તસ્ત્રીઓ સોસાયટી, મહોલ્લા કે શેરીમાં ભેગી મળીને બેસે, એકબીજાનાં સુખ દુઃખ વહેંચે, પોતાની આવડત અને ક્ષમતા પ્રમાણે કોઈની સમસ્યા ઉકેલવી, અવનવી વાતોથી માહિતી વધારવી એ સ્ત્રી જીવનનો અગત્યનો ભાગ છે. વળી, નવરાશનો સમય પસાર કરવા તથા એકમેકનો સધિયારો અને હૂંફ મેળવવાનું એ ઉત્તમ ઓજાર છે. પણ આ પ્રવૃત્તિ જરા સરખી જો આડા પાટે ચઢી જાય તો પરિસ્થિતિ વણસી જાય છે. સ્ત્રીઓ ભેગી મળીને કોઈની કૂથલી કરે, બીજા અંગેની ખોટી વાતો ફેલાવે, કાનભંભેરણી કરે, કોઈની જિંદગીમાં અનાવશ્યક ચંચુપાત કરે તો આ કુટેવ માનસિક બીમારીનું સ્વરૂપ ધારણ કરીને હાનિકારક પણ બની રહે છે અત્ર, તત્ર, સર્વત્ર ફેલાયેલી આ સમસ્યા અંગેના થોડાં પાસાં અહીં રજૂ કરવામાં આવ્યાં છે
સ્ત્રીઓની ઓટલા પરિષદ કે કીટી પાર્ટીઓને ધ્યાનમાં રાખીને આપણા વડવાઓએ બહુ ચોટદાર કહેવત કહી છે કે ‘ચાર મળે ચોટલા ભાંગે ઘરના ઓટલા’. આ ચોટલાવાળી કહેવત સો ટકા સ્ત્રીઓની ગોસિપ કહો કે પંચાત અથવા તો કૂથલી કરવાની આદતને લીધે પડી હશે. આજના સંદર્ભમાં ચોટલા તો મોટા ભાગે આઉટડેટેડ થઈને પોની ટેલ કે હાફ પોની થઈ ગયા છે, પરંતુ સ્ત્રીની પ્રકૃતિ બદલાવવી જોઇએ એટલી નથી બદલાઇ.
બાબતે ચટપટી માહિતી આપતી અને તેમાં રસ લેતી સ્ત્રીઓ તમને ઘર, ઓફિસ, સોસાયટી, ફ્લેટ કે શેરીમાં અચૂક મળી આવશે એની સો ટકા ગેરેંટી!! દુઃખની વાત એ છે કે આવી કેટલીક સ્ત્રીઓને કારણે સમગ્ર સ્ત્રીજાતિની છબી ખરડાતી હોય છે.
સ્ત્રીઓની પંચાતવૃત્તિ કેવી હોય છે એ વિશે પોતાનો અનુભવ હળવાશથી જણાવતાં અમદાવાદનાં ગૃહિણી દિવ્યાબહેન કહે છે કે “દરેક જગ્યાએ ચોવટિયા સ્ત્રીઓનું ગ્રુપ હોય તેમાં કંઇ નવાઈ નથી.અત્યારે જ્યાં રહું છું ત્યાં બે વર્ષ પહેલાં નવી રહેવા આવી હતી, ત્યારે મને આ બાબત સારી રીતે ખબર પડી ગઈ. મારા પતિ અને બાળકો કામ પર જતાં રહે એટલે ઘરમાં હું એકલી જ હોઉં. પરવારું એટલે નિરાંતે પુસ્તકો વાંચતી હોઉં અથવા તો મારું વધારાનું કંઇ કામ હોય તે પતાવું. મને ખબર હતી કે મારા ઘરની આસપાસની પાંચેક સ્ત્રીઓ રોજ ભેગી મળીને લોકોની પંચાતો કર્યા કરતી.
