જો આપણે તંદુરસ્ત વ્યક્તિની વ્યાખ્યા કરીએ તો તે શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ હોય, રોગમુકત હોય તથા પોતાના દરેક કાર્ય તરવરતાથી કરી શકતા હોવા જોઈએ. આવા વ્યક્તિને સંપૂર્ણ રીતે તંદુરસ્ત કહી શકીએ. જેમ કે આપણે ત્યાં કહેવાય છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ પણ શું આજના આ ફાસ્ટફૂડિયા જમાનામાં આપણે આપણી જાતને તંદુરસ્ત રાખી શકીએ છીએ? પાશ્વાત્ય સંસ્કૃતિની ટેવો આપણે ખૂબ જ સરળતાથી અપનાવી લીધી છે. જેની સાથે ત્યાંની જીવનશૈલી અને ભોજન પ્રણાલી પણ આપણે આપણા જીવનમાં વણી લીધી છે. જેથી પિઝા, બર્ગર, કોલ્ડડ્રિંકસ, ચોકલેટ્સ, આઇસક્રીમ વગેરેની આદત પડી ગઇ છે. જાણે આ પૂરતું ન હોય તેમ જમ્બો સાઇઝ ફૂડ જેમ કે જમ્બો બર્ગર, જમ્બો વડાપાંઉ વગેરેનું ચલણ વધતું ગયું છે અને આપણી જીવનશૈલી વધુ આરામદાયક અને બેઠાડુ થઇ ગઇ છે અને આ જ કારણોસર સમાજની અંદર ઓબેસિટી (મેદિસ્વતા-જાડાપણું) વધી રહ્યું છે.
સામાન્ય સંજોગોમાં ઓબેસિટીને આપણે રોગ નથી ગણતા પરંતુ ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ દ્વારા જણાવેલ નિર્દેશ અનુસાર ઓબેસિટીને એક રોગ ગણવામાં આવે છે અને તેથી જ શરીરના કોઇપણ રોગને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિ તંદુરસ્ત કહી શકાય નહીં..
ઓબેસિટીને વ્યક્તિના માત્ર વજનથી નહીં પરંતુ તેના વજન અને ઊંચાઇના પ્રમાણમાં ગણવામાં આવે છે. આ પ્રમાણને બોડીમાસ ઇન્ડેકસ અથવા તો બી.એમ.આઇ. કહેવામાં આવે છે. જ્યારે આ મેદિસ્વતા અન્ય રોગો જેવા કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટરોલ, હૃદય કે શ્વાસની બીમારી સાથે સંકળાયેલા હોય ત્યારે તેની ગંભીરતા ખૂબ જ વધી જાય છે. આ સંજોગોમાં વ્યક્તિએ પોતાનું વજન તરત કાબૂમાં કરી લેવું અત્યંત જરૂરી હોય છે.
તાજેતરમાં થયેલા સર્વેક્ષણ અનુસાર ડાયાબિટીસ ભારતમાં ચિંતાજનક રીતે વધી રહેલો રોગ છે અને જ્યારે તે ઓબેસિટી સાથે સંકળાયેલો હોય ત્યારે તેની ગંભીરતા અનેકગણી વધી જાય છે.
આ ઉપરાંત ઊંઘ દરમિયાન શ્વાસ રોકાઇ જવો તથા અન્ય શ્વાસના રોગો પણ આ સાથે સંકળાયેલા હોઇ તેનું પણ જોખમ ઘણું વધી જતું હોય છે.
આ ઉપરથી આપણને જાણવા મળે કે ઓબેસિટી એ માત્ર એક રોગ નહીં પણ ઘણા બધા રોગની જનની કે તેનું મૂળ છે. અને જો તેને કાબૂમાં લેવામાં આવે તો આપોઆપ આ બધા રોગો કાબૂમાં આવી જાય. ઘણીવાર વધુ વજનવાળા લોકોના જોઇન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન પણ વજનને કારણે સફળ થઇ શકતા નથી. તો આ રોગને કાબૂમાં લેવા શું કરવું જોઇએ?
ઓબેસિટી કંટ્રોલ પ્રોગ્રામ: આ કંટ્રોલ માટે મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ છે.
- ડાયેટ કંટ્રોલ
- ફિઝિયો (કસરત અને યોગ)
- સર્જરી
ડાયેટ કંટ્રોલ: ડાયેટ અને કેલરી કંટ્રોલ કરવાથી શરીરમાં રહેલી વધુ પડતી ચરબી કાર્યઊર્જામાં રૂપાંતરિત થઇ શરીરને કાર્યક્ષમ બનાવે છે. આ પ્રકારનો કંટ્રોલ ખૂબ જ જરૂરી અને લાંબા સમય માટે કરવાનો હોઇ વ્યક્તિએ માનસિક રીતે આ માટે ખૂબ સજજ રહેવું પડે છે અને જો કોઇ કારણવશ આ બંધ કરી દેવામાં આવે તો વ્યક્તિનું વજન વધી જાય છે.
ફિઝિયો(કસરત અને યોગ): આ પદ્ધતિથી શરીરની આંતરિક ઊર્જાથી જ ચરબીને ઓગળવામાં આવે છે. જેથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે વધુ સ્વસ્થ અનુભવે છે. આ પદ્ધતિ પણ લાંબા સમય માટે અનુસરવી જરૂરી છે અને જો તેમાં પણ કચાસ રાખવામાં આવે તો વજન ફરી વધી જતું હોય છે.
