Tuesday, 6 September 2011

બાળકોને થોડાં વ્યવહારુ બનાવવાં જરૂરી


પેરેન્ટિંગ - નીરજા વ્યાસ
એ જમાનો ગયો કે જ્યારે બાળકોની હોશિયારી ફક્ત તેના પરીક્ષામાં આવેલા ગુણને આધારે નક્કી કરવામાં આવતી હોય. આજે વાલી પણ સમજી ગયા છે કે બાળક જિંદગીમાં સફળતા મેળવે તે માટે ફક્ત પુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ વ્યાવહારિક આવડતો પણ ઘણી જરૂરી છે
મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ કે, કેટલાંક બાળકો ભણવામાં તો એકદમ હોશિયાર હોય છે, પરંતુ તેમનામાં વ્યવહારુ જ્ઞાન એટલે કે પ્રેક્ટિકલ નોલેજનો અભાવ હોય છે. વ્યવહારિક જ્ઞાન એટલે કે કોઈ પરિસ્થિતિને કઇ રીતે સંભાળવી, સંબંધોને કઈ રીતે સમજવા તથા સ્માર્ટલી હેન્ડલ કરવા... આવી ઘણી બાબતમાં બાળકો પાછાં પડતાં હોય છે તો આ કળા બાળકોને શીખવવી જ જોઈએ.
અત્યાધુનિક જમાનામાં શિક્ષણ પ્રણાલી અને ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવવાના માતાપિતાના મોહને કારણે બાળકો પુસ્તકિયા કીડા બનીને રહી જાય છે ત્યારે ઘણી શાળાઓએ વિચાર કરીને બાળકોના પાઠયપુસ્તકમાં આવી વ્યવહારિક બાબતોનો સમાવેશ કર્યો છે જે ઘણી પ્રશંસનીય બાબત છે. જેના કારણે બાળક જીવનના દરેક પડકારને ઝીલવા સક્ષમ બની શકે. વ્યાવહારિકપણુ એવી બાબત છે જે અભ્યાસમાં સાધારણ બાળકને પણ સફળતાનાં સોપાન સર કરાવડાવે છે. અહીં કેટલીક એવી બાબતોની ચર્ચા કરવામાં આવી છે જેનું જ્ઞાન માતા-પિતાએ પોતાના લાડકવાયાઓને આપવું જ જોઈએ.
આજે જે રીતે બાળકોને કિડનેપ કરવાની ઘટનાઓ આકાર લેતી હોય છે તે જોતાં દરેક માતા-પિતાએ બાળકોને એમની સુરક્ષા માટે કેળવવાં જોઈએ. બાળકને શિખવાડો કે બગીચામાં કે રસ્તામાં અથવા તો શાળાએ આવતા જતા કોઈ અજાણી વ્યક્તિ કે પરિચિત વ્યક્તિ ખાવાની વસ્તુઓ આપે તો બાળકોને ના પાડતા શિખવાડો. બાળકને કોઈ વ્યક્તિ એવું કહે કે મારી સાથે ચાલ તારાં મમ્મી કે પપ્પાએ કહ્યું છે અથવા તો ઘરના કોઈ સભ્યનો એક્સિડન્ટ થયો છે તેમ કહીને સાથે ચાલવાનું કહે તો ના પાડી દેવી જોઈએ.ળકોઈ શારીરિક અડપલાં કરી રહ્યું છે તો તરત બૂમ પાડીને લોકોને ભેગા કરી દેવા જોઈએ. પહેલાં તો એવું હતું કે ફક્ત છોકરીઓ સાથે જ શારીરિક છેડતી થતી, પરંતુ આજે તો નાનાં છોકરાઓ પણ આ દૂષણનો ભોગ બની જતાં હોય છે માટે માતા-પિતાએ તેમને સમજાવી દેવા જોઈએ કે અજાણી અથવા તો પરિચિત વ્યક્તિ શરીરનાં જાતીય અંગો સાથે છેડછાડ કરે તો તરત ઘરમાં જાણ કરવી. અઢીથી સાત વર્ષના બાળકને ફ્લેટ, સોસાયટી કે સ્કૂલના પાર્કિગમાં એકલું ન મોકલવું, અંધારામાં તથા સૂમસામ હોય તેવી જગ્યાએ હોય તો વસ્તુઓ લેવા પણ ન મોકલવું.
