Sunday, 11 September 2011

બાળકને બાળક જ બની રહેવા દો




આજની માતાઓ પહેલાંના જમાનાની માતાઓ કરતાં બાળઉછેર પ્રત્યે થોડી વધુ સજાગ બની છે. જેથી આગ્રહી અને પઝેસિવ પણ બની ગઈ છે. જેના પરિણામ સ્વરૂપ બાળકોનું બાળપણ મેનર્સના નામે ડામી દેવામાં તે સફળ પણ થઈ છે
યુગોથી માશબ્દનો કોઈ પર્યાય મળ્યો નથી અને મળશે પણ નહીં. કહેવાયું છે કે, મા તે ઈશ્વરનું પ્રતિબિંબ છે. એથી જ તો આપણી કવિતાઓમાં માતા હંમેશાંથી ઈશ્વર સ્વરૂપે જ વણાયેલી જોવા મળી છે. બાળકના ઉજ્જવળ ભાવિની ધરોહર માના હેતાળ હૈયાનાં સ્પંદનોથી કંડારાય છે. બાળકમાં સંસ્કારોનું સિંચન કરી તેને ભાવિ સમાજનો સુદૃઢ નાગરિક બનાવવા તે હંમેશાં તત્પર જ હોય છે. તેનામાં સંસ્કાર ઉપરાંત શિસ્ત, સભ્યતા, વિનય-વિવેક, સાહસ-શૌર્ય અને બુદ્ધિ કૌશલ્ય સહિતના અનેક ગુણોનું સિંચન કરી તે બાળકના જીવનનું ઘડતર કરે છે.
પણ અફસોસ કે બદલાતા જતાં જમાનાની સાથે ગઈકાલની સાડલાના છેડાથી પોતાના બાળકનું મોં લૂછતી મા આજે મોંઘાદાટ પટોળાની ભાતમાં ક્યાંક સંતાઈ ગઈ છે. મેગા મોલ્સ, મલ્ટિપ્લેક્સ, ટી.વી.-કમ્પ્યૂટર વગેરેના આક્રમણ વચ્ચે માતાઓ પોતાની પરંપરાને ભૂલી બેઠી છે. મમતા પર સવાલ ઉઠાવી દે એવા બનાવો અવારનવાર આ આધુનિક માતાઓના હાથે સર્જાવા માંડયા છે. વિભક્ત કુટુંબ અને ભૌતિક સમૃદ્ધિની ઘેલછા વચ્ચે મર્યાદાભંગનું વાતાવરણ સર્જાયું હોય ત્યારે આપણી વાણી-વર્તન પર સંયમ રાખવો ખૂબ આવશ્યક છે. આજની મોર્ડન અને હાઇપર માતાઓ મેનર્સના નામે પોતાના બાળક પર બચપણથી જ અસાધારણ બોજો નાખી દેતી જોવા મળે છે. ખરેખર,  આ જોતાં એવું લાગી આવે છે કે, બાળકનું બાળપણ છીનવાઈ રહ્યું છે. એની દયનીય દશા આપણને વિચારતા કરી મૂકે છે. આવા બાળકો જીવનનો મહત્ત્વનો આનંદ તેની બાળપણની મસ્તીની મજા ગુમાવી રહ્યા હોવાનો ભાસ થઈ આવે છે. આજની વધુ પડતી ચોખલી માતાઓ શેરી રમતને સ્થાને વીડિયો ગેઈમ કે કમ્પ્યૂટરને વધારે મહત્ત્વ આપે છે.
અડે રજ ને વધે ગજેવર્ષોથી ચાલી આવતી આ પ્રચલિત કહેવત પર આજની માતાઓએ ધૂળ ચડાવી દીધી છે. ધૂળ-કચરો અને ઇન્ફેક્શનના નામે તેઓ પોતાના બાળકને શેરીમાં રમવા જવા જ નથી દેતી. બીમારીની બીકે તે બાળકને ઘરઘૂસલું બનાવી મૂકે છે. નીતિ-નિયમો, શિસ્ત-અનુશાસનના પાઠ ભણાવી કાયદેસર તેના બાળપણને રુંધી દેવામાં આવે છે. આજની માતાઓ પહેલાંના જમાનાની માતાઓ કરતાં બાળઉછેર પ્રત્યે થોડી વધુ સજાગ બની છે. જેથી આગ્રહી અને પઝેસિવ પણ બની ગઈ છે. જેના પરિણામ સ્વરૂપ બાળકોનું બાળપણ મેનર્સના નામે ડામી દેવામાં તે સફળ પણ થઈ છે. શેરી રમત તો ઠીક, પણ બાળવાર્તાઓ, બાળગીતો, દોડવું, ભાગવું, રાડારાડ કરવી, નાચવું, ગાવું, કૂદવું, ગમે ત્યાં ચઢવું, લટકવું, હિંચકવું... એ બધી બાબતો આજના બાળકોના સ્વપ્નોમાં સીમિત થઈને રહી ગઈ છે. વળી ઓછામાં પૂરું નિષ્ફળતાનો ડર બતાવી ખુદ માતા જ પોતાના બાળકને નાસીપાસ કરી દેતી જોવા મળે છે.
