આયુર્વેદનો પ્રધાન સિદ્ધાંત છે - ‘ત્રિદોષ સિદ્ધાંત’. એ આયુર્વેદનો મૌલિક સિદ્ધાંત છે. આપણા શરીરમાં ‘ત્રિદોષ’નું (વાયુ, પિત્ત અને કફ) અસ્તિત્વ એ ર્નિિવવાદ સત્ય છે. તેની ઉપસ્થિતિથી શરીરની ઉપસ્થિતિ. તેની વિકૃતિથી શરીરની વિકૃતિ અને તેના નાશથી શરીરનો નાશ થાય છે. આ ત્રણે દોષ જો શરીરમાં સમઅવસ્થામાં રહીને પોતાનાં કાર્યો સમઅવસ્થામાં કરે તો શરીરનું સ્વાસ્થ્ય ઉત્તમ રીતે જળવાઈ રહે છે. આપણા શરીરમાં ઉત્પત્તિ અને વિનાશ અથવા વૃદ્ધિ અને ક્ષયના આ તારતમ્યને જીવન કહેવામાં આવે છે. અહીં એક ખૂબ જ સ્વાભાવિક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જીવનવ્યાપારનો કર્તા છે કોણ? તો એનો ઉત્તર છે ‘ત્રિદોષ’. જીવન પ્રક્રિયારૂપી પ્રધાન કર્મની અંદર ત્રણ વિશેષ કર્મ આવે છે : સંયોગ, વિયોગ અને વિક્ષેપ. આના કર્તાસંબંધી પ્રશ્ન ઉત્પન્ન થતાં પુનઃ ઉત્તર મળે છે. ક્રમશઃ કફ, પિત્ત અને વાયુ. સુશ્રુત એ આયુર્વેદના પ્રસિદ્ધ જ્ઞાતા હતા. તેમણે પોતાના ગ્રંથ ‘સુશ્રુત સંહિતા’માં લખ્યું છે કે જેવી રીતે ચંદ્રમા, સૂર્ય અને પવન ક્રમશઃ વિસર્ગ, આદાન અને વિક્ષેપ ઇત્યાદિ કર્મોથી જગતને ધારણ-પોષણ કરે છે એ રીતે જ કફ (ચંદ્ર), પિત્ત (સૂર્ય) અને પવન (વાયુ) શરીરની વિભિન્ન પ્રક્રિયાઓ જેવી તે શ્વસનકર્મ, પાચનકર્મ, ત્યાગકર્મ વગેરે દ્વારા શરીરને ટકાવી રાખે છે.
શરીરની ઉત્પત્તિ, પુષ્ટિ અને ક્ષતિપૂર્તિને માટે કફ આવશ્યક છે. આ કાર્યને માટે શરીરનું રૂપ યથાયોગ્ય પરિવર્તન કરનાર પિત્ત છે. આ કફ અને પિત્તનાં કાર્યોનું યથાયોગ્ય સંચાલન અને નિયંત્રણ તથા શરીરની સમસ્ત ભૌતિક ક્રિયાઓનો સંપાદક ‘વાયુ’ છે. વાયુ, પિત્ત અને કફ આપણા શરીરમાં વિભિન્ન સ્થાને પાંચ પાંચ પ્રકારના હોય છે અને તે દરેકનું કાર્ય અલગ અલગ હોય છે. વાયુ રજોગુણમય, સૂક્ષ્મ, શીતળ, લઘુ અને ચંચળ એટલા વાયુના ગુણો છે. તેનુ સ્થાન કોઠો, કંઠ, હૃદય, અગ્નિ અને મળસ્થાનમાં છે. વાયુના પાંચ પ્રકારમાંથી ઉદાનવાયુ કંઠમાં, પ્રાણવાયુ હૃદયમાં, સમાનવાયુ નાભિ પ્રદેશમાં, અપાનવાયુ મળાશયમાં અને સમગ્ર શરીરમાં ‘વ્યાન’ વાયુનું સામ્રાજ્ય ગણાવાય છે.
પિત્ત સતોગુણમયી, ઉષ્ણ, તીક્ષ્ણ, સૂક્ષ્મ, દ્રવ અને પીળા રંગનું હોય છે. તે અગ્નિસ્થાનમાં અગ્નિ સ્વરૂપ (પાચક) ત્વચામાં ક્રાંતિકારક, આંખોમાં દૃષ્ટિ સંપાદન કરનાર, પ્રકૃતિમાં પાચન સ્વરૂપ અને હૃદયમાં બુદ્ધિકારક છે.
કફ તમોગુણમય, ભારે, સ્નિગ્ધ, શીતળ, શ્વેત અને મધુર ગણાવાય છે. તેનાં વિશેષ સ્થાનો મસ્તક, કંઠ સંધિઓ, હૃદય અને આમાશય છે. ફેફસાં એ વિકૃત કફને નીકળવા માટેનું સ્થાન છે. અહીં વિકૃત કફની વાત નથી પાકૃત કફની વાત છે.
વાયુ, પિત્ત અને કફ માનવ શરીરની સ્વાભાવિક અને અસ્વાભાવિક ક્રિયાઓનાં ભૌતિક સૂક્ષ્મ તત્ત્વો છે. કફ અને પિત્ત તો વિભિન્નરૂપે દૃષ્ટિગોચર થાય જ છે, પરંતુ વાયુ અદૃશ્ય છે, પરંતુ તેનાં કાર્યોથી તેનું અનુમાન થઈ શકે છે. શરીરના સમગ્ર શારીરિક અને માનસિક રોગોમાં આ ત્રિદોષમાંથી કોઈ એક, બે કે ત્રણ દોષનો વત્તાઓછા પ્રમાણમાં ફાળો હોય છે. રોગનાં લક્ષણો ઉપરથી તેનું અનુમાન કરી ચિકિત્સાક્રમ ગોઠવાય તો ધાર્યું પરિણામ મળે છે.
ઘરગથ્થુ ઉપચાર
ઉત્તમ પ્રકારના લસણની એક ગાંઠ ફોલવી, આ બધી કળીઓના ત્રણ ત્રણ ટુકડા કરી એક ગ્લાસ દૂધમાં નાંખી ઉકાળવું, દૂધમાં અડધો અડધ પાણી નાંખવું. ધીમા તાપે ઉકળતા પાણીનો ભાગ ઊડી જાય ત્યારે તેને ઉતારીને ઠંડું પાડી તેને રોજ સવારે પીવું. કળીઓના ટુકડા ચાવીને ખાવા. લસુનક્ષીરનો આ પ્રયોગ મર્હિષ ચરકે પોતાના ગ્રંથમાં આપ્યો છે. તેના ઉપયોગથી વાયુનો ગોળો, આફરો, મંદાગ્નિ, અપચો, ઉર્ધ્વવાત, રાંઝણ (સાયટિકા), હૃદયરોગ, સાંધાનો વા વગેરે અનેક રોગ મટે છે. આ પ્રયોગ કરતી વખતે રોગ પ્રમાણે પરેજી પાળવી જ જોઈએ.
No comments:
Post a Comment