Thursday, 8 September 2011

બ્લડ પ્રેશરની બીમારીઓ




હાઈ બીપીનો સમયાંતરે ઉપચાર કરતાં રહેવું જોઈએ.. જોકે, ઉપચારની પૂર્વશરત એ છે કે નશીલાં દ્રવ્યોનું સેવન બંધ કરો
બ્લડ પ્રેશર હાઈ હોય કે લો, બન્ને તમારા માટે ખતરાની ઘંટી સમાન હોય છે. હૃદય ધબકતું રહે અને જિંદગીની ગાડી પાટા પર દોડતી રહે તેના માટે હાઈ અને લો બીપીની જાણકારી અને બચવાના ઉપાયો જાણવા જરૂરી છે.
હાઈ બ્લડ પ્રેશર
સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશરનાં કોઈ દેખીતાં લક્ષણ હોતાં નથી, તેથી તેને સાઇલન્ટ કિલર કહેવાય છે. બીપી માપવામાં ન આવે ત્યાં સુધી તેનો ખ્યાલ આવતો નથી. ઘણી વાર લોકો બ્લડ પ્રેશરને માથાનો દુખાવો, છાતીમાં દુખાવો, શ્વાસ ચઢવો, ધૂંધળું કે અસ્પષ્ટ દેખાવું અને ચક્કર આવવા વગેરેની સાથે જોડી દે છે. હા, આ લક્ષણોનું કારણ બ્લડ પ્રેશર હોઈ શકે છે પરંતુ ચોક્કસપણે હાઈ બ્લડ પ્રેશર જ છે તેવું ન કહી શકાય.
કારણોઃ એવી ઘણી બાબતો છે જે હાઈ બ્લડ પ્રેશરમાં પોતાની ભૂમિકા ભજવે છે. જેમ કે ઉંમર, મેદસ્વિતા, મીઠાંનું વધારેપડતું સેવન, નશીલાં દ્રવ્યોનું સેવન, બેઠાડું જીવન, ચાલવું કે કસરત ન કરવી, ગર્ભનિરોધક દવાઓનું સેવન વગેરે હાઈ બ્લડ પ્રેશરનાં કારણો હોઈ શકે છે. ૩૫ વર્ષની ઉંમર પછી તેનું જોખમ વધતું જાય છે. ઘણી વાર વર્ષોથી તમારું બ્લડ પ્રેશર સતત વધતું જાય છે અને તેની જાણ સુધ્ધાં પણ થતી નથી. મોટાભાગના લોકો છાતીમાં દુખાવાની ફરિયાદ કરે છે, પરંતુ પછીથી યોગ્ય ઉપચાર પર ધ્યાન આપતાં નથી.
ઉપચારઃ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે હંમેશાં સતર્ક અને જાગરૂક રહેવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશર ઘણાં વર્ષોથી સતત વધતું રહે છે, તેથી તેને તરત જ અંકુશમાં લઈ શકાતું નથી. હા, દવાઓ દ્વારા તેમાં તાત્કાલિક રાહત જરૂર મેળવી શકાય છે. હાઈ બ્લડ પ્રેશર પર સંપૂર્ણ અંકુશ મેળવવા માટે સમયાંતરે તેનો ઉપચાર કરતાં રહેવું જોઈએ. જોકે ઉપચારની પૂર્વશરત એ છે કે તમાકુ અને નશીલાં દ્રવ્યોનું સેવન તાત્કાલિક બંધ કરવું પડશે.
આયુર્વેદમાં હાઈ બ્લડ પ્રેશરનો ઉપચાર
આયુર્વેદમાં હાઈ બ્લડ પ્રેશરને ઉચ્ચ રક્તચાપ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં માનવ શરીરમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ કે રોગ માટે ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફને જવાબદાર માનવામાં આવે છે. વાત અને પિત્તને સંતુલિત કરીને હાઈ બ્લડ પ્રેશરનો ઉપચાર કરવામાં આવે છે. પ્રોટીનયુક્ત અને ઓછી ફેટવાળાં તાજાં ફળ અને શાકભાજી દ્વારા આ દોષોને દૂર કરી શકાય છે. તેના માટે પોતાના ભોજનમાં મીઠાંનું પ્રમાણ ઘટાડવું અને લસણ, લીંબુ, અજમાનું પ્રમાણ વધારવું જોઈએ. ફળમાં દ્રાક્ષ, કેળાં, તરબૂચ વગેરે ફાયદાકારક છે. નિયમિત યોગ અને ધ્યાન કરવાથી તણાવમાં ઘટાડો થાય છે.