બાળક આટલી ઉંમરનું હોય તો તેમની સાથે લગભગ પેરેન્ટ્સે રહેવું જ જોઈએ, પરંત બારથી ચૌદ વર્ષનાં બાળકો સ્કૂલ, ટયૂશન, બજારમાં એકલાં જ જતાં હોય છે. શહેરનાં બાળકો તો ગ્રુપમાં ફિલ્મ જોવા કે મોલમાં ફરવા પણ એકલાં જતાં હોય છે ત્યારે માતા-પિતાએ તેમની સુરક્ષા માટેનાં સૂચનો આપીને જ મોકલવાં જોઈએ.
બાળકો પાસે જાણી લો કે તેઓ કયા રસ્તે જઈ રહ્યા છે. તેમને કહો કે જો રસ્તામાં તેમને એવું લાગી રહ્યું છે કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે તો ઝડપથી સૂમસામ રસ્તો છોડીને ભીડવાળી જગ્યાએ આવી જવું.
કોઈ પણ અજાણી વ્યક્તિને વાત વાતમાં ઘરનું સરનામું કે ફોન નંબર, પરિવાર અંગેની માહિતી ન આપવી જોઈએ.
અજાણ્યાથી રહો સાવધ
બાળકોને એ ખાસ શીખવવુ જોઈએ કે અજાણ્યા માણસોથી કેવી રીતે સંભાળવું, આજકાલ બાળકો મિત્રોને ઘેર પાર્ટીમાં જતાં હોય છે. શાળાઓમાં પણ આ પ્રમાણેનાં ઘણાં ફંક્શન થતાં હોય છે. તેમાં બાળકોને સામેલ જરૂર કરો, પરંતુ તેને ચેતવી દેવું કે જો કોઈ વ્યક્તિ વધારેપડતી આત્મીય બનવાનો પ્રયત્ન કરે છે તો તેની સાથે વાતચીતમાં યોગ્ય અંતર રાખીને ટૂંકમાં જ વાતચીત પતાવો.આવી વ્યક્તિઓ સાથે પરિવારને લગતી કે અંગત માહિતી બિલકુલ ન વહેંચો.
મહેમાનો તથા પાડોશી સાથે રહો મિલનસાર
ઘણાં બાળકો એટલાં અંર્તમુખી હોય છે કે જ્યારે ઘેર મહેમાન આવે છે ત્યારે તે ખૂબ શરમાળ બની જાય છે અને ત્યાં વાત કરવાને બદલે ઘરમાં બીજે જઈને બેસી જાય છે. નાની ઉંમરનાં બાળકો એવું કરે તો ચાલે, પરંતુ ૧૦થી ૧૪ વર્ષનાં બાળકો પાસે એવી આશા રાખવામાં આવે જ છે કે તેઓ આવનાર વ્યક્તિને કેમ છો કે પછી હેલો કહે અથવા તો નમસ્તે કહે. તેમને પાણી આપે. જો આવનાર વ્યક્તિ નજીકના સગામાં છે તો તેમની સાથે થોડી વાર બેસીને વાત કરે અને તેમના સવાલના વિનમ્રતા સાથે જવાબ આપે.
આ ઉપરાંત બાળકોને જરૂરી સાધનોથી અપડેટ રાખો. ઘરનું મેઇન સ્વિચ બોર્ડ, ઇલેક્ટ્રિસિટી, ગેસ એજન્સીનો નંબર તથા કનેક્શનની માહિતી, જરૂરી ચાવીઓ, વડીલ વ્યક્તિઓની જરૂરી દવા અંગે પણ ધીરે ધીરે બાળકોને માહિતગાર કરવાં જોઈએ.  તમારા બાળકને એક જવાબદાર વ્યક્તિ બનાવવા માટે આ રીતે ધીરે ધીરે તાલીમ આપશો તો ભવિષ્યમાં તે ચપળ અને કાર્યકુશળ બનીને સફળતાનાં ઘણાં નવાં ક્ષેત્રો સર કરશે.

No comments:

Post a Comment