તમારે તમારી જિંદગી કેવી રીતે વિતાવવી છે તેનો આધાર સો એ સો ટકા તમારા વિચારો પર છે. ખામી શોધવા નીકળશો તો જિંદગીમાંથી સો ખામી મળી આવશે અને ખુશી શોધવા નીકળશો તો હજાર ખુશી મળી આવશે
આજની મ્હેકને જ માણી લે, કાલનો ઘેઘૂર ભાર છોડી દે,
સુખની ચાવી તને ય સાંપડશે, એક અમથો નકાર છોડી દે.
- નીતિન વડગામા
માણસનું જીવન અંતે તો એના વિચારોથી જ ઘડાતું હોય છે. માણસ એવો જ હોય છે જેવું એ વિચારે છે. સંસ્કાર કે ખાનદાની એ બીજું કંઈ જ નથી પણ સારા વિચારોનો સમૂહ છે. સુખ અને દુઃખ પણ અંતે તો તમે તમારી પરિસ્થિતિ વિશે શું વિચારો છો એના પરથી જ નક્કી થાય છે. ઘણા લોકો સુખી હોવા છતાં પોતાને સુખી માની શકતા નથી અને દુઃખી થયા રાખે છે.
એક યુવાન હતો. અત્યંત સુંદર. ભગવાને તેનો નાક-નકશો ઉદારતાથી બનાવ્યા હતા. કુદરતે જાણે તેની રચનામાં કોઈ કસર છોડી ન હતી. તેની એક પ્રેમિકા હતી. તે હંમેશાં યુવાનનાં વખાણ કરે. તું ખૂબ જ હેન્ડસમ છે. તારા જેટલી સુંદર વ્યક્તિ બીજો કોઈ હોઈ જ ન શકે. પ્રેમિકાનાં વખાણથી પણ યુવાન ખુશ ન થતો. તે તરત જ તેના ડાબા પગના અંગૂઠાનો નખ બતાવીને કહેતો કે મારા આ એક અંગૂઠાનો નખ નથી. નાનો હતો ત્યારે ઠેસ વાગી એમાં મારો નખ ઉખડી ગયો હતો. આ એક નખને કારણે મને અધૂરપ લાગે છે. મારું સૌંદર્ય સંપૂર્ણ નથી. આ વાત સાંભળીને પ્રેમિકાએ કહ્યું કે તું માત્ર તારા નખને ભૂલી ન શકે? મોટા ભાગે આપણું દુઃખ નખ જેવડું જ હોય છે અને આપણે તેને આખા શરીર કરતાં વધુ મહત્ત્વ આપી દેતા હોઈ છીએ.
કોઈ જિંદગી હન્ડ્રેડ પર્સન્ટ નહીં હોવાની. આપણે નવ્વાણું સુખને ભૂલી એક દુઃખને પકડી રાખીએ તો જિંદગી એક ટકો જ થઈ જવાની. એક માણસને એક આંખ નહોતી. દુઃખની વાત પૂછવામાં આવી ત્યારે તેણે કહ્યું કે જોવા માટે એક આંખ પૂરતી છે. નજર ભલે પચાસ ટકા હોય પણ મારી દૃષ્ટિ સો ટકા છે. તમારી પરિસ્થિતિ અને તમારા સંજોગો વિશે તમે શું વિચારો છો તેના પરથી જ તમે ખુશ છો કે ઉદાસ તે નક્કી થતું હોય છે.
તમારે તમારી જિંદગી કેવી રીતે વિતાવવી છે તેનો આધાર સો એ સો ટકા તમારા વિચારો પર છે. ખામી શોધવા નીકળશો તો જિંદગીમાંથી સો ખામી મળી આવશે અને ખુશી શોધવા નીકળશો તો હજાર ખુશી મળી આવશે. દરેક માણસ વિચારી શકે તો એ ‘સમથિંગ સ્પેશ્યલ’ હોય છે. કુદરતે કેમ દરેક માણસને એક સરખા નથી બનાવ્યા? કદાચ એટલા માટે કે એ દરેક વ્યક્તિમાં કંઈક જુદી અને અનોખી ખૂબી મૂકવા ઇચ્છતો હશે.
એક સિંગર હતો. તેને પૂછવામાં આવ્યું કે તમને ગાયન સિવાય શું આવડે છે? બીજું તો તમે કંઈ નથી જાણતા. સિંગરે કહ્યું કે મને મારા ગાયનથી સંતોષ છે અને ઈશ્વરે મને તેના માટે જ બનાવ્યો છે. ગાયક હોય એ સંગીતનો જાણકાર હોય એ જરૂરી નથી. સંગીતકારને તમે મૂર્તિ ઘડવાનું કહો તો ન ઘડી શકે. મૂર્તિકાર રમતવીર ન બની શકે અને રમતવીર જાદુગર ન બની શકે. ઈશ્વરે દરેક વ્યક્તિને કોઈ ખાસ હેતુ માટે બનાવી હોય છે. દરેકે પોતાના જીવનનો ઉદ્દેશ શોધવાનો હોય છે. દરેક વ્યક્તિ મહાન હોય, દરેક વ્યક્તિ કલાકાર હોય અને દરેક વ્યક્તિ સેલિબ્રિટી હોય એ જરૂરી નથી. તમે જે છો એ જ મહત્ત્વનું છે. તમારા વિશે વિચાર કરજો, તમારામાં કંઈક એવી ખૂબી હશે જે બીજામાં નહીં હોય, પણ આપણે બીજા પાસે હોય એને જ મોટું, કીમતી અને મહાન માની આપણી ખૂબીને અવગણતા હોઈએ છીએ. જેની પાસે દરેક સાધન-સુવિધા હોય તેવા અબજોપતિ કરતાં એક ફકીર વધુ સુખી હોઈ શકે, કારણ કે ફકીર માનતો હોય છે કે હું સુખી છું.
