બિડ્સમાંથી બનાવેલા નેકલેસ પણ પ્રસંગોપાત ખૂબ સારો લૂક આપે છે. બિડ્સના નેકલેસમાં તમને ઢગલાબંધ વિકલ્પ મળી રહે છે જે તમને એથનિક, વેસ્ટર્ન કે ઇન્ડિયન લૂક આપવામાં મદદરૂપ બની રહેશે
સ્ટાઇલ અને કમ્ફર્ટનું બીજું નામ એટલે બિડ્સ જ્વેલરી એવું ચોક્કસપણે કહી શકાય, વળી તેનું સૌથી આકર્ષક પાસું છે તેની વાજબી કિંમત. હવે આટલાં વખાણ સાંભળશો એટલે સ્વાભાવિકપણે યુવતીઓ બિડ્સની જ્વેલરી લેવા તલપાપડ થઈ જવાની.
આ સિઝનમાં બિડ્સ જ્વેલરી પસંદ કરવાનો બીજો એક ફાયદો એ પણ છે વરસાદમાં તે પલળીને ખરાબ નથી થતી ને સાડીથી માંડીને ડેનિમ,કેપ્રી, ટયુનિક્સ કે પાર્ટીફ્રોક સાથે તમે તેને સરળતાથી પહેરી શકો છો.
બિડસ જ્વેલરી માર્કેટમાં મોટા ભાગના રંગો ઉપલબ્ધ હોવાથી તમે તેને મોટા ભાગના ડ્રેસ સાથે મેચ કરી શકો છો.
બિડ્સ એ પ્લાસ્ટિકની તથા ક્રિસ્ટલ એટલે કે કાચની પણ હોય છે. તેની બનાવટ ખૂબ વિશિષ્ટ રીતે થતી હોવાથી ક્રિસ્ટલ બિડ્સ પહેર્યા બાદ ખૂબ જ સુંદર લાગતા હોય છે. ક્રિસ્ટલ જ્વેલરી કાચને ઓગાળીને બનાવવામાં આવે છે. ખાસ તો કાચના સળિયાને ઓગાળીને તેમાંથી કાચનાં વિવિધ આકારનાં મોતી બનાવવામાં આવે છે. આ જુદા જુદા આકારનાં મોતી અવનવા રંગોમાં હોવાથી તેના એરિગ્સ, નેકલેસ,હાથના બ્રેસલેટ ખૂબ જ સુંદર લાગે છે.
કોલેજ જતી યુવતીઓને એરિગ્સ તથા હાથના બ્રેસલેટ વધારે આકર્ષતા હોય છે. ડ્રેસ સાથે મેચિંગ બિડ્સ અથવા તો ડ્રેસ સાથે શોભી ઊઠે તેવા કોન્ટ્રાસ્ટ કલરના બિડ્સના એરિગ્સ ખૂબ સરસ લાગે છે. તમે તમારા ચહેરાના આકાર પ્રમાણે તેમાં લાંબા,ટૂંકાં લટકણ અથવા તો ટોપ્સની પસંદગી કરી શકો છો.
આ ઉપરાંત રોજબરોજ હાથમાં પહેરવા માટે બિડ્સ કે ક્રિસ્ટલનાં બ્રેસલેટ પણ ખૂબ સારો વિકલ્પ છે. નાના મોટા પ્લાસ્ટિકના બિડ્સની સાથે સાથે કાચના બિડ્સને કલર પ્રમાણે સરસ રીતે મિક્સ કરીને તમે જાતે બ્રેસલેટ બનાવી શકો.
તમારે જો થોડો ફન્કી લૂક જોઈતો હોય તો તમે બ્રેસલેટમાં બિડ્સની સાથે સાથે શંખલા, છીપલાં કે કોડી અથવા તો માછલી વગેરે લગાવીને એકદમ મોન્સૂન ગર્લનો લૂક મેળવી શકો છો. જે તમને અન્ય કરતાં એકદમ અલગ પાડશે આ જ રીતે તમે કેપ્રી કે શોર્ટ્સની સાથે પગમાં ઝીણાં ઝીણાં બિડ્સના એન્કલેટ પણ પહેરી શકો.
બિડ્સમાંથી બનાવેલા નેકલેસ પણ પ્રસંગોપાત ખૂબ સારો લૂક આપે છે. બિડ્સના નેકલેસમાં તમને ઢગલાબંધ વિકલ્પ મળી રહે છે જે તમને એથનિક, વેસ્ટર્ન કે ઇન્ડિયન લૂક આપવામાં મદદરૂપ બની રહેશે. બિડ્સની સાથે સાથે ઓક્સોડાઇઝનાં મોટાં પેન્ડન્ટ તથા સિલ્વરના પેન્ડન્ટનો નેકલેસ એકદમ એથનિક અને હટકે લૂક આપે છે જ્યારે સ્કર્ટ, ટોપ કે જિન્સ અને ટી શર્ટ તથા સલવાર-કમીઝ સાથે બિડસનો લાંબો અથવા તો નાના મોટા મણકાનો નેકલેસ એકદમ સરસ લાગે છે. તમારે હેવી લૂક ન જોઈતો હોય તો તમે ફક્ત એક ક્રિસ્ટલનું પેન્ડન્ટ કે પાંચ છ બિડ્સ પ્લાસ્ટિકના દોરામાં પરોવીને ગળામાં પહેરી શકો છો આ અત્યારની એકદમ ફન્કી સ્ટાઇલ છે.
બિડ્સ જ્વેલરીમાં દેખાશો ખાસ
* બિડ્સ સોના-ચાંદીની જ્વેલરી કરતાં ખૂબ સસ્તા પડે છે અને તેના ઘરેણાંથી એકદમ અલગ લૂક મળે છે.
* વળી જો તેની યોગ્ય રીતે પસંદગી કરવામાં આવે તો વેસ્ટર્ન ડ્રેસીસની સાથે સાથે પરંપરાગત કપડાં એટલે કે સલવાર-કમીઝ ને સાડી પર પણ બિડ્સ જ્વેલરી એટલી જ શોભે છે
* જ્યારે તમારે ભારતીય પોશાક પર પહેરવા માટે બિડ્સની જ્વેલરી પસંદ કરવાની હોય તો એકદમ ચમકતા તથા ઘાટા રંગોની બિડ્સની જ્વેલરી પસંદ કરવી.
* વેસ્ટર્ન વેરની બિડ્સ જ્વેલરી બ્લેક અને વ્હાઇટ રંગની તથા પેસ્ટલ કલરની હશે તો ખૂબ ઓપશે.
* બિડ્સની જ્વેલરી ૨૫થી ૩૦ રૂપિયાથી માંડીને ૨૫૦૦ રૂપિયા સુધીના બજેટમાં ઉપલબ્ધ હોવાથી દરેક યુવતી તે સરળતાથી ખરીદી શકે છે.
No comments:
Post a Comment