થોડા દિવસ બાદ એ જ ગ્રુપમાંથી એક બહેન મારી ઘરે આવ્યાં ને “તમે તો દેખાતા જ નથી” કહીને વાત શરૂ કરી. મને એમ કે અમે નવા આવ્યા છીએ એટલે મારો સંકોચ દૂર કરવા એ મને બોલાવી રહ્યાં છે મેં પણ તેમને બોલાવ્યાં તો થોડી વારમાં જ આખું ધાડું મારા ઘરમાં આવીને બેસી ગયું અને બધી જ પૂછપરછ કરવા લાગ્યું. મને આ બાબત બિલકુલ ન ગમી. કામ હોય તો અડધી રાત્રે પણ મદદમાં પહોંચી જઈએ, પરંતુ કામ વિના શું આડાઅવળા ગપાટા મારવાના? પછી તો એ લોકો રોજ આવવા લાગ્યા આમ ચારેક દિવસ ચાલ્યું એટલે મેં આ હોંશીલા ગોસિપ ગ્રુપને સ્પષ્ટ કહી દીધું કે મને આવી બધી પંચાતોમાં રસ નથી,
કંઇક સારી પ્રવૃત્તિ કરવા માગતા હો તો ચોક્કસ મારો સહકાર હશે. દિવ્યાબહેન હસતાં હસતાં આગળ જણાવે છે કે,પછી એ આવતા જ બંધ થઈ ગયા પણ તેઓ હવે ભેગા મળીને મારા વર્તન વિશે ગોસિપ ફેલાવતા હોય છે.
સમય પસાર કરવા માટે હળવું મળવું ખરાબ નથી, પરંતુ જ્યારે તેમાં અતિશયોક્તિ થવા લાગે ત્યારે સ્ત્રીઓએ ચેતી જવું જોઈએ કે, તેમનો સમય પસાર કરવાનો શોખ કોઈને ઘર, બહાર કે ઓફિસમાં અથવા તો સગાંવહાલાંમાં કોઈને નુકસાનકર્તા તો નથી? અથવા તો અન્ય કોઈની જિંદગીમાં ગોસિપને કારણે ભંગાણ તો નથી પડી રહ્યું ને? એક પ્રશ્ન એવો પણ જરૂર થાય કે પંચાત સાથે સ્ત્રીઓનું જ નામ શા માટે સંકળાઈ ગયું છે. વળી, વારંવાર સ્ત્રીઓ પર થતા વિવિધ સર્વે પણ એવું જ તારણ ટાંકતા હોય છે કે સ્ત્રીઓ પોતાની જિંદગીનો અડધોઅડધ ભાગ ગોસિપમાં વેડફી દે છે. આ સર્વેનાં તારણો જોઈને ક્યારેક તો અતિશયોક્તિ લાગતી હોય છે કે શું દુનિયાની સ્ત્રીઓને અન્યની પંચાત કર્યા સિવાય કોઈ કામ જ નહી હોય તે લોકોની વાતો કરવા નવરી પડી જતી હશે? પુરુષો ક્યારેય ગોસિપ કરતા જ નહી હોય? પુરુષો ગોસિપ કરે જ છે પણ સ્ત્રી અને પુરુષની ગોસિપ વચ્ચેનો પાયાનો તફાવત એ છે કે સ્ત્રીઓ ગોસિપ સાંભળ્યા બાદ અન્યને કહેવા માટે ઉતાવળી થઈ જતી હોય છે. પુરુષો વાત સાંભળીને બીજાને કહેવાનું વલણ ઓછું રાખે છે અને પુરુષો સાંભળવા મળે તો જ રસથી વાત સાંભળે છે જ્યારે સ્ત્રીઓની વાસ્તવિકતા એ છે કે એકબીજાની પંચાત કરવા માટે આવી વાતરસિકાઓ સ્પેશિયલ સમય કાઢી જ લેતી હોય છે.
સ્ત્રીઓની દિનચર્યા એવી હોય છે કે તેમને ગોસિપ કરવાથી થોડી રાહત મળે છે, એકધારા કામની ઘટમાળનો કંટાળો પણ વાતચીતથી દૂર થાય છે પોતાની તકલીફ વિશે અન્ય સાથે વાત કરીને સ્ત્રીઓ સહાનુભૂતિ મેળવી શકે છે જોકે ગોસિપિંગ માપમાં હોય ત્યાં સુધી ઠીક છે બાકી ગોસિપ હદ સે ગુઝર જાયે તો પછી માનસિક બીમારીનું રૂપ ધારણ કરી શકે છે એ પંચાતની વ્યસની બની ગયેલી સ્ત્રીઓએ ભૂલવું ન જોઈએ.
