મેં દિન કી ધૂપ મેં ખુદ કો સમેટ લેતા હૂં,અંધેરી રાત મુઝે ફિરસે બિખેર દેતી હૈ.- રશીદ અફરોઝ
આંખ માત્ર દુનિયા કેવી છે એ દેખાડતી જ નથી પણ આપણે કેવા છીએ એ પણ દુનિયાને બતાવી દેતી હોય છે. તમે કેવા છો એની ચાડી આંખ ફૂંકી દેતી હોય છે. કેટલીક આંખો બોલકી હોય છે. કેટલીક આંખો ઉછાંછળી હોય છે. કેટલીક આંખો જેલને અને કેટલીક મહેલને લાયક હોય છે. આંખ વોન્ટેડ પણ હોય છે અને આંખ અનવોન્ટેડ પણ હોય છે. કેટલીક આંખો જંગલ જેવી ગાઢ હોય છે અને કેટલીક આંખો સ્મશાન જેવી ગૂઢ હોય છે.
આંખો તેના તેજ અને ભેજથી ઓળખાય જાય છે. કેટલીક આંખો તરબતર હોય છે અને કેટલીક આંખો લથબથ હોય છે. આંખને ઓળખતાં આવડે તો માણસને પારખતા આવડે. કેટલીક ખૂલી આંખો પણ અંધ હોય છે જે કંઈ જ જોઈ નથી શકતી અને કેટલીક બંધ આંખો આપણને આખી દુનિયાનો રસ્તો ચીંધાડી જાય છે. બાળકની આંખ શિયાળામાં ફૂલની પાંદડી પણ છવાતા ઝાકળના બિંદુ જેવી હોય છે. ઉંમર મુજબ આંખો બદલાય છે. નિર્મળ આંખો થોડીક મોટી થાય એટલે આંખોમાં કુતૂહલ અંજાઈ જાય છે. યુવાનીની આંખોમાં તરવરાટ છે. પ્રેમીની આંખમાં ન્યોછાવરી છે. પ્રેમી આંખ મિલાવે ત્યારે બે નજરની સાથે બે દિલ કનેક્ટ થાય છે. આંખ એ ઈમોશન બતાવી દેનારું સૌથી મોટું માધ્યમ છે. હતાશ લોકોની આંખ થાકેલી અને હારેલી હોય છે. બુઢ્ઢી થઈ ગયેલી આંખોમાં અનુભવોનો ભાર હોય છે.
કેટલીક આંખો માપવાની હોય છે અને કેટલીક આંખો પામવાનું મન થાય એવી હોય છે. કેટલીક આંખો ઝૂકે ત્યારે આખી જન્નત ઝૂકી ગઈ હોય એવું લાગે છે. આંખમાં ઈશારા પણ હોય છે અને આંખમાં તિખારા પણ હોય છે. કેટલીક આંખો બાળી નાખે એવી હોય છે અને કેટલીક આંખો તારી દે એવી હોય છે. કોઈ આંખ જુએ તો જોતું જ રહે એવી ઇચ્છા થાય છે અને કોઈ આંખ સામે નજર માંડવાની હિંમત થતી નથી. આંખ માણસની કિંમત કરી જાય છે.
આંખમાં ઝનૂન હોય છે. આંખમાં શુકૂન હોય છે. આંખમાં મુસ્કાન હોય છે. આંખમાં આક્રંદ હોય છે. કેટલીક આંખોમાં ભય હોય છે અને કેટલીક આંખોમાં લય હોય છે. કેટલીક આંખો એક-બીજામય હોય છે. આંખો વરસે છે અને આંખો તરસે છે. આંખો સુકાય છે અને આંખો ચીમળાય છે. જિંદગીમાં ક્યારેક ભીની આંખોની મૌસમ બેસે છે. રડવાની મજા તો જ છે જો કોઈ છાનું રાખવાવાળું હોય. એકલી આંખોમાં ઝુરાપો હોય છે અને વિરહી આંખોમાં ખાલીપો હોય છે.
પ્રાર્થના આંખો મીંચીને કેમ થતી હશે? કારણ કે કદાચ બંધ આંખો દિલને સારી રીતે જોઈ શકતી હશે. આંખની પાંપણમાં ઘણી વખત તસવીરો અને દૃશ્યો અંકાઈ જાય છે અને બંધ આંખોએ પણ અમુક ઘટનાઓ તરવરી જાય છે.
આપણે કહીએ છીએ કે મારી સાથે નજર મિલાવવાની એની ત્રેવડ નથી. ગુનાઈત આંખો નજર છુપાવે છે. કેટલીક આંખો રમતિયાળ હોય છે, એ રમત રમે છે અને રમત રમાડે છે. માણસ સાચું બોલે છે કે ખોટું એ આંખો બતાવી દેતી હોય છે. કેટલીક આંખો સપનાંને પણ આવતાં ડર લાગે એવી હોય છે.
રાત કાળી હોય છે. આંખ પણ કાળી છે. પ્રાણીઓની આંખો રાતે ચમકે છે, માણસની આંખ કેમ નથી ચમકતી? કદાચ માણસની આંખને દિવસે ચમકવાનું હોય છે એટલે. તમારી આંખ અને રાતને કેવો સંબંધ છે? દોસ્તીનો કે દુશ્મનીનો? ઊંઘનો કે ઉજાગરાનો? હસવાનો કે રડવાનો? રાતે અંધારામાં કંઈ દેખાતું હોતું નથી પણ આપણે તો આપણને જોઈ જ શકતા હોઈએ છીએ.
