Sunday, 11 September 2011

કેટલાંક મહત્ત્વના ઈસેન્શ્યલ ઓઈલ્સ(ABC OF બ્યૂટી )



પાછળના અંકમાં મેં ત્રણ મહત્ત્વના ઓઈલ્સ - કેમોમિલ, નીરોલી અને બર્ગામોટ વિષે માહિતી આપી. પહેલા પણ મેં કહ્યું છે તે પ્રમાણે ફરીવાર કહું છું કે અરોમાથેરપીનો અસરકારક રીતે ઉપયોગ કરવા ઈસેન્શ્યલ-ઓઈલ્સ અને તેમના ગુણોનો અભ્યાસ કરવો જરૂરી છે. આ અંકમાં આપણે બીજાં કેટલાંક ઈસેન્શ્યલ - ઓઈલ્સ વિશે માહિતી મેળવીશું.
યુરલિપ્ટસ  ઓઈલ  (નિલગીરીનું તેલ)
આ એક ખૂબ વપરાતું તેલ છે. ઔષધિય બનાવટોમાં વપરાતું હોવાથી આપણે તેની સુગંધ અને ગુણોને સારી રીતે જાણીએ છીએ. યુકેલિપ્ટસ ઓઈલ શ્વસનકાર્ય પર ખૂબ પ્રભાવ પાડે છે. તેનાથી શરીરના કોષો સુધી પહોંચનારા પ્રાણવાયુના પ્રમાણમાં વધારો થાય છે. રક્તકણોને કાર્યાન્વિત કરીને તે આ કાર્ય કરે છે. રક્તકણો કાર્યાન્વિત થવાથી ફેફસાનું કાર્ય સુધરે છે. ફેફસામાંથી જ પ્રાણવાયુનો પુરવઠો શરીરના બધાં કોષો સુધી પહોંચે છે. આખી શ્વસનક્રિયાને પ્રભાવિત કરતું હોવાથી યુકેલિપ્ટસ - ઓઈલ કફને બહાર કાઢવામાં અને ખાંસીને રોકવામાં મદદ કરે છે. દમ, બ્રોન્કાઈટિસ (ઉંટાંટિયું), શરદી, ફ્લૂ અને ગળાના ચેપોમાં યુકેલિપ્ટસ- ઓઈલ અસરકારક છે. પરંપરાગત સારવારમાં જીરેનિયમ અને જુનિયર - ઓઈલ્સની જેમ યુકેલિપ્ટસ-ઓઈલ રક્ત શર્કરાને ઘટાડવામાં વપરાય છે. તેની તાજગીદાયક અને ઉત્તેજક અસરને કારણે ધ્યાન કેન્દ્રીત કરવા અને તર્કસંગત વિચાર-પ્રક્રિયાને વેગ આપવા આ તેલનો ઉપયોગ થાય છે.  ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં આ તેલ ઉપયોગી છે. તેમાં રહેલા જંતુનાશક ગુણને કારણે ત્વચા પરના ચકામા વગેરે પર તેનો ઉપયોગ થાય છે.
ખીલની સારવારમા તે તેના પુનઃનિર્માણના ગુણને કારણે વપરાય છે. ત્વચા પરના ચાંદા, જીવ-જંતુના ડંખ વગેરે પર પણ તે વપરાય છે. ખોંડા માટેના શેમ્પૂમાં યુકેલિપ્ટસ - ઓઈલનો ઉપયોગ થાય છે તે એક સારું ડીઓડરન્ટ છે.
ચેતવણી : યુકેલિપ્ટસ - ઓઈલ શરીરને ઠંડુ કરે છે. સ્નાનના પાણીમાં તેનો અતિઉપયોગ શરીરમાં ધ્રૂજારી લાવે છે. યુકેલિપ્ટસ- ઓઈલ લેમન, વર્બેના, બામ, લવંડર તેમ જ પાઈન-ઓઈલમાં સારું ભળે છે.
જેસ્મીન-ઓઈલ
જેસ્મિન કે જેને આપણે મોગરો કે ચમેલી કહીએ છીએ તે એક ખૂબ જાણીતી સુગંધ છે. આપણી રાતરાણી પણ જેસ્મિન તરીકે ઓળખાય છે. મન પર અસર કરવામાં  જેસ્મિન ઓઈલ જેવું બીજું એકેય તેલ નથી. વ્યક્તિની સંવેદનાઓને જાગ્રત કરવામાં તેનો જોટો જડે એમ નથી. આપણાં દેશમાં  જેસ્મિનના જાદુનો સદીઓથી ઉપયોગ થતો આવ્યો છે.
સ્ત્રીઓની સ્વાસ્થ્ય-સંબંધી તકલીફોમાં  જેસ્મિન-ઓઈલ ખૂબ વપરાય છે. ગર્ભાશયને સ્વસ્થ રાખનારું આ તેલ પ્રસૂતિને સરળ બનાવે છે. માસિક ધર્મની સમસ્યામાં તે ઉપયોગી છે. તે પ્રસૂતા સ્ત્રીના દૂધમાં વધારો કરે છે. સાડા ત્રણ ઔંશ જેટલા બેઝ - ઓઈલમાં આ તેલના એકથી ત્રણ ટીપાં સગર્ભાવસ્થામાં વાપરવાનું સારું મસાજ ઓઈલ બનાવે છે. સ્નાયુની તાણ, પીઠનો દુખાવો, સંધિવામાં રાહત આપીને તે સ્ત્રીઓને તાજગીભરી રાખે છે. ડર્મેટાઈટિસ, ખરજવું, ત્વચાની શુષ્કતાને કારણે થતી તકલીફોમાં આ તેલમાંથી બનેલા ઉત્પાદનો વાપરવામાં આવે છે. મનોશારીરિક તકલીફોમાં તે સારું પરિણામ આપે  છે. તે મગજમાંના એક તત્ત્વને જાગૃત કરીને સુખદ અનુભવ કરાવતું હોવાથી વિષાદ અને ભય જેવી તકલીફોમાં વપરાય છે.  જેસ્મીન-ઓઈલનું રાસાયણિક બંધારણ ઘણી રીતે માનવ-પ્રસ્વેદના બંધારણને મળતું આવે છે. તેથી માનવની ત્વચામાં તે ખૂબ સારી રીતે શોષાય છે.
ચેતવણી : જેસ્મીન-ઓઈલનો ફક્ત બાહ્ય ઉપયોગ કરવો જોઈએ. મુખથી તેનું સેવન કરવું હિતાવહ નથી. બજારમાં મળતા જેસ્મીન - ઓઈલમાં સોલવન્ટના અવશેષ જોવા મળે છે. જેસ્મીન - ઓઈલ કાઢવાની પ્રક્રિયામાં ફેક્સીન, પેટ્રો-ઈથર જેવા સોલ્વન્ટ્સ  વપરાય છે. હાઈડ્રોકાર્બન કે ટેટ્રા-ક્લોમીથેન દ્વારા તેને ક્લોરીનેટ કરવામાં આવે છે. મોટાંભાગે તો સોલવન્ટ ઉડી જાય છે, પરંતુ તેના થોડાંક અવશેષની માત્રાનો આધાર રહે છે.
જેસ્મીન - ઓઈલ રોઝ, નિરોલી, સેન્ડલવૂડ ઓરેન્જ તેમ જ સાયપ્રસ ઓઈલમાં સારું ભળે છે.

No comments:

Post a Comment