Sunday, 11 September 2011

આંધ્ર પ્રદેશનું લેધર પેઈન્ટિંગ




પ્રાચીન ઐતિહાસિક ઈમારતો અને જાયકેદાર ખાણીપીણી માટે મશહૂર આંધ્ર પ્રદેશની લેધર પેઈન્ટિંગ એક એવી અદ્ભુત કલા છે, જેના વિશે બહુ જ ઓછા લોકો જાણે છે. આવો જાણીએ આ કલા વિશેની કેટલીક રોચક જાણકારી...
આંધ્ર પ્રદેશમાં ચર્મ ચિત્રકારીની પંરપરા સદીઓ જૂની છે. અહીંયાના લોક કલાકાર મૃત પશુઓના ચામડા પર સુંદર ચિત્ર સર્જવાનું કામ કરે છે. આંધ્ર પ્રદેશની આ પારંપરિક કલાને તેલુગુ ભાષામાં થોલુ ભુમ્માલતા કહે છે. થોલુનો અર્થ થાય છે ચામડી અને ભુમ્માલતાનો અર્થ થાય છે પપેટ ડાંસ.
આંધ્ર પ્રદેશમાં ચામડામાંથી બનેલી પુતળીઓના છાયા નૃત્યનું ચલણ સદીઓ જૂનું છે. એ માટે મૃત પશુઓની ચામડી પર ચમકીલા રંગો દ્વારા ચિત્રકારી કરવામાં આવે છે. લેધરમાંથી બનેલા પપેટ્સની ઊંચાઈ લગભગ છ ફૂટ જેટલી હોય છે અને એને સુંદર રીતે કાપકૂપ કરીને એ રીતે બનાવાય છે કે હાથ - પગ - કમર અને ગરદન દરેક જગ્યાએથી એ પપેટ્સ હલનચલન  કરી શકે છે. પારંપરિક રૂપથી એને રંગવા માટે શાકભાજીઓ અને ફૂલ-પાણીમાંથી કાઢવામાં આવેલા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હવે ચામડા પર ચિત્રકારી કરવા માટે બજારમાં વેચાતા કૃત્રિમ રંગોનો પણ ઉપયોગ કરાય છે.
એક પાતળી વાંસની ચીપના સહારે પપેટને બાંધીને સફેદ પડદાની સામે બેઠેલા દર્શકો આ છાયા નૃત્યનો આનંદ માણે છે. પ્રાચીન કાળમાં આવા નૃત્યુના સહારે પુરોહિત ગામના લોકોને રામાયણ અને મહાભારત સાથે જોડાયેલી રોચક ધાર્મિક કથાઓ સંભળાવીને મનોરંજક પદ્ધતિથી તેમને ધર્મ અને નીતિશાસ્ત્રનું શિક્ષણ આપતા હતા. આંધ્ર પ્રદેશના અનંતપુર અને કાનિનડા જિલ્લા આ કળા માટે ખાસ મશહુર છે.
* રચના પ્રક્રિયા : ચામડાં પર સુંદર ચિત્ર બનાવવાની આ પ્રક્રિયા બહુ જ લાંબી અને જટિલ છે. એ માટે સૌથી પહેલાં મૃત પશુઓના ચામડાને લગાતાર ત્રણ-ચાર દિવસ સુધી પાણીમાં પલાળેલું રખાય છે અને તેની સફાઈ કરવામાં આવે છે, એ પછી એને સારી રીતે તડકે સૂકવવામાં આવે છે. પછી જે પણ આકૃતિ તૈયાર કરવાની હોય છે, તેની બાહ્ય આઉટ લાઈન તેની પર પેન્સિલથી કરવામાં આવે છે અને પછી તેમાં પેઈન્ટ બ્રશ દ્વારા રંગ ભરવામાં આવે છે.
જ્યારે રંગ સૂકાઈ જાય છે, ત્યારે તીક્ષ્ણધાર વાળા ચપ્પાંથી લેધરનું કટિંગ કરીને, તેને કટ આઉટનો આકાર અપાય છે. આ શૈલીમાં સામાન્ય રીતે ધાર્મિક અને ઐતિહાસિક કથાઓના પાત્રો, રાજા-રાણી, સૈનિક વિદૂષક, પ્રાકૃતિક દૃશ્ય, ફૂલઝાડ-છોડ, પશુ-પક્ષી વગેરે હોય છે. કેમ કે આ આકૃતિઓના છાયા નૃત્ય દ્વારા જ લોકોને ધાર્મિક કથાઓ સંભળાવવામાં આવે છે.