જો કે, આજે ભણતર પણ વધ્યું છે.  આજના સ્પર્ધાત્મક યુગમાં પરીક્ષા વખતે બાળકોની જ નહીં, તેની માતાઓની પણ નીંદર હરામ થઈ જાય છે ! પરીક્ષા વખતે બાળક કરતાં તેની માતા જ્યારે તાણ અનુભવતા હોય છે. ખુદ ચિંતિત અને ભયભીત બની બાળકને ટેન્શન આપવા કરતાં તેનું ટેન્શન કઈ રીતે દૂર થઈ શકે.  તે કઈ રીતે એકાગ્ર ચિતે અભ્યાસમાં મન પરોવી શકે એ તરફ ધ્યાન આપવું એ વધારે અગત્યનું છે. દિવસ-રાત ભણ-ભણકરવાનું કહેવા કરતાં તેને થોડી હસી-મજાક કે થોડી વાર રમત-ગમતની  પણ છૂટ આપવી જોઈએ. તેનો વિશ્વાસ લેશમાત્ર પણ ડગે નહીં તેની સતત કાળજી રાખવી જોઈએ. બાળકને તમામ સ્પર્ધાઓ કે પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું, તેનું યોગ્ય ઘડતર કરવાનું આ ઉત્તમ કાર્ય માતા જ કરી શકે. ફક્ત શિક્ષણ જ નહીં, જિંદગીની હર કસોટી, હર લડાઈ, હર હરીફાઈમાં એનું પીઠબળ બનીને અડીખમ ઊભા રહો, પછી જોજો જીજાબાઈનો શિવાજી, જશોદાનો કાનુડો, પૂતળીબાઈનો મોહનદાસ કે કૌશલ્યાનો રામ આજે પણ ઊભો થઈ જશે જ.
જાણ્યે-અજાણ્યે એની સમક્ષ નકારત્મક ભાવનાનું નિરુપણ ન થવા દેવું, જો તેનું નાજુક બાળમાનસ આવા નકારાત્મક ભાવોને ઝીલી લેશે તો મોટાં થતાં સુધીમાં તે સંપૂર્ણપણે નકારાત્મક અભિગમ ધરાવતું થઈ જશે. બાળકની દરેક ગતિ ધ્યાન દઈ  સાંભળીને તેનો હકારાતમક  પ્રત્યુત્તર આપી તેના જીવનને, તેના બાળમાનસને હકારાત્મક અભિગમ તરફ વાળવાનો પ્રયત્ન કરવો. બાળકમાં સહજભાવે ઉદ્ભવતા સવાલોનો જવાબ આપવાનો આપણી પાસે સમય જ હોતો નથી. જેથી તેનું કુતૂહલ સંતોષાતું નથી. બાળકનું પોતાનું પણ એક અસ્તિત્વ છે. તેના પોતાના નિજાનંદ-મસ્તી છે.
 આપણે તેના પર જોહુકમી ચલાવીને તેને સંપૂર્ણપણે કહ્યાગરું બનાવી દઈશું તો તે બાળક પછી બાળક મટીને રોબોટ બનીને રહી જશે, તેની નિર્દોષતા ખતમ થઈ જશે. દરેક માતાએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે, એમની કોઈ રોકટોકથી કે એમના કોઈ એટીટયૂડથી તેના બાળકનું બાળપણ છીનવાઈ ન જાય. બીજા બાળક સાથે કદી આપણા બાળકની સરખામણી ન કરવી જોઈએ, બીજા બાળકનાં વખાણ કરી આપણે આપણા બાળકને લઘુતાગ્રંથિથી પીડાવા મજબૂર કરી નાખીએ છીએ. તેને પક્ષપાતથી પણ સદા દૂર રાખવું. આપણા નીતિ-નિયમો તેના પર લાદવા કરતાં તેની સાથે સમજાવટપૂર્વકનું વર્તન કરવું જોઈએ. અન્ય સાથે સરખામણી કરી અન્યને એનાથી ચડિયાતાં સાબિત કરવા કરતાં એનામાં પહેલાં ગુણોને પારખી લઈ એને અન્યથી ચડિયાતું બનાવવાની કોશિશ કરવી જોઈએ. એનામાં લઘુતાગ્રંથિને દાખલ થતી અટકાવી જોઈએ.  આપણા બાળકને આ પાંચ લાઈન રોજ સવારે અચૂક જણાવો.
(1) You are the best
(2) You can do it
(3) God is always with you
(4) You are a winner
(5) Today is your day.
યાદ રાખવું ઘટે કે, જ્યારે માતા-પિતા બાળપણ, બાળકની મસ્તી છીનવી લે છે ત્યારે તેના માનસમાં આ વાત દૃઢતાથી અંકિત થઈ જાય છે. જે મોટા થતાં પોતાનાં માતા-પિતાને આ અંગે અચૂક દોષી ઠરાવે છે. બલકે પોતાના ઘડપણમાં પણ પોતાના છીનવાયેલા બાળપણની વાત એ ભૂલી શકતાં નથી. બાળપણ એ જિંદગીની મહામૂલી અવસ્થા છે તેને દરેક બાળકને મન ભરીને માણવા દો. બાળકને બાળક જ બની રહેવા દો.

No comments:

Post a Comment