તમારા વિચારો જ તમને નાદાન કે ખાનદાન બનાવતા હોય છે. શ્વાસ અને વિચારો બે એવી વસ્તુ છે જે જિંદગીના અંત સુધી સતત ચાલતા રહે છે. તમે શ્વાસ અને વિચારોને કદાચ થોડી ક્ષણો સુધી અટકાવી શકો પણ અંતે તો એ એની મરજી મુજબ ચાલવા જ માંડે છે. તમે તમારા વિચારોને કઈ દિશા તરફ વાળો છો તેના ઉપરથી જ તમે કેવા છો અને તમારું ભવિષ્ય કેવું રહેશે તે નક્કી થતું હોય છે.
ગમે તેવો મહાન માણસ હોય તોપણ એને કાયમ સારા વિચારો આવવાના જ નથી. કોઈ વ્યક્તિ જો એમ કહે કે મને માત્ર સારા વિચારો જ આવે છે તો એ જગતનો સૌથી મોટો જુઠ્ઠો માણસ છે. વિચારો હંમેશાં મિક્સ હોવાના. સારા વિચારો સાથે ખરાબ વિચારો આવવાના જ. સારો માણસ એ છે જે ખરાબ વિચારોને ટાળે છે. તમને જ્યારે કોઈ ખરાબ વિચારો આવે ત્યારે તમારું મન જ તમને કહેતું હોય છે કે ના આ બરાબર નથી, મારે આવા વિચારો ન કરવા જોઈએ. આ મને નથી શોભતું. સારા માણસને પણ ખરાબ વિચારો આવતાં જ હોય છે પણ તે ખરાબ વિચારોને પોતાના વર્તન અને પોતાની જિંદગી ઉપર હાવી થવા દેતો નથી.
તમે ખરાબ વિચારો ટાળો ત્યારે માનજો કે ખરાબ વિચારો પર તમારો વિજય થયો છે. જો તમે આવું કરી શકો તો તમે મહાન છો. ચાર મિત્રો હતા.એમાંથી ત્રણ મિત્રો તેની સાથે ભણતી એક છોકરીની દરરોજ મશ્કરી કરે. છોકરીને ચીડવે અને હેરાન કરે. એ છોકરીએ એક દિવસ પહેલા ચોથા છોકરાને પૂછયું કે તું કેમ ક્યારેય મારી મશ્કરી નથી કરતો કે મને હેરાન નથી કરતો? પેલા છોકરાએ કહ્યું કે સાચું કહું તો મને પણ ઘણી વખત મારા મિત્રની જેમ તારી મશ્કરી કરવાનું મન થાય છે પણ પછી મારું મન જ ના પાડે છે કે મારાથી આવું ન કરાય. આ મને ન શોભે. આ વાત સાંભળીને છોકરીએ કહ્યું કે ભણવાનું પૂરું થશે ત્યારે એ ત્રણેયને તો કદાચ હું ભૂલી જઈશ પણ તું યાદ રહીશ. લોકો અંતે સારી વ્યક્તિને જ યાદ કરતાં હોય છે.
છોકરીની વાત સાંભળીને પેલા છોકરાએ સવાલ કર્યો, પણ મારા મિત્રો તો મને નબળો, બાયલો, કાયર અને ડરપોક ગણે છે. એ લોકો તો એવું જ સમજે છે કે હું ડરું છું એટલે મશ્કરી નથી કરતો. છોકરીએ કહ્યું કે સારા લોકો સાથે હંમેશાં આવું જ થતું હોય છે. સાચી હિંમત સારા બની રહેવામાં છે. ખરાબ તો હંમેશાં હાવી થવાનો પ્રયાસ કરવાના જ છે પણ તું આવો જ રહેજે. મહાનતા દરેક વખતે મોટી વાતોથી જ સાબિત નથી થતી. નાની-નાની વાતોમાં પણ વ્યક્તિની મહાનતા સાબિત અને સિદ્ધ થતી હોય છે.
હમણાં લોકપાલ વિશે સારી એવી ચર્ચાઓ થઈ. એ સમયે એક માણસે સરસ વાત કરી. તેણે કહ્યું કે આપણા દેશમાં લોકપાલ કરતાં પણ જો કોઈ મહાન હોય તો એ હું છું. તેના મિત્રએ કહ્યું કે એ વળી કેવી રીતે? તેણે કહ્યું કે હું મહાન છું, કારણ કે હું ક્યારેય લાંચ લેતો નથી! દરેક માણસ ભલે ગાંધીજી ન થઈ શકે પણ જો દરેક માણસ ઇચ્છે તો તેના જીવનમાં એક નાનકડા ગાંધીને જીવતા જરૂર રાખી શકે. ભલે કદાચ આખી દુનિયા તમને ન ઓળખે પણ એક તમે તમારી જાતને પૂરેપૂરી ઓળખતા હોવ એ પૂરતું છે.
પોતાની જાત પ્રત્યે મહાન થવા માટે પણ આપણે સતત આપણા ખરાબ વિચારો સામે લડીને વિજયી બનવાનું હોય છે. જે માણસને સારા રહેવું છે એને કોઈ જ બગાડી શકતું નથી. તમે જો તમારા સારા વિચારોને સજીવન રાખી શકો તો માનજો કે તમે મહાન, સુખી, ખુશ અને સારા માણસ છો. તમે સારા હશો તો પછી કોઈને કહેવું પણ નહીં પડે કે હું સારો છું. તમારા વિચારો જ તમારો પરિચય આપી દેતા હોય છે!
No comments:
Post a Comment