Thursday, 8 September 2011

શરીરને ટકાવનાર અને મારનાર કોલેસ્ટોરેલ




આજના આધુનિક સમાજમાં જે રોગોનો વ્યાપ વધતો ચાલ્યો છે તેમાં હૃદયરોગ અને કેન્સરનું પ્રમાણ છેલ્લાં ૫૦ વર્ષમાં લગભગ બમણું થઈ ગયું છે. કેન્સર તો વળી ખતરાની સૂચના આપીને આવે છે. જે રોગીને ક્યારેક પરીક્ષણ અને ઉપચાર કરવાનો સમય આપે છે. હવે તો ગર્ભાશય, દાંત, સ્વરપેટી, ત્વચા, આંતરડાં વગેરેનાં કેન્સરને યોગ્ય તબક્કે મટાડી શકાય છે, પરંતુ, હૃદયરોગમાં તો હૃદયની ગતિ અચાનક અટકી જવાથી થોડીક ક્ષણો કે અમુક મિનિટોમાં જ હાલતી, ચાલતી વ્યક્તિ મૃત્યુની વેદી પર ચડી જાય છે.
આમ તો હાર્ટ એટેકનાં અનેક કારણો દર્શાવાયાં છે. જેવાં કે માનસિક તણાવ, હાઈબ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અધિક ધૂમ્રપાન, વધારે પડતા ઉજાગરા, અતિ મદ્યપાન, મેદસ્વિતા તથા બેઠાડુ જીવન વગેરે,પરંતુ આ બધાં કારણો કરતાં સૌથી મોટો દુશ્મન છે, ‘કોલેસ્ટેરોલઆપણા શરીરનાં યોગ્ય વિકાસ, વૃદ્ધિ અને સંચાલન માટે આ કોલેસ્ટેરોલ અત્યંત આવશ્યક તત્ત્વ છે, કારણ કે લિવરમાં તૈયાર થયેલું આ કોલેસ્ટેરોલ રક્તના પ્રવાહની સાથે ચરબીનાં તત્ત્વોને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કાર્ય તો કરે જ છે, પરંતુ આ સિવાય પણ તે પિત્ત, રસ અને શરીરના અગત્યના હોર્મોન્સ તૈયાર કરવાનું કામ પણ કરે છે. પિત્તના સ્ત્રાવથી આહારના સૂક્ષ્મકણોનું પાચન થાય છે અને વિભિન્ન હોર્મોન્સના સ્ત્રાવથી શરીરના અવયવોનો વિકાસ થાય છે.
ખાસ ધ્યાન આપવા જેવી બાબત તો એ છે કે, કોલેસ્ટેરોલ તેની યોગ્ય માત્રાથી શરીરને ટકાવી રાખે છે, તેની જ માત્રા જો શરીરમાં આવશ્યકતાથી વધી જાય તો તે હૃદયરોગને નિમંત્રે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે, આપણાં શરીરમાં રહેલું કોલેસ્ટેરોલ તેની યોગ્ય માત્રામાં શરીરને ટકાવી રાખનાર અને આવશ્યકતાથી અધિક માત્રામાં મારક બને છે. રક્તમાં રહેલી ચરબીના અંશને કોલેસ્ટેરોલ કહેવામાં આવે છે. તેની યોગ્ય માત્રા જળવાય તો તે રક્તપરિભ્રમણમાં સહાયક બને છે અને તેની અતિ માત્રાથી રક્તવાહિનીઓ સાંકડી બનતા, રક્તનો પ્રવાહ અવરોધાતા હૃદયની ગતિમાં અવરોધ ઉત્પન્ન થવાથી હાર્ટ એટેક આવે છે.
કોલેસ્ટેરોલ અને આહાર
જેને માથે કુટુંબના સંતુલિત આહારની જવાબદારી છે, એવી દરેક જવાબદાર અને સમજુ સ્ત્રીએ પોતાના કુટુંબનાં સભ્યોને કેવો દૈનિક આહાર આપવો? કે જેથી તેમના લોહીમાં કોલેસ્ટેરોલની યોગ્ય માત્રા જળવાઈ રહે અને જો તેની આવશ્યકતાથી અધિક માત્રા હોય તો તે ઓછી થાય તેના પર લક્ષ આપવું જોઈએ.આ માટે કેટલીક ધ્યાન આપવા જેવી બાબતો છે કે જેને સાધારણ રૂપે ઉપયોગમાં લાવવાથી કોલેસ્ટેરોલને કાબૂમાં રાખી શકાય છે. તો શું આપણે આહારની ઉચિત સાવધાની દ્વારા કોલેસ્ટેરોલને કાબૂમાં રાખી કુટુંબની વ્યક્તિઓને હૃદયના રોગોથી બચાવી શકીએ? અવશ્ય બચાવી શકીએ. આ તો તમારા હાથની જ વાત છે.
માત્ર આહારનો સ્વાદ જ નહીં પરંતુ તેનાં પોષકતત્વો અને પ્રભાવને પણ જાળવી રાખવો જોઈએ. આહારમાંથી ઘી, તેલ માખણ, મટન જેવા ચરબીવાળા ખાદ્ય પદાર્થોથી લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા એકદમ વધી જાય છે. જે કુટુંબો માંસાહારી છે તેમણે માંસ, માછલી, ચીકન અને ઈંડાંના ઉપયોગને ખૂબ જ નિયમિત કરીને કે ઘટાડીને પણ લોહીમાં રહેલા કોલેસ્ટેરોલને કાબૂમાં રાખવો જોઈએ. લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ કેટલું છે? તે લોહીની લેબોરેટરી તપાસ દ્વારા જાણી શકાય છે.
લીલાં શાકભાજી, દાળ, ફળો, મલાઈ વગરનું દૂધ, મલાઈ-માખણ વગરનાં દહીં અને છાશનો સંતુલિત ઉપયોગ કરવાથી લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા ઘટાડી શકાય છે. મલાઈ, માખણ,ઘી, સૂકો મેવો, કોપરું વગેરે છે તો પૌષ્ટિક પણ તેના હાનિકારક પ્રભાવથી લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા વધી જાય છે. શાકભાજી અને દાળમાં ઘી અને તેલનો વધારેપડતો ઉપયોગ ન કરવો.

No comments:

Post a Comment