Tuesday, 6 September 2011

સમયનો ઓક્સિજન અને સંબંધોની લાઇફલાઇન




આપણી પાસે આજે બધી જ સુખ-સાહ્યબી છે, પણ સમય નથી અને તેને કારણે જ આપણે બહુ ઓછા લોકો સાથે ગાઢ-ઊંડાણભર્યા સંબંધો વિકસાવી-નિભાવી શકીએ છીએ
‘‘આજે મારે ઓફિસમાં મોડું થશે.
આલોક, તમારે કયા દિવસે મોડું નથી થતું, એ તો કહો?” ઈલાક્ષીથી બોલ્યા વિના ન રહેવાયું.
તને હજાર વાર કહ્યું છે કે મારે ઓફિસ જવાનો ટાઇમ થાય ત્યારે આવા વાહિયાત મુદ્દે મારા દિમાગનું દહીં ન કરવું! આલોક અકળાઈ ઊઠયો.
હું ઓફિસ જાઉં ત્યારે શાંતિ રાખો, હું ઓફિસથી થાક્યોપાક્યો આવું ત્યારે શાંતિ રાખો... બસ શાંતિ રાખવાનો ઠેકો જાણે મારે જ લેવાનો છે!
તારો પ્રોબ્લેમ શું છે? સમય જોઈને વાત કરને, મારે મોડું થાય છે...
પ્રોબ્લેમ સમયનો તો છે... ઓફિસ જ જાણે તમારી જિંદગી છે. ઘર તો જાણે તમારા માટે ગેસ્ટહાઉસ બની ગયું છે. રાતે થાકીને આવો. ખાવ-પીઓ અને ઊંઘી જાવ. સવારે જાગીને નાહી-તૈયાર થઈને પાછા ઓફિસ...
લાંબી સ્ટોરી ન કર... સીધે સીધું કહેને શું કહેવા માગે છે?”
તમે પાંચ હજાર રૂપિયા ઓછા કમાશો તો હું ચલાવી લઈશ, પણ ઘરે થોડો સમય આપો પ્લીઝ! હું તો હજુ સમજું છું પણ ગુડિયાને કેમ સમજાવવી? તે રોજ પૂછે છે કે ડેડી આપણી સાથે કેમ નથી રહેતા? મને ફરવા કેમ નથી લઈ જતા? મિકીના પપ્પા તો તેને રોજ ગાર્ડનમાં લઈ જાય છે....મારો નહીં એટલિસ્ટ તમારી દીકરીનો તો વિચાર કરો...
આલોક ઈલાક્ષીની ભીની આંખો સાથે પોતાની આંખો મિલાવી ન શક્યો. ટિફિન અને એટેચી લઈને ઘરની બહાર નીકળતાં થોથવાતી જીભે એટલું જ બોલ્યો, “વહેલો આવવાની ટ્રાય કરું છું!
***
અપૂર્વા, તારાં મમ્મી-પપ્પાએ તને નજરકેદ રાખી છે?” નટખટ વંદના બોલી.
વંદના, તું વારંવાર આવું કેમ કહેતી હોય છે? મારાં મમ્મી-પપ્પાને બદનામ કરવામાં તને શેનો રસ છે?”
તારાં મમ્મી-પપ્પાને અમે નહીં તું જ બદનામ કરી રહી છે. તું તો ક્યારેય અમારી સાથે ક્યાંય આવતી જ નથી, જાણે તને ઘરેથી સ્ટ્રીકલી ના જ પાડી હોય.
તું જાણે છે કે શોપિંગ મને પસંદ નથી અને મૂવિ કે પિકનિકનો મને શોખ નથી.
અરે, પણ આ બધું કંઈ તારા શોખ માટે તારે કરવાનું છે, એવું કોણ કહે છે? માત્ર તું અમારી સાથે આવ. તારી હાજરીથી અમારો ઉત્સાહ વધશે. આપણા સર્કલના કોઈ પણ પ્રોગ્રામમાં તું જ કાયમ ગેરહાજર રહેતી હોય છે. મિત્રોને પણ થોડો સમય આપવાનું રાખ.
કોલેજમાં તો આપણે સાથે હોઈએ જ છીએને... અપૂર્વાએ દલીલ કરી.
તું આવી મૂંઝી ક્યાં સુધી રહીશ? બહેનપણીઓ-મિત્રોને થોડો સમય આપીશ તો મરી નહીં જા... કોલેજ પછી તો ખબર નહીં આપણે બધાં ક્યાં, કેવી જિંદગીમાં ખોવાઈ જઈશું, મળવાનો સમય હશે કે નહીં પણ જેટલા દિવસ સાથે છીએ એટલા દિવસ તો એન્જોય કરીએ. મિત્રોને સમય આપવાથી સંબંધ મજબૂત થાય છે. પછી એક સમય આવશે કે કોઈને તારા માટે સમય જ નહીં હોય. ત્યારે આંખ ઊઘડશે પણ બહુ મોડું થઈ ગયું હશે!
ઓકે બાબા, આ વીક-એન્ડનો શું પ્લાન છે?” અપૂર્વાના આટલા શબ્દો સાથે આખા ગ્રૂપમાં ઉત્સાહની ઊર્જાનો સંચાર થયો.
***
આજની ભાગદોડ ભરેલી જિંદગીની સૌથી મોંઘી જણસ તરીકે કદાચ સમયનું નામ આપી શકાય. આપણા સમાજમાં આર્થિક પ્રગતિનાં એંધાણ ચોખ્ખાં વર્તાય છે. આધુનિક જમાનામાં ઝડપી વાહનો અને ઝડપી ઉપકરણો ઉપલબ્ધ હોવા છતાં લોકો પાસે સમયનો અત્યંત અભાવ હોય એવો માહોલ જોવા મળે છે. આપણી પાસે આજે બધી જ સુખ-સાહ્યબી છે, પણ સમય નથી અને તેને કારણે જ આપણે બહુ ઓછા લોકો સાથે ગાઢ-ઊંડાણભર્યા સંબંધો વિકસાવી-નિભાવી શકીએ છીએ. અરે, બીજાની વાત તો જવા દો આપણા ઘરના સભ્યો સાથે વાત કરવાનો, નિરાંતે બેસીને ગપ્પાં મારવાનો, એકબીજાનાં ખબરઅંતર પૂછવાનો પણ જાણે આપણી પાસે સમય બચ્યો નથી.
સંબંધો સ્થાપવા અને વિકસાવવામાં સમય નામનું પરિબળ ઘણું મહત્ત્વપૂર્ણ સાબિત થતું હોય છે. સાથે ગાળેલો સમય બે માણસને નજીક લાવે છે તો મળવાનો સમય ન રહેતો હોય તેવા સંજોગોમાં બે માણસોને એકબીજાથી દૂર દૂર પણ થઈ જતા હોય છે. સંબંધોની લાઇફલાઇનને જીવંત રાખવા માટે સમય નામના ઓક્સિજન વિના ચાલતું નથી. પરિવારજનો-મિત્રો-સંબંધીઓ માટે સમય ફાળવો અને સંબંધોના શ્વાસોશ્વાસ જીવંત રાખો. 

No comments:

Post a Comment