોકોને જ ફાયદો થાય છે. જે લોકોને વધારે તકલીફ હોય તેમને સીપીએપી મશીન સૂતી વખતે વાપરવું પડે છે. આ મશીન અમુક નક્કી કરેલા દબાણથી હવા ફેંકે છે. જેથી શ્વસનમાર્ગ ખુલ્લો રહે છે અને શ્વાસ રૂંધાતો નથી. આથી નસકોરાં બોલવાનાં બંધ થાય છે તેમજ શરીરમાં ઓક્સિજનની માત્રા જળવાઇ રહે છે. આથી દર્દીને સારી ઊંઘ મળે છે. તેમજ જ્યારે જાગે ત્યારે તાજગી મહેસૂસ કરે છે તેમજ દિવસ દરમિયાન આવતાં ઝોકાં દૂર થાય છે અને જીવનની ગુણવત્તા સુધરે છે. આ મશીન નિયમિત વાપરવાથી હાઇ બ્લડપ્રેશર, એન્જાઇના, હૃદયરોગ તેમજ લકવા જેવા રોગની ટકાવારી ઘટી જાય છે. આ મશીનની કોઇ આડઅસર નથી તેમજ કાયમ માટે વાપરવું પડે છે. જે દર્દીઓ આ સીપીએપી મશીન વાપરવા ના માગતા હોય તેમજ જેને મશીનથી ફાયદો ના થતો હોય તો તેવા દર્દીઓને સર્જરી કરીને શ્વસનતંત્રનો માર્ગ મોટો કરવામાં આવે છે. જેને યુવ્યુલોપેલેટો ફેરીન્ગોપ્લાસ્ટી સર્જરી કહેવામાં આવે છે. આ સિવાય જડબાનો ભાગ આગળ આવે તેવી સર્જરી પણ કરવામાં આવે છે. તેમજ મોઢામાં મૂકવાનાં સાધનો પણ વાપરવામાં આવે છે. જુદા જુદા પ્રકારનાં હોય છે. પરંતુ આ બધી સારવારની સફળતાની ટકાવારી સામાન્ય રીતે સીપીએપી કરતાં ઘણી ઓછી હોય છે.
ભારતમાં સ્થૂળતાનું પ્રમાણ વધવાની સાથે આ બીમારીનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. એટલે જો આપને નસકોરાં બોલતાં હોય તો આપના ડોક્ટરની તાત્કાલિક સલાહ લો. નસકોરાંને હળવાશથી ના લો.
No comments:
Post a Comment