લો બ્લડ પ્રેશર
શરીરમાં રક્તસંચારનું દબાણ એટલું ઓછું થઈ જાય છે કે નસોમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. તેને કારણે મગજ, હૃદય અને કિડનીને લોહી દ્વારા ઓક્સિજન અને અન્ય જરૂરી પોષકત્તત્ત્વ પૂરતાં પ્રમાણમાં મળતાં નથી. લો બ્લડ પ્રેશરને કારણે લોહીનું દબાણ ઓછું થાય છે જેથી શરીરનાં વિવિધ અંગો સુધી લોહી પહોંચતું નથી. તેને કારણે તે અંગોની કાર્યપ્રણાલીમાં ખલેલ પહોંચે છે. એવામાં હૃદય, મગજ, કિડની, ફેફસાં આંશિક અથવા સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી શકે છે. ઊભા રહીએ ત્યારે ચક્કર આવવા અને બેભાન થઈ જવું એ લો બીપીનાં લક્ષણ છે.
કારણોઃ શરીરમાં ઘા લાગવો, સર્જરી અથવા લોહીની ઊણપ અથવા પાતળું લોહી લો બ્લડ પ્રેશરની ફરિયાદ ઉદ્ભવે છે.હૃદયની બીમારીને કારણે હૃદયની માંસપેશીઓ નબળી પડી જાય છે, જેને કારણે આપણું હૃદય લોહી આગળ ધકેલી શક્તું નથી એટલે કે દબાણ કરી શક્તું નથી અને પરિણામે બ્લડ પ્રેશર લો થવા લાગે છે.
ઉપચારઃ લો બીપીની આશંકા હોય તો સૌથી પહેલાં સૂઈને તથા ઊભા રહીને બ્લડ પ્રેશર ચેક કરવું જોઈએ. લો બ્લડ પ્રેશર જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો કોઈ દવાને કારણે લો બ્લડ પ્રેશરની ફરિયાદ હોય તો દવાની માત્રા ઘટાડો, દવાની ફેરબદલ કે સંપૂર્ણ બંધ કરી શકાય. ડિહાઈડ્રેશન અને લોહીની ઊણપ હોય તો નવું લોહી ચઢાવી શકાય છે.
આયુર્વેદમાં લો બ્લડ પ્રેશરનો ઉપચાર
લો બ્લડ પ્રેશરમાં પણ હાઈ બ્લડ પ્રેશરની જેમ વાત, પિત્ત અને કફને જ જવાબદાર માનવામાં આવે છે. પિત્ત દોષને દૂર કરવા માટે ભોજનમાં હળદરનું પ્રમાણ વધારવું જોઈએ. આ સિવાય હળદરને એલોવેરાના રસની સાથે મેળવીને પણ લઈ શકાય છે. વાતના નિવારણ માટે ભોજનમાં લસણનું પ્રમાણ વધારવામાં આવે છે. કફ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ત્રિકુટા કે લાલ મરચાંનો ઉપયોગ કરી શકાય. આયુર્વેદમાં અશ્વગંધાના ઉપયોગને પણ લો બીપીના ઈલાજ માટે કારગર ઔષધિ માનવામાં આવે છે. ભોજનમાં લીલાં પાંદડાંવાળા શાકભાજી, દૂધ વગેરે ફાયદાકારક રહે છે.
તરબૂચ ખાઓ બ્લડ પ્રેશર ભગાઓ
ફ્લોરિડા સ્ટેટ યુનિર્વિસટીમાં તાજેતરમાં થયેલાં સંશોધન અનુસાર તરબૂચમાંથી મળી આવેલું એમિનો એસિડ હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે. નવ હાઈ બ્લડ પ્રેશરના દરદીઓને દરરોજ છ ગ્રામ તરબૂચ અપાતું. છ મહિના પછી પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં માલુમ પડયું કે તરબૂચ ખાવાથી દરદીઓનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેતું હતું.

No comments:

Post a Comment