બોક્સ બનાવવું
પંચાતઃ હદ બહાર જાય ત્યારે માનસિક રોગ
માનસશાસ્ત્રમાં સ્ત્રીઓની પંચાત કરવાની કુટેવની ખૂબ વિશદ છણાવટ કરવામાં આવી છે. માનસશાસ્ત્રીઓનો મત એવો છે કે જેમ પુરુષોને ગુટખા, તમાકુ, દારૂનું વ્યસન હોય છે તેવી રીતે કેટલીક સ્ત્રીઓને પંચાત કરવાનું વ્યસન હોય છે. જ્યાં સુધી તે લોકો સાથે વાત ન કરે ત્યાં સુધી તેને ચેન પડતું નથી.
વાતો કરે તો જ તે સ્ત્રી સ્વસ્થ રહે નહીં તો ફ્રસ્ટેશન થવા લાગે છે. ગભરામણ થાય અને કંઈ ગમે નહીં.
એકલી રહેતી મહિલાઓ એકલતામાંથી બહાર આવવા ઘણી વાર પંચાત તરફ વળી જતી હોય છે.
પંચાત કરતી સ્ત્રીઓમાં પરપીડનની વૃત્તિ જોવા મળે છે જેમાં સ્ત્રી પોતાને નહીં ગમતી વ્યક્તિઓને ટાર્ગેટ બનાવીને તેના વિશે નેગેટિવ વાતો કર્યા જ કરે છે. કૂથલી કરનારી સ્ત્રીઓ આ પ્રવૃત્તિમાં એવી મગ્ન રહેતી હોય છે કે તેમને અંદાજ પણ નથી હોતો કે તેઓ જેમના વિશે ખરાબ વાતો કરી રહ્યા છે તે વ્યક્તિ અતિસંવેદનશીલ હોય તો આત્મહત્યા પણ કરી શકે છે.
બીજી એક બાબત છે પ્રક્ષેપણની - પંચાત કરનારી સ્ત્રી જાણતી જ હોય છે કે પોતાનામાં શું ખરાબી છે? એટલે પોતાનામાં રહેલી ખરાબીને તે જેની ઇર્ષા કરતી હોય તે વ્યક્તિમાં આરોપણ કરીને ખરાબ ચીતરે છે. જેને મનોવિજ્ઞાનમાં મીઠા લીંબુની પરિસ્થિતિ કહે છે, કારણ કે લીંબુ ક્યારેય મીઠાં નથી હોતાં.
જે સ્ત્રીઓને પંચાત કે કૂથલી કરવાનું વ્યસન થઈ ગયું હોય તે પર્સનાલિટી ડિસઓર્ડરના રોગનો ભોગ પણ બની શકે છે.
તેમને કોગ્નેટિવ બિહેવિયર થેરપી દ્વારા લાંબા ગાળે સ્વસ્થ કરી શકાય છે.
ગોસિપનું વિષયવૈવિધ્ય
સ્ત્રીઓને પંચાત કરવા માટે અઢળક વિષયો મળી આવતા હોય છે તેમાંના કેટલાક રસપ્રદ વિષયો આ રહ્યા.
-નવી નવી ખરીદી વિશે
-ઘરને લગતી બાબતો
સાસુ-સસરા કે પરિવાર સાથેના ઝઘડા
સોસાયટી કે સગાંવહાલાંમાં કોનાં સંતાનોનું ચક્કર ક્યાં ચાલે છે? કોના એન્ગેજમેન્ટ થયા, કોણ ભાગી ગયું?
કોના હસબન્ડ ઘરમાં વધુ કામ કરે છે?
સંતાનોનું ભણતર તથા કાર્રિકર્દી
કોની સાસુ સારી છે કોની વધારે જબરી છે?
ઓફિસમાં બોસ કોના તરફ પક્ષપાત રાખે છે?
ઓફિસથી વહેલા કોણ જતું રહે છે?
નેલપોલિશ ને લિપસ્ટિકનો કેવો શેડ ખરીદવો?
કપડાં કોણ સારાં સૂકવે છે?
રેસિપીની આપ -લે
નવરાશનો કરો સદુપયોગ
લિસ્ટ તૈયાર કરો કે કયાં કામ કરવાનાં બાકી છે પહેલાં તે પતાવો.
વાંચનનો રસ કેળવો.
નવી પ્રવૃત્તિમાં સામેલ થાવ.
સ્લમ એરિયાનાં બાળકોને ભણાવો.
મોબાઇલ અને કમ્પ્યુટરનો વપરાશ કરતા શીખો.
No comments:
Post a Comment