માથા પર સંખ્યાબંધ કામોનો બોજ અને રોજ-બરોજના જીવન વચ્ચે સમતુલા જાળવવાનો જે સંઘર્ષ છે તેમાં સૌથી પહેલો ઊંઘનો ભોગ લેવાય છે. સંપૂર્ણપણે ભૌતિકવાદી અને કેવળ કારકિર્દીલક્ષી આજના યુગમાં, અપૂરતી અને અનિયમિત ઊંઘનો ટ્રેન્ડ વધવાથી યુવાન વયમાં જ હાઈ બીપી અને હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે.
અપૂરતી ઊંઘને કારણે ખાસ તો માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. મૂડ ખરાબ થાય છે, જેનું સીધું પરિણામ એ આવે છે કે ઓફિસમાં સહકર્મચારીઓ સાથે અને ઘરમાં પરિવારજનો સાથે નાની ને નજીવી વાતે ઊંચા અવાજે તોછડાઈથી બોલાઈ જાય છે, આથી સુમેળભર્યા સંબંધો સાચવવામાં વિક્ષેપ પડે છે.
તેજ ગતિએ કારકિર્દીનાં પગથિયાં ચઢીને ટોચ પર પહોંચવાની અદમ્ય મહત્ત્વાકાંક્ષા પરિપૂર્ણ કરવાની તાલાવેલીમાં યુવાનો મોડી રાત સુધી નેટ ખોલીને બેસે છે. ઈ-મેલ, ફેસબુક અને ટ્વિટર પણ રાતની આરામદાયક ઊંઘના ઘણા કલાકોનો ભોગ લઈ લે છે.
સ્ટેનફર્ડ યુનિર્વિસટીના ઈમેન્યુઅલ મીંગનોટે ‘સ્લીપ’ નામની જર્નલના અંકમાં લખ્યું હતું કે હવે લોકો સમજતા થયા છે કે ઓછી ઊંઘને કારણે આરોગ્યની ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. ઓછી ઊંઘને કારણે લોહીમાં સુગરનું પ્રમાણ જાળવી રાખતી સિસ્ટમ ખોરવાઈ જાય છે. અપૂરતી ઊંઘ ડાયાબિટીસનું જોખમ પણ ઊભું કરે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ટુ-ડુ લિસ્ટ (કામની યાદી) માં લખેલાં સંખ્યાબંધ કામો પૈકીનાં વધુ ને વધુ કામો પૂરાં કરવાની લાયમાં રોજ મોડી રાત સુધી કામ કરતા રહેવાની ટેવ તમને કદાચ બીજા કરતાં વહેલા કારકિર્દીની ઉપલી હરોળમાં લઈ જવામાં કામિયાબી અપાવશે પણ રાત્રે પૂરતી ઊંઘ નહીં લેવાની તમારી આ કુટેવ, તમારી સામે હાર્ટ એટેકનું જોખમ ખડું કરી દે એવી ખતરનાક છે. આ વાત તમે જેટલા વહેલા સમજશો, એટલું તમારા માટે ફાયદારૂપ છે.
યુનિર્વિસટી ઓફ વોરવિક મેડિકલ સ્કૂલના પ્રોફેસર ફ્રાન્સરકો કેપ્યુસીઓ કહે છે “જો તમે રોજ છ કલાક કરતાં ઓછું ઊંઘતા હોય અને રાતના તમારી સ્લીપ ‘ડિસ્ટર્બ’ થતી રહેતી હોય તો હૃદયરોગ થવાનું કે હાર્ટ એટેકથી મૃત્યુ થવાનું જોખમ ૪૮ ટકા જેટલું વધી જાય છે.
યુરેનિયન હાર્ટ જર્નલમાં વિજ્ઞાનીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે આપણો ‘વર્ક હાર્ડ, પ્લે હાર્ડ’ વાળો સમાજ વ્યક્તિના આરોગ્યને ગંભીર જોખમમાં મૂકે છે.