તમે તમારી અંદર ક્યારેય નજર માંડી છે? બહારથી નહીં પણ અંદરથી તમે કેવા છો? તમારી આંખો રાતે એવી હશે જેવું તમે દિવસે જોયું હશે. ઘણી રાતો આંખને પ્રેમ કરે છે. આંખો મીંચાઈ કે તરત જ રાત તેને પોતાની બાંહોમાં લઈ લ્યે છે. સપના વિશે પણ એવું કહેવાય છે કે તમે જેવું વિચારો એવાં સપનાં આવે. અર્ધજાગૃત અવસ્થામાં અને બંધ આંખો જે બતાવે છે એ વખતે દિલની આંખો કદાચ જાગતી હોય છે.
તમે ક્યારેય વિચાર્યું છે કે રાત ન હોત તો શું થાત? કદાચ પોતાને નિરખવાનો સમય ન મળત! માણસ દિવસે વધુ વિચાર કરે છે કે રાતે? માણસ દિવસે પોતાની સાથે વધુ હોય છે કે રાતે? ઊંઘ રાતની મોહતાજ નથી. ઊંઘ તો દિવસે પણ આવી જાય છે. છતાં એવું કેમ લાગે છે કે દિવસ ઉંઘાડે છે અને રાત પોઢાડે છે. રાતમાં એક ‘હાશ’ છે.
દાંપત્યજીવન રાતે વધુ ખીલેલું હોય છે કે દિવસે? એક મિત્રએ કહ્યું કે દિવસનું દાંપત્યજીવન તો રાતના દાંપત્યજીવનનો પડછાયો હોય છે. રાત નારાજગી છતી કરી દે છે. પડખું ફરીને સૂતેલી વ્યક્તિ સાવ નજીક હોવા છતાં જોજનો દૂર હોય છે. પ્રેમ હોય તો દિવસ એ સતાવવાની ઘડી છે અને રાત એ મનાવવાની ક્ષણ છે.
રાત કબૂલાતનો મોકો આપે છે. પતિ પત્નીને કે પત્ની પતિને દિવસે વધુ ‘સોરી’ કહે છે કે રાતે? કદાચ રાતે. તમે રાતે ક્યારેય થેંક યુ કહ્યું છે? તું મારી જિંદગીમાં આવી કે તું મારી લાઈફનો હિસ્સો બન્યો તે મારાં સારાં નસીબ છે. થેંક યુ કે તું મને મળ્યો. આજે તેં મારા માટે જે કર્યું એ મને ગમ્યું. દિવસનો ઝઘડો રાતે તીવ્ર થઈ જાય છે તો દિવસનો પ્રેમ કેમ રાતે ખીલતો નથી? રાત માત્ર સેક્સ માટે નથી પણ સેન્સ માટે છે. ગતાગમ વગરના સમાગમ સાર્થક નથી હોતા. ઘણી વખત પથારી એક હોય છે પણ સપનાં જુદાં હોય છે. આવું હોય ત્યારે દાંપત્ય જીવન રઝળતું અને તરફડતું રહે છે.
તમારી રાતે ક્યારેય તમારી આંખ સાથે વાત કરી છે? રાત ઘણી વખત વાતો કરતી હોય છે. રાત આંખને પૂછે છે કે કેમ તને ઊંઘ નથી આવતી? ઊંઘ ન આવવાનાં કારણો કાયમ દુઃખદાયક જ નથી રહેતાં ક્યારેક સુખદાયક પણ હોય છે. અત્યંત આનંદ પણ ઘણી વખત સૂવા દેતો નથી. મજામાં હોઈએ ત્યારે પથારી સપનાંની સેજ બની જાય છે અને ઉદાસ હોઈએ ત્યારે પથારી બોજ બની જાય છે. પડખાં ઘસીએ ત્યારે શરીર ફરતું હોય છે પણ આંખ તરફડતી હોય છે.
દિન તો ગુજર જાતા હૈ, કમબખ્ત રાત નહીં ગુજરતી. ઊંઘ ન આવે ત્યારે રાત લાંબી થઈ જતી લાગે છે અને ઊંઘ આવી જાય ત્યારે રાત ટૂંકી લાગે છે. રાત મોટી, લાંબી અને અઘરી લાગે ત્યારે માણસે તેના દિવસ ઉપર નજર માંડવી જોઈએ. તમારો દિવસ જેવો હશે એવી જ તમારી રાત જશે. સવારે આંખો જ કહી દે છે કે તમારી રાત કેવી હતી? રાતનો થાક દિવસે વર્તાય છે કે દિવસનો થાક રાતે? દિવસનો થાક રાતે આરામ આપે છે પણ રાતનો થાક દિવસે અજંપો આપે છે.
દિવસે તમારી આંખોને હસતી રાખો તો રાતે તમારી આંખોને રડવા નહીં દે. દિવસે આંખ ભસતી હશે તો રાત કરડવા દોડશે. આંખો ધોવાથી કે રોવાથી નહીં પણ ‘જોવાથી’ સાફ રહે છે. સવાલ એ છે કે આપણી આંખો શું જુએ છે? રાત અને આંખને દોસ્તી હોવી જોઈએ. ઉજાગરાનો સંબંધ અઘરો હોય છે. રાત સાથે આંખનો સંબંધ કેવો હતો એ સવારે આંખ કહી દેતી હોય છે!
No comments:
Post a Comment