પણ અમને આનંદ એ વાતનો છે કે ફિટનેસની બાબતે ગુજરાતના નર-નારીઓ જાગૃત છે. તકલીફ ફક્ત એટલી જ છે કે એમાંના મોટા ભાગનાને ઓછામાં ઓછા પરિશ્રમથી ફીટ રહી શકાતું હોય તો જ ફીટ રહેવું છે! ઘણા તો ટી.વી. પર કોઈને દોડતા કે કસરત કરતા જોઈ ને જ પરસેવે રેબઝેબ થઇ જાય છે. આપણે ત્યાં કોઈ એ વજન ઘટાડ્યુ હોય તો એની વિગતે પૂછપરછ કરવાનો રીવાજ છે. પણ જેવી બહેનને ખબર પડે કે આમાં તો રોજ પાંચ કિલોમીટર ચાલવું પડે અને તીખું-તળેલું ખાવાનું છોડી દેવું પડે, તો તરત મોં પર 'ઓહો, આવી રીતે તો ઉતરે જ ને!' એવા ભાવ આવી જશે. આ બધાને એમનો ખોરાક પૂછશો તો કોઈ દોઢ-બે રોટલીથી વધારે નહીં કહે અને તમે એમનો ‘ડાયેટ પ્લાન’ તપાસો તો દસમાંથી એક રોટલી પર ઘી નહીં લગાડવાનું!
સડસડાટ ભાગતા રીમોટ વચ્ચે ટી.વી. ચેનલ પર ક્યાંક કોઈ ચડ્ડી-બનિયાનધારી કન્યા ઘરે એક્સરસાઈઝ કરી શકાય એવા સાધનોનો 'ડેમો' બતાવતી દેખાશે તો એ જોવા માટે અટકશે ખરા, પણ એમાં મહેનતનું પ્રમાણ વધારે દેખાશે તો તરત બીજી મનોરંજક ચેનલ તરફ વળી જશે. ટેલી શોપિંગવાળા પણ જાણે આપણે ત્યાં આવીને જ રીસર્ચ કરી ગયા હોય એમ વજન ઉતારવાના શોર્ટકટ્સ જેવા સાધનો બનાવવા માંડ્યા છે. 'કમર પર બેલ્ટ બાંધો અને રસોડામાં કામ કરતા કરતા વજન ઉતારો' કે પછી 'આરામ ખુરશીમાં છાપું વાંચતા વાંચતા મશીન પર ચાલવાની કસરત કરો', ‘પથારીમાં સુતા સુતા મશીન પર પગની કસરત કરો’ એવા દાવાઓ સાથેની જાહેરાતો એના પુરાવા છે! આશ્ચર્યની વાત એ છે કે આવું દરેક મશીન કે સાધન એક બીજા કરતા અલગ પ્રકારનું હોવા છતાં એ સોફા નીચે સરળતાથી સમાઈ શકે એવું હોય છે!
ટેલી-શોપિંગવાળાની ઓછી મહેનતે વજન ઉતારવાની વાત મને અપીલ કરી ગઈ છે! અમને એક રસ્તો જડ્યો છે અને એ આપણી ફિલોસોફીને અનુકુળ પણ છે! આપણે ત્યાં સેવા હોય કે ભક્તિ એમાં સાધ્ય ને મહત્વનું ગણવામાં આવ્યું છે સાધન ને નહીં. કહે છે કે ભક્તિ તમે તનથી કરો મનથી કરો કે ધનથી કરો એ પ્રભુ ને પહોચે છે. બરોબર આ વાત પરથી જ અમે પ્રેરણા લઇને પરસેવે નહાયા વગર વજન ઘટાડવાની સિદ્ધિને વરી શકાય એવો એક રસ્તો કાઢ્યો છે! આમાં પાછુ એવું નથી કે હું ગોળ ખાતો હોઉં અને તમને ગોળ ન ખાવાની શિખામણ આપતો હોઉં. ના., મેં પહેલાં અમલમાં મુક્યો છે એ પછી જ આ કીમિયો તમને બતાવું છું અને એ કીમિયો છે .... 'ખયાલી વર્ઝીશ'!
