Tuesday, 6 September 2011

આયોજન થકી બનો કુશળ ગૃહિણી




ગૃહની શોભા એટલે ગૃહિણી. ચાર દીવાલનું મકાન નારીના સહજ સ્પર્શથી જ ઘર બને છે. પરંતુ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ગૃહિણી ઘરની સાફસફાઇમાં એટલી બધી વ્યસ્ત થઈ જાય છે કે તેને પોતાના માટે થોડી પણ હળવાશની પળો મળતી નથી. તો ચાલો એવું હોમ મેનેજમેન્ટ શીખીએ કે જેમાં ગૃહિણી ઘરની વ્યવસ્થા જાળવવાની સાથે થોડી હળવાશની પળોમાં મળી રહે
 હકારાત્મક વિચાર સાથે કામનું આયોજન કરવું જોઇએ જેથી ઘરકામ બોજ નહીં લાગે, ર્વિંકગ વુમન અને હાઉસવાઇફ બંનેએ હોમ મેનેજમેન્ટ તે રીતે બનાવવું જોઇએ કે કામનો બોજો ન વધી જાય અને થોડો ફુરસદનો સમય પણ રહે.
ઘરકામનું યોગ્ય આયોજન બનાવો
* હોમ મેનેજમેન્ટ માટે સૌ પ્રથમ તો એક સમયપત્રક તૈયાર કરો જેમાં દરેક કામની સમયમર્યાદા અને સમય નક્કી કરો. સમયપત્રક બનાવતી વખતે ઘરની સ્વચ્છતા માટે, ખરીદી કરવા માટે, રોજીંદા કાર્ય માટે, બાળકો માટે અને તમારા માટે થોડો સમય રહે તે અવશ્ય ધ્યાનમાં રાખો.
* ઘરને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે સૌ પ્રથમ તો મહિનાનું બજેટ બનાવો. સૌથી વધુ જરૂરી ખર્ચની અલગ યાદી કરો.
* આખા મહિનાનું પ્રોવિઝન સાથે લાવો, પ્રોવિઝનની યાદી બનાવતી વખતે ખાણીપીણીનું મેનુ મગજમાં રાખવું જેથી અચાનક આપને કોઇ વસ્તુ લેવા દોડવું ન પડે.
* ઘરના દરેક બિલ ભરવાનો પણ એક અલગ દિવસ જ રાખો જેથી બહારનાં કામોનો પણ બોજો વધી ન જાય.
* ફેમિલી એપોઇન્ટમેન્ટ્સ અથવા જે તે કામ તે તારીખે જ કરવાનું હોય તે એક કેલેન્ડર પર નોંધી રાખો જેથી કોઇ અગત્યની એપોઇન્ટમેન્ટ્સ ભુલાઈ ન જાય.
* રાતે જલદી સૂવાનું અને સવારે વહેલા ઊઠવાનો આગ્રહ રાખો જેથી ઘરની સાફસફાઇ અને પતિ, બાળકો માટેનો નાસ્તો વગેરે કામ ફટાફટ સવારે જ થઈ જાય.
* ઘરની સફાઇ કરવા માટેનું ટાઇમટેબલ તમારી સગવડ પ્રમાણે બનાવો. એક દિવસમાં જ સમગ્ર ઘરની સફાઇ કરવાનો આગ્રહ ન રાખો. એક દિવસ ઘરનો રૂમ સાફ કર્યો તો બીજા દિવસે અથવા પછી આવતી રજામાં બાથરૂમ અને ટોઇલેટની સફાઇ કરો. સફાઇ બાદ બેડશીટ,કવર અને પરદા વગેરે એકીસાથે ધોવાનો આગ્રહ ન રાખો નહિતર કામનો બોજો વધી જશે.
* ઘરમાં જે નકામાં કપડાં કે સામાન હોય તેને બહુ જમા કરવાનો આગ્રહ ન રાખો. ઘણાં લોકોને જૂની, બિનઉપયોગી વસ્તુ સાચવવાની આદત હોય છે. જેનાથી ઘરમાં આવો નકામો સામાન જમા થતો રહે છે પછી તેની સફાઇનો પણ બોજો વધી જશે જેથી બિનઉપયોગી અને ભંગારની વસ્તુનો થોડા થોડા સમયે નિકાલ કરતા રહો.
આમ ઘરનું યોગ્ય રીતે સંચાલન કરવું તે પણ એક કળા છે ત્યારે ગૃહિણી જો આ રીતે અમુક નાનાં નાનાં સૂચનોનો અમલ કરીને ઘરનું સંચાલન કરશે તો ઘરકામ એક બોજો નહીં બની રહે અને ઘરનાં અમુક કામો દરેક સભ્યોને વહેંચી દેવાથી પણ કામનો બોજ હળવો થઇ જાય છે અને ગૃહિણી પોતાના માટે તેમજ તેના છૂટી ગયેલા શોખ માટે થોડો સમય કાઢી શકે છે.
હોમ મેનેજમેન્ટ ટિપ્સ
*સવારે કરવાનાં કામ થોડાં રાતે જ કરી દો જેવાં કે કપડાંને ઇસ્ત્રી કરવી, શાક સમારીને ફ્રીઝમાં મૂકી દેવું. નાસ્તાનું મેનુ નક્કી કરી લેવું.
* ટીવી જોતાં જોતાં શાક સમારવું, કપડાંને ગડી કરવી જેનાથી સમય બચશે.
* દરેક લોકોએ વસ્તુ તેના સ્થાને રાખવાનો આગ્રહ રાખવો જોઇએ જેથી વસ્તુ શોધવા માટે સમય ન બગડે.
* દરેક લોકોએ મોજાં, અન્ડર ગારમેન્ટ્સ જાતે જ ધોવાનો નિયમ રાખવો.
* દરેક લોકોએ ચા-કોફીના કપ જાતે જ સાફ કરી દેવા જેથી એક વ્યક્તિ પર કામનો બોજ ન વધે.
* સાફ કરવા માટે આખા દિવસનાં વાસણ ભેગાં ન કરવાં.
* ઘરના સભ્યોને થોડાં કામની વહેંચણી કરી દેવી.

No comments:

Post a Comment