ગાયત્રી અમોઘ શક્તિનું એક સ્વરૂપ છે. તેના બળના આધારે જ જગત ત્રિવિધ તાપથી મુક્ત બને છે અને યુગનિર્માણ શક્ય બને છે. તેથી જ ગાયત્રીને યુગશક્તિ કહેવામાં આવે છે. ગાયત્રીનું પ્રતીકાત્મક સ્વરૂપ અનેક ગૂઢ રહસ્યોથી ભરેલું છે. પંચમુખી, ત્રિપદા, વિશ્વમાતા, વેદમાતા કે કામધેનુના નામે બિરાજતી એક જ મહાશક્તિ ગાયત્રી છે. આ જ્ઞાન-વિજ્ઞાનની દેવીનું અવતરણ એટલે ગાયત્રી જયંતી. આ જ દિવસે જગતના કલ્યાણ અર્થે સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ પણ ધરતી પર થયું હતું. જેથી જ્ઞાનરૂપી ગાયત્રીની ગંગા અને પાવન ગંગાનો સમન્વય પણ આધ્યાત્મિક ક્ષેત્રે અનોખો સંદેશ આપી જાય છે
ગાયત્રીમાં ગયનો અર્થ પ્રાણ થાય છે. આથી જગતમાં રહેલું પ્રાણતત્ત્વ જેનાથી સૃષ્ટિ ચાલી રહી છે તે જ ગાયત્રી. સમસ્ત વિશ્વના સર્જન અને પ્રગતિનો પાયો ગાયત્રી છે. તેથી ગાયત્રીને જ્ઞાનગંગોત્રી અને સંસ્કૃતિની જનની, આત્મબળની અધિષ્ઠાત્રી કહેવામાં આવે છે. આ સર્જનહારી મહાશક્તિનો જન્મદિન એટલે ગાયત્રી જયંતી. આ પાવન દિવસે જ ગંગાનું પણ ધરતી પર અવતરણ થયું હતું. તેથી આ દિવસને ગંગાદશેરાના દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.
ગંગાદશેરા અને ગાયત્રી
જયંતીનો સમન્વય
ગંગાનું પૃથ્વી પર અવતરણનો ઉદ્દેશ્ય પ્રાણીની તરસ છિપાવવા, ધરતી પર છવાયેલી ગંદકી દૂર કરી સમસ્ત માનવજાતિને પાવન કરવાનો હતો. ત્યારે ગાયત્રીરૂપી જ્ઞાનગંગાનું અવતરણ મનુષ્યની જ્ઞાનપિપાસા છિપાવવા, સદ્બુદ્ધિનો સંચાર કરવા તેમજ સદ્પ્રવૃત્તિ અને સદ્ભાવનાના સંવર્ધન માટે થયો છે. ગાયત્રી મહાશક્તિનો જન્મ ગંગા અવતરણ સાથે સારી રીતે મળી જાય છે.
એક સૂક્ષ્મ અને બીજો સ્થૂળ એક જ તત્ત્વની વ્યાખ્યા કહેવામાં આવે તો કંઈ અતિશયોક્તિ નહીં કહેવાય.
ગંગાના અવતરણ પાછળ સગર રાજાના પુત્રોની કથા છે. સગર રાજાના સાઠ હજાર પુત્રો તેનાં પાપકર્મોને લીધે અગ્નિમાં બળી રહ્યા હતા. તેને પાપકર્મોમાંથી મુક્તિ પાવન ગંગાથી જ મળી શકે તેમ હતી. જેથી સગરના એક વંશજ ભગીરથે ગંગાને ધરતી પર ઉતારવા માટે આકરું તપ કર્યું અને ભગીરથના નિસ્વાર્થ તપને લીધે ગંગા પ્રસન્ન થયાં, પરંતુ ગંગાની શક્તિશાળી ધારાને ઝીલી શકે, ધારણ કરી શકે તેવા પાત્રની જરૂર પડી. ગંગાને અહંકારી વ્યક્તિ ધારણ કરી શકતી નથી. તેથી તેના માટે મહાન વિભૂતિની જરૂર પડે છે ત્યારે ભોલેનાથે તેની જટામાં ગંગાને ધારણ કરી અને પૃથ્વી પર તેનું અવતરણ થયું .પછી ગંગાનું અવતરણ માત્ર સગરના પુત્રોને જ નહીં, પરંતુ સમસ્ત જગતતે પાવન કરનારું બની રહ્યું. આ પાવન અવસરને આપણે ગંગાદશેરાના રૂપમાં મનાવીએ છીએ.