* સમયની સાથે પરિવર્તન : આંધ્ર પ્રદેશના ગામડાંઓમાં હાલમાં પણ ચામડાંમાંથી બનેલી આકૃતિઓના છાયાનૃત્યની પરંપરા જીવિત છે. તેમ છતાં પણ આજના બદલાતા સમયની સાથે આ પારંપરિક કલાના ક્ષેત્રમાં બહુ જ પરિવર્તન આવ્યું છે. હવે છાયા નૃત્ય, ઉપરાંત ચામડા પર કરાનારી આ ચિત્રકારીનો ઉપયોગ ઘરની દીવાલો પર સજાવાતી આકર્ષક પેઈન્ટિંગ, વોલ હેંગિંગ, પર્સ, લેમ્પ શેડ વગેરે બનાવવા માટે કરવામાં આવે છે. હવે આંધ્ર પ્રદેશના ગામડાઓની આ હસ્તકલા વિભિન્ન દેશોના મુખ્ય શહેરોમાં પણ ઝડપથી લોકપ્રિય થતી જાય છે અને લેધર પેન્ટિંગને હવે મોટાભાગના લોકો પોતાના ડ્રોઈંગ રૂમમાં સમજાવવાનું પસંદ કરે છે. આ કલાકૃતિઓને ખરાબ થતી બચાવવા માટે એ જરૂરી બને છે કે એને પાણી અને ભેજથી બચાવીને રાખવામાં આવે.
* લોકપ્રિયતા : ચામડામાંથી બનેલી આ આકૃતિઓ પર  મોહક ચિત્રકારીનું કામ માત્ર આંધ્ર પ્રદેશમાં જ નહીં, પરંતુ દક્ષિણ ભારતના અન્ય પ્રાંતો જેવાં કે - તામિલનાડુ, કર્ણાટક અને કેરળમાં પણ થાય છે.
તામિલનાડુમાં પણ ચામડાંમાંથી બનેલી કઠપૂતળીઓનું નૃત્ય પ્રચલિત છે, જેને ખાસ કરીને બે રીતે રજૂ કરાય છે. પહેલી રીતમાં સીધું જ આ કઠપૂતળીઓનું નૃત્ય રજૂ કરાય છે અને બીજી રીતમાં રાત્રિના સમયે પડતા પર કઠપૂતળીઓનું નૃત્ય રજૂ કરાય છે અને બીજી રીતમાં રાત્રિના સમયે પડદા પર કઠપૂતળીઓનું છાયાનૃત્ય પ્રસ્તુત કરાય છે. તામિલનાડુમાં આવેલા મદુરાઈ જિલ્લામાં થોડાંક જ પરિવાર આ કલાને બચાવવા અને ટકાવી રાખવા કામ કરી રહ્યાં છે. કેમ કે, ત્યાં યુવાપેઢીના લોકોમાં હવે આ કલા પ્રત્યે લાગણી ભાવના ઓછી થતી જાય છે.
કર્ણાટકના ગામડાંઓમાં આ પારંપરિક કલા આજે પણ જીવિત છે. અહીંયાની ખૂબ જ પ્રાચીન લોક નાટ્સ શૈલી છે યક્ષગાન, જેમાં સંગીતમય શૈલીમાં લોકોને કથા સંભળાવવામાં આવે છે અને ચામડામાંથી બનેલી આકૃતિઓનું નૃત્ય પ્રસ્તુત કરાય છે.
કેરલમાં પણ ચામડામાંથી બનેલી કઠપુતળીઓનું નૃત્ય પ્રસ્તુત કરાય છે, જેને મલયાલી ભાષામાં થોલ પાવાકુટ્ટુ કહે છે, જેનો અર્થ થાય છે ચામડાની ઢીંગલીનું નૃત્ય. અહીંયાના પાલઘાટ જિલ્લામાં રહેનારા કલાકાર ચામડાની કઠપૂતળીઓ બનાવે છે. અને અહીંયાના મંદિરોની દીવાલો પર પણ એ કલાકૃતિઓ જોવા મળે છે.

No comments:

Post a Comment