આપણી કાળજી છતાં પણ કેટલાક રોગથી બચી શકાતું નથી. હેરાન કરતા રોગમાં યોગ રાહત આપી શકે છે.
હર્નિયા
હર્નિયાને બીજા શબ્દોમાં આંતરડું ઊતરી જવું પણ કહેવાય છે. આંતરડું અંડકોષોમાં અથવા તો વક્ષણ નાળમાં ઊતરી જવાથી કોઈક વાર ભયંકર દુખાવો અને બેચેની થવા માંડે છે. જ્યાં સુધી આંતરડું ઉપરના સ્થાને જતું નથી ત્યાં સુધી રોગીને અસહ્ય દુખાવો થયા કરે છે.
પ્રાકૃતિક ઉપચાર
આંતરડાંનો વક્ષણ છિદ્ર અથવા જે છિદ્રથી પોતાના સ્થાનથી નીચે ખસ્યું હોય, તે જ માર્ગથી ઉપર પહોંચાડવાનો બને તેટલો પ્રયત્ન કરો. આંતરડું ઉપર ન જાય તો રોગીને ઉપવાસ કરાવો તથા થોડો એનિમા લેવો.
આંતરડું પાછું અંદર જતું રહે તો યોગ્ય આકારની ઘનિયલ ટ્રેસ (પોટી) બાંધો તથા તેનો પ્રયોગ સતત ચાલુ રાખો.
યૌગિક ઉપાય
ગોમુખાસન, શીર્ષાસન, સર્વાંગાસન, નૌકાસન વગેરે આસન હર્નિયા આંત્ર. (આંતરડાં)ની વૃદ્ધિમાં લાભ આપે છે અને હર્નિયાને મૂળથી મટાડે છે.
અપરસનો રોગ
અપરસને અંગ્રેજીમાં પરોઈસીસ પણ કહેવાય છે. આ રોગ ઘણું કરીને કોણી, ઘૂંટણ, પીઠ, છાતી, જાંઘ વગેરે જગ્યાઓની ત્વચા પર ગુલાબી રંગના પિત્તના નાના નાના દાણારૂપે ઉત્પન્ન થાય છે. આ દાણામાં પરુ હોતું નથી. છતાં પણ આ બહુ હઠીલો રોગ છે અને વર્ષો સુધી રહે છે. ઘણી વાર તો આપમેળે જ દબાઈ જાય છે અને થોડા સમય પછી અથવા કોઈ ખાસ ઋતુમાં ફરીથી ઉપસી આવે છે.
આ રોગ ખાસ કરીને ગઠિયો આમવાત, પરુવાળા ઝાડા, ટોન્સિલ અને ગર્ભાશય ગ્રીવામાં જીવાણુઓનું સંક્રમણ થવાથી અથવા ઘી, માખણ વગેરેનું વધુપડતું સેવન કરવાથી તથા દાંતના વિકાર પાયોરિયા વગેરે થવાને કારણે અને અજીર્ણ તથા ઉપદંશ વગેરે રોગને કારણે થાય છે.
શરૂઆતમાં ત્વચા પર લાલ, ગુલાબી અથવા જાંબલી રંગના ઘણાં નાના નાના પરુ વગરના દાણા નીકળે છે જે પછીથી પરસ્પર ભેગા થઈ એક મોટું તામ્રવર્ણનું ચકામું બની જાય છે. પછીથી આ ધબ્બા આખા શરીરમાં ફેલાય છે. (જો ઉપચાર ન કરવામાં આવે તો)
પ્રાકૃતિક ઉપચાર
અમલાસાર ગંધકને બારીક વાટી ૬થી ૮ ગણા વેસેલીનમાં મેળવી લગાવવાથી રાહત થાય છે.
ઉપયોગી યોગ
આ રોગમાં યોગિક શુદ્ધિ ક્રિયાઓ જેમ કે કુંજલ, જલનેતિ તથા વસ્ત્ર દ્યૌતિનો દરરોજ અભ્યાસ કરો. શંખ પ્રક્ષાલન ક્રિયા પણ મહિનામાં એક વાર કરો. તાડાસન, ઉત્તાનપાદાસન, સુપ્ત પવનમુક્તાસન, સર્વાંગાસન, ચક્રાસન, હલાસન, ભુજંગાસન, ધનુરાસન, પશ્ચિમોત્તાનાસન ગોમુખાસન તથા અર્ધમત્સ્યેંદ્રાસનની સાથે સવારના સમયે સૂર્ય નમસ્કારનો અભ્યાસ પણ કરો. નાડીશોધન, શીતલી તથા સિત્કારી પ્રાણાયામનો અભ્યાસ કરો.
No comments:
Post a Comment