બીજી તરફ ઋતંભરા પ્રજ્ઞા (ગાયત્રી)નું અવતરણ પણ ગંગાની જેમ સમસ્ત જગતના ઉદ્ધાર માટે થયું છે. સમસ્ત જગતને દુઃખોમાંથી મુક્ત કરી, શ્રેષ્ઠતાનો અને આદર્શવાદિતાનો માર્ગ જ્ઞાનરૂપી ગાયત્રી જ આપી શકે છે, પરંતુ આ જ્ઞાનરૂપી ગંગાનો લાભ મેળવવા માટે અહી પણ ભગીરથ બનવું પડે છે. સમસ્ત જગતના કલ્યાણ માટે ગાયત્રી જ્ઞાનરૂપી ગંગાને પામવા માટે પરમાર્થપરાયણ પુરુષાર્થ કરવો પડે. તો ગંગાની જેમ જ આ યુગ પરિવર્તનકારી મહાશક્તિ (ગાયત્રી)ને ધારણ કરવા માટે મહાન તપસ્વી વિભૂતિ શંકર જોઇએ. જે નવો યુગ લાવનારી યુગશક્તિ ગાયત્રીને પોતાના મસ્તકમાં ધારણ કરે ત્યારે ગાયત્રી જ્ઞાનરૂપી ગંગાનો પ્રવાહ આગળ વધે છે. પછી ગાયત્રીરૂપી જ્ઞાનગંગાના શીતળ પ્રવાહથી સમસ્ત જગત માટે સુખ શાંતિનાં દ્વાર ખૂલી જાય છે. આમ આપણે પણ શંકર અને ભગીરથની ભૂમિકા ભજવીને આ અમોઘ શક્તિનો પ્રચાર પ્રસાર કરી સમસ્ત જગતને ઉત્કૃષ્ટ જીવનશૈલીનો આદર્શ માર્ગ પ્રશસ્ત કરી શકીએ તો ગાયત્રી જયંતીની ઉજવણી યથાર્થ ગણાશે. ગંગાદશેરા અને ગાયત્રી જયંતીનો સમન્વય આધ્યાત્મિક જગતને એક સોનેરી સંદેશ આપી જાય છે.
ગાયત્રી આદિ શક્તિ છે. તે સૃષ્ટિમાં વ્યાપ્ત અણુ પરમાણુ રૂપે રહેલી છે. ગાયત્રી મહાશક્તિનાં અલગ અલગ અનેક સ્વરૂપો છે. વેદમાતા, વિશ્વમાતા, પંચમુખી અને ત્રિપદા.મહાશક્તિની આરાધના કરતા પહેલાં આ સ્વરૂપોના અર્ર્થોનાં રહસ્યોને જાણવાં પણ અનિવાર્ય છે.ળ
વેદમાતા ગાયત્રી
ગાયત્રીને વેદમાતા તરીકે પણ પૂજવામાં આવે છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. આ જ્ઞાન ચાર વિભાગમાં સમાયેલું છે. ઋક, યર્જુ, સામ, અથર્વ. ઋક એટલે કલ્યાણ, યર્જુ એટલે પૌરુષ, સામ એટલે ક્રીડા અને અથર્વ એટલે અર્થ. તેમજ બીજી રીતે જીવનનાં ચાર લક્ષ્યોની રીતે જોઇએ તો ઋક એટલે ધર્મ, યર્જુ એટલે મોક્ષ, સામ એટલે ક્રીડા અથર્વ એટલે અર્થ. આ ચાર પ્રકારના જ્ઞાનની ધારા બ્રહ્માજીના મુખેથી નીકળી હોવાથી બ્રહ્માને પણ ચતુર્મુખી કહેવામાં આવે છે. આ પ્રકારના જ્ઞાનનું સ્ફુરણ એક જ ચૈતન્યશક્તિ દ્વારા થયું હતું. તેને બ્રહ્માજીએ સૃષ્ટિના પ્રારંભમાં ઉત્પન્ન કરી હતી. જેનું શાસ્ત્રકારોએ ગાયત્રી નામ આપ્યું. આ પ્રમાણે ચાર વેદોની માતા ગાયત્રી થઇ તેથી વેદમાતા ગાયત્રી કહેવાયાં.