ઓબેસીટી સર્જરી: આ પદ્ધતિ આધુનિક અને ખૂબ અસરકારક હોય છે. આ પદ્ધતિમાં દૂરબીન વડે પેટની આંતરિક વ્યવસ્થામાં ફેરફાર કરી વ્યક્તિના વજનમાં નોંધપાત્ર ઘટાડો મેળવી શકાય છે.
સર્જરીના મુખ્ય બે પ્રકાર છે.
1. રિસ્ટ્રિક્ટિવ ‘માલ એબસોર્બટિવ
રિસ્ટ્રિક્ટિવ સર્જરી: આ પદ્ધતિ દ્વારા વ્યક્તિની હોજરીની ક્ષમતાને ઓછી કરી દેવામાં આવે છે. જેથી વ્યક્તિનો ખોરાક અને કેલરી ઓછા થઇ જાય છે અને વજનમાં ઘટાડો નોંધાય છે. આ સર્જરી બે પ્રકારે થઇ શકે.
ગેસ્ટિક બેન્ડ : હોજરીના ઉપરના ભાગે એક બેન્ડ ચડાવી દેતાં હોજરીની ક્ષમતા ઘણી ઓછી થઇ જાય છે. વ્યક્તિને ઓછા ખોરાકથી પેટ ભરાયાની સંતૃપ્તિ થઇ જાય છે અને શરીરમાં ઓછી કેલરી જવાથી વજન ઘટાડો થાય છે. ઓબેસિટીના વિવિધ ઓપરેશન દ્વારા નોંધપાત્ર વજન ઘટાડાને લીધે ડાયાબિટીસના દર્દીઓમાં તેનો ખૂબ ફાયદો જોવા મળેલો છે તથા ઘણા દર્દીનો ડાયાબિટીસ મૂળમાંથી મટી જાય છે. આ પદ્ધતિ આપણા દેશમાં વધુ પ્રચલિત થઇ શકી નથી કારણ આપણો ખોરાક ઓછી માત્રામાં વધુ કેલરી આપતો હોઇ ધાર્યું પરિણામ મેળવી શકાતું નથી.
સ્લીવ ગેસ્ટ્રેકટોની : આ ઓપરેશન દ્વારા હોજરીને એક નળી જેવા સ્વરૂપમાં રૂપાંતરિત કરી દેવાય છે. જેથી વ્યક્તિ ઓછો ખોરાક લે, જલદીથી સંતુષ્ટ થઇ જાય અને શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટી જાય. ઉપરાંત વ્યક્તિને ભૂખ લાગવાની પ્રક્રિયા પણ ખૂબ જ ઓછી થઇ જાય જેથી વજન ઘટાડામાં વધારાનો ફાયદો થાય. આ ઓપરેશન આપણા દેશમાં સૌથી વધુ પ્રચલિત છે. આ ઓપરેશન દ્વારા ૨૫ થી ૪૦ કિ.ગ્રા. સુધી વજન ઘટાડો થઇ શકે છે.
2. માલ એબસોર્બટિવ: આ પદ્ધતિમાં હોજરીમાંથી એક નાનું પાઉચ બનાવી તેને આંતરડાના મધ્યભાગ સાથે જોડી એક બાયપાસ રસ્તો બનાવાય છે. જેને કારણે ખોરાક પણ ઓછો લેવાય અને ચરબીનું શોષણ પણ ઓછું થાય. વિશ્વના અન્ય દેશોમાં આ ઓપરેશન મુખ્ય ઓબેસિટી સર્જરી તરીકે ગણવામાં આવે છે.
આ ઓપરેશન દ્વારા વ્યક્તિને વિટામિન, કેલ્શિયમ તથા આયર્ન લેવાની જરૂરિયાત પડી શકે છે. આ ઓપરેશનથી ૩૫ થી ૬૦ કિ.ગ્રા. સુધી વજન ઘટાડો થઇ શકે છે. ઉપર જણાવ્યા ઉપરાંત ગેસ્ટિક બલુન કે ગેસ્ટિક ઇમ્બ્રિકેશન જેવા અન્ય ઓપરેશન પણ થઇ શકતા હોય છે.
ઓપરેશનથી વજન ઘટાડવાની પ્રક્રિયા ધીમી-સરળ અને ચોક્કસ હોય છે. જેને કારણે વ્યક્તિને નબળાઇ કે અશક્તિ લાગતી નથી. પરંતુ તે હળવાશ અનુભવે છે અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. દરેક પ્રકારનાં ઓપરેશનમાં એક ચોક્કસ પ્રકારનું જોખમ સંકળાયેલું હોય છે. જે માટે સામાન્ય સંજોગોમાં વિશિષ્ટ પગલાં પણ લેવાતાં હોય છે અને ઓપરેશનને સફળ બનાવાય છે.
આમ ઓબેસિટીએ ભારત અને વિશ્વભરમાં ચિંતાજનક રીતે વધી રહેલો ‘રોગ’ છે. પરંતુ તેની ચોક્કસ સારવાર શક્ય છે. જેથી વ્યક્તિ તેનું જીવન પહેલા કરતાં વધુ સારી રીતે જીવી શકે છે.
No comments:
Post a Comment