Sunday, 11 September 2011

શીળસનો સરળ ઉપચાર

આપે શીળસનામ તો સાંભળ્યું હશે. અમે વૈદ્યો એને શીતપિત્તકહીએ છીએ.  ત્વચા પર કીડીઓ કરડવાથી લાલ ચકામાં ઊપડે છે. એવાં જ ચકામાં શીતપિત્તના ઉપદ્રવમાં ઊપડે છે. આ ચકામાં ઊપડે ત્યારે સોજો, ખંજવાળ, સોય ભોંકાવા જેવી પીડા, દાહ-બળતરા અને કોઈ કોઈ વખત ઊલટી અને જ્વર પણ ઉત્પન્ન થાય છે. આ શીતપિત્તને કેટલાક વિદ્વાનો ઉદર્દપણ કહે છે. આયુર્વેદીય મતે શીતપિત્તમાં કફ અને પિત્ત સાથે થોડું વાયુદોષનું પ્રમાણ હોય છે. જ્યારે ઉદર્દમાં કફાધિક્યનું પ્રમાણ વધારે હોય છે.
આને મળતો આવતો એક કોઠ નામનો પણ રોગ છે. જે કારણ અને લક્ષણની દૃષ્ટિએ શીત-પિત્ત અને ઉદર્દથી થોડો ભિન્ન સ્વરૂપનો હોય છે. ઊલટીનો હીનયોગ અથવા મિથ્યાયોગ અથવા અતિયોગથી નીકળતા કફ અને અન્નના વેગને ધારણ કરવાથી કે અટકાવવાથી તેની ઉત્પત્તિ થાય છે. આમાં લાલ રંગનાં નાનાં મોટાં અનેક ચકામાં શરીર પર નીકળે છે. આ ચકામાં થોડો વખત રહે છે. આ વિકૃતિમાં  પુનઃ ઉદ્ભવની પ્રવૃત્તિ હોતી નથી, જ્યારે શીતપિત્ત અને ઉદર્દમાં પુનઃઉદ્ભવની પ્રવૃત્તિ રહે છે.
શીતપિત્ત અને ઉદર્દને આધુનિકો અર્ટીકેરીઆ અને કોઠને એ ગીન્યુરોટિક નામથી ઓળખાવે છે. આયુર્વેદીય મતે એ બધા ત્રિદોષજન્ય  રોગ છે. પરંતુ શીતપિત્તએ નામથી જ સ્પષ્ટ છે કે શીતઅને પિત્તએ બંનેનો પ્રભાવ એમાં રહેલો છે. એટલે કે શીત કહેતા શ્લેષ્મ (કફ) અને પિત્તદોષની પ્રધાનતા એમાં રહેલી છે. લક્ષણની દૃષ્ટિએ પણ શીતપિત્તમાં ઉત્પન્ન થનાર ખંજવાળ કફાધિક્ય અને દાહ-બળતરા  એ પિત્તાધિક્ય સૂચવે છે. આધુનિકો તેની ઉત્પત્તિમાં એક પ્રકારની અનુર્જતા કે એલર્જીને કારણે માને છે. જેમાં શરીર કોઈ અસાત્મ્ય દ્રવ્યના સંપર્કમાં આવવાથી અથવા આવાં અસાત્મ્ય આહારદ્રવ્યોના સેવનથી ઉત્પન્ન થાય છે. એમાં અનેક પ્રકારનાં દ્રવ્યો, ઔષધો, પ્રોટીન, આહાર, દ્રવ્યો, તૃણો, રજકણો, પરાગકણો, સુગંધોનો સમાવેશ થાય છે.
ઉપચાર
* શીતપિત્તાધિક્ય રોગમાં કડવા તેલનું માલીશ, ઉષ્ણ જળથી સ્નાન, વમન તથા વિરેચન કર્મ વગેરે પ્રશસ્ત છે. વમન કર્મ માટે પટોળ, નિમ્બપત્ર અને મદનફળનો ઉપયોગ તથા વિરેચન કર્મ માટે ત્રિફલા ચૂર્ણનો મધ સાથે ઉપયોગ હિતાવહ છે.
* આમળાનું ચૂર્ણ એક ચમચી+ગોળ બે ચમચી મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે લેવું.
* અથવા અજમો પા ચમચી +ગોળ એક ચમચી મિશ્ર કરી દિવસમાં ત્રણ વખત લેવું.
* ગળોનો ઉકાળો ચાર ચમચી+ બે ચમચી મધ મેળવીને દિવસમાં ત્રણ વખત લેવો.
* અરણીમૂળ ચૂર્ણ એકથી બે ગ્રામ જેટલું, એક ચમચી મધમાં મિશ્ર કરી સવારે અને રાત્રે લેવું.
ઘરગથ્થુ ઉપચાર
ગળો લીમડાની છાલનું સમભાગે બનાવેલું ચૂર્ણ, અડધી ચમચીની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લેવાથી ત્રણ-ચાર દિવસમાં મેલેરિયા શાંત થાય છે. જેમને વારંવાર મેલેરિયા ઊથલો મારતો હોય, તેમણે ત્રણથી ચાર મહિના નરણા કોઠે સવારે એક જ વખત આ ચૂર્ણ, મહાસુદર્શન ચૂર્ણ સાથે લેવાથી મેલેરિયા મટે છે. જેમને આ ક્વીનાઈન વગેરેનું રિએક્શન આવતું હોય તેમને માટે પણ આ ચૂર્ણ ઉત્તમ સાબિત થાય છે.

No comments:

Post a Comment