ના ખબર પડી? આજ તકલીફ છે આપણી! આટઆટલી હિન્દી ફિલ્મો જોતાં હોવા છતાં આપણું હિન્દી એટલે આપણું હિન્દી! અચ્છા તમે ‘ખયાલી પુલાવ’ વિષે સાંભળ્યું છે? સાંભળ્યું છે ને? બસ, બરોબર એવી જ છે અમારી ખયાલી ‘વર્ઝીશ’ યાની કી ખયાલી કસરત અને એની રેસીપી એક જ સુત્રમાં આવી જાય છે. અને સુત્ર છે...મનથી કસરત કરો!
અમે કરીએ છીએ એમ જ મનથી કસરત કરો. જેમ મનથી સેવા અને ભક્તિ કરી શકાય છે બરોબર એમ જ મનથી કસરત પણ કરી શકાય છે! મારું ‘વર્ક આઉટ’ કહું તો મેં ત્રણેક મહીનાથી મનમાં જ રોજની ૧૦૦ પુશઅપ્સ અને એક કિલોમીટર દોડવાનું ચાલુ કર્યું છે. પછી દોડવામાં એક એક કિલોમીટર વધારતો ગયો. એકદમ નહીં હોં! દર પંદર દિવસે એક કિલોમીટર વધારતા જવાનું. પણ મનથી! હું ૫ કિલોમીટરે પહોચ્યો છું! ખુબ સારું રહે છે. પુશઅપ્સ ન ફાવે તો મનમાં જ ૧૫૦ ઉઠક બેઠક કરો! જગ્યાની કોઈ પાબંદી નથી. આ કસરત તમે અગાશીમાં, બગીચામાં, બસમાં બેઠા બેઠા, ચાર રસ્તે, પછી આરામ ખુરશીમાં પડ્યા પડ્યા કે પથારીમાં સુતા સુતા કરી શકો છો! પણ મન દઈ ને અને મનમાં જ કસરત કરવાની. થાક લાગે તો વચ્ચે આરામ કરી લેવાનો, એ પણ મનમાં જ!
તમારા ઘરમાં ટ્રેડ-મિલ, ડમ્બેલ્સ કે એવા બીજા કસરતના સાધનો વસાવ્યા હોય પણ એનો ઉપયોગ કરવામાં આળસ આવતી હોય તો અમારી પાસે એનો પણ ઉપાય છે. જેમ કર્મકાંડ માટે બ્રાહ્મણ રોકી શકાય છે એમ કસરત માટે એક પહેલવાન રાખવો જે રોજ સવારે તમારા ઘરે આવી ને ૫૦૦ પુશપ્સ અને ટ્રેડ-મિલ પર ૫ કિલોમીટર રનીંગ કરી જાય! પહેલવાન જરા મજબુત હોય તો વેઈટ લીફ્ટીંગ પણ કરાવવાનું! વહેલી સવારની તાજી હવાનો લાભ લેવો હોય તો પહેલવાનને વહેલી પરોઢે બોલાવવાનો! અને ખાસ તો ખયાલી કસરતમાં એક દિવસ પણ પાડવા નો નહીં. આખરે ફિટનેસનો સવાલ છે બોસ!
પહેલવાનવાળી વાત જવાદો પણ જો મનથી કસરત કરવાના વિચારથી જ હસવું આવ્યું હોય તો રોકી રાખજો. વિઝ્યુઅલાઇઝેશનની ટેકનીકથી સુષુપ્ત મગજને તાલીમ આપી શકાય છે, મગજની શક્તિઓ ને જાગૃત કરી શકાય છે અને એના દ્વારા અદભુત પરિણામો પણ મેળવી શકાય છે! આજે મનથી કરશો તો કાલે તનથી પણ કરતા થશો. તો કરતા રહો ‘ખયાલી વર્ઝીશ’!!!!
No comments:
Post a Comment