પ્રો. કેપ્યુસીઓ કહે છે કે મોડી રાત સુધી જાગીને કામો પૂરાં કરવાં અને પછી વહેલી સવારે ઊઠીને કામ પર જવાનો વધતો ટ્રેન્ડ વાસ્તવમાં આપણા આરોગ્ય સામે ટીક ટીક થતો ટાઈમ બોમ્બ છે. આ પ્રકારની લાઇફસ્ટાઇલમાં સત્વરે ફેરફાર કરવાની જરૂર છે.
પ્રો. કેપ્યુસીઓ સાથે સ્લીપ અંગે સંશોધન કરતા ડો. નીસેલ પીલર કહે છે કે દિવસો સુધી અપૂરતી ઊંઘને કારણે શરીરમાં જે હોર્મોન્સ અને જૈવિક રસાયણો પેદા થાય છે તેનાથી હાઈ બીપીનું જોખમ વધવા સાથે ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ પણ વધી જાય છે.
મોટા ભાગના લોકો ઊંઘને રોજની એક સામાન્ય ક્રિયા તરીકે ગણે છે, પરંતુ વર્ર્ષોના સંશોધન પરથી ઊંઘની અગત્યતાનો ખ્યાલ આવ્યો છે. વ્યક્તિની ઊંઘની જરૂરિયાત, તેની ઉંમર ઉપરાંત અન્ય ઘણાં પરિબળો પર આધાર રાખે છે. નાનાં બાળકોને રોજના લગભગ ૧૪થી ૧૬ કલાકની ઊંઘ જોઈએ, જ્યારે કિશોર- કિશોરીઓને રોજના ૯ કલાકની ઊંઘ પર્યાપ્ત છે. મોટા ભાગનાં પુખ્ત વયનાં સ્ત્રી-પુરુષોને ૭થી ૮ કલાકની ઊંઘની આવશ્યકતા છે. જોકે અપવાદરૂપ કિસ્સામાં કેટલાક એવા લોકો પણ છે જેઓ માંડ પાંચેક કલાક જ ઊંઘે છે તો બીજી તરફ એવા કેટલાક લોકો છે જેમને રોજના ૧૦ કલાક ઊંઘવા જોઈએ છે. સગર્ભાવસ્થાના પ્રથમ ૩ મહિનામાં સ્ત્રીઓ સામાન્ય કરતાં થોડા વધુ કલાક સૂએ છે.
ઊંઘ વિશે સંશોધન કરતા વિજ્ઞાનીઓએ એક સરસ મજાની વાત શોધી કાઢી છે. તેને આપણે દાખલા સાથે સારી રીતે સમજીએ.જેમ કે તમને પૈસાની જરૂર પડી પણ તમારી પાસે બેન્કમાં પૈસા નથી એટલે તમે કોઈ મિત્ર પાસે જરૂર જેટલા રૂપિયા ઉછીના લો અથવા તો બેન્કમાંથી ઓવરડ્રાફટ લો.
આ રૂપિયા તમે ભલે મિત્ર પાસેથી લીધા કે બેન્કમાંથી લીધા પણ એ ઉછીના રૂપિયા છે એટલે આજે નહીં તો કાલે પણ તમારે મિત્રનું કે બેન્કનું એ ઋણ તો માથેથી ઉતારવું જ પડશે. આવું જ કાંઈક ગણિત ઊંઘનું છે. તમારા માથે કામનો બોજો વધી ગયો કે પછી તમે એક સાથે બહુ બધાં કામ હાથ પર લઈ લો, તો તમને સમયની ખેંચ પડવાની, સમય તો વેચાતો મળતો નથી કે તમે બજારમાંથી બીજા આઠ- દસ કલાક ખરીદીને તમારો દિવસ ૨૪ના બદલે ૩૨ કે ૩૪ કલાકનો કરી શકો. આમ કરવું તો કોઈનાય માટે શક્ય નથી તો પછી તમે શું રસ્તો કાઢશો?
No comments:
Post a Comment