ત્રિપદા ગાયત્રી
પહેલાં એક બ્રહ્મ તત્ત્વ હતું. પછી બ્રહ્માજીએ આદિ શક્તિનો આવિર્ભાવ કર્યો, આ આદિ શક્તિએ પોતાના ત્રણ ભાગો બનાવી દીધા જે છે હ્રીં, શ્રીં, ક્લીં. હ્રીં એટલે સત્ અથવા સરસ્વતી, શ્રી એટલે રજત અથવા લક્ષ્મી અને ક્લીં એટલે તમસ અથવા કાલી. દરેક માનવમાં સત રજત અને તમસ એમ ત્રણ ગુણ હોય છે. આમ આદ્યશક્તિ ગાયત્રીની સત, રજત, તમસ મહી ધારા સુધી પહોંચનાર આધ્યાત્મિક, ભૌતિક અને શારીરિક સુખો પ્રાપ્ત કરે છે.
આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરવા ઇચ્છુક ભક્તો સત્ એટલે કે હ્રીં તત્ત્વોની ઉપાસના કરે છે. જ્યારે ભૌતિક સુખ-સંપત્તિ મેળવવા માટે લોકો રજત એટલે કે શ્રી તત્ત્વ લક્ષ્મીની ઉપાસના કરે છે. તેવી જ રીતે શારીરિક બળની ઉપાસના માટે લોકો ક્લીં એટલે કે કાલીમાતાની સાધના કરે છે. આ રીતે સમાજના ત્રણેય વર્ગના લોકો ગાયત્રી આદ્યશક્તિના એક એક ચરણના ઉપાસક છે. તેથી ગાયત્રી ‘ત્રિપદા’ કહેવાય છે. જેમ માતા બાળકનાં બધાં જ કામ કરે છે તેવી જ રીતે આ ત્રણેય ચરણોથી શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરાવનાર ભક્તની દરેક કામના પૂર્ણ થાય છે.
ગાયત્રીની સાધનામાં એવું સામર્થ્ય છે કે તેના બ્રહ્માસ્ત્રથી સમાજમાં બદીઓનો નાશ થાય છે અને ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સુસંસ્કારિતા, સુસભ્યતાનું વાતાવરણ નિર્માણ થાય છે. મનોરથને પરિપૂર્ણ કરનાર કલ્પવૃક્ષ સમી વરદાયિની મા પાસે જનાર સાધક ક્યારેય નિરાશ થતો નથી અને તે પોતાના જીવનને પરિષ્કૃત કરી રાષ્ટ્ર અને સમાજને પણ કૃતાર્થ કરે છે. ત્યારે આ અમોઘ ગાયત્રી મંત્રની સાધનાને જો આપણે પણ ભગીરથની માફક જનકલ્યાણ હેતુ સર્મિપત કરીએ તો ખરા અર્થમાં ગાયત્રી જયંતીની ઉજવણી સાર્થક ગણાશે.
વેદની સર્વ વિદ્યાઓ ગાયત્રી મંત્રમાં સમાવિષ્ટ છે. બ્રહ્માજીએ તેના મુખથી ગાયત્રીના એક-એક ચરણની વ્યાખ્યા કરી છે.
ઓમ ભૂર્ભુ : સ્વઃ થી ઋગ્વેદ
તત્સવિતુર્વરેણ્યં થી યજુર્વેદ
ભર્ગો દેવસ્ય ધીમહિ થી સામવેદ
ધિયો યોનઃ પ્રચોદયાત્ થી અથર્વવેદની રચના થઇ છે.
પંચમુખી ગાયત્રી
દેવી દેવતાઓના સ્વરૂપમાં આપણને બહુ હાથવાળી અને બહુ શિરવાળી આકૃતિ જોવા મળે છે ત્યારે આ સ્વરૂપમાં પણ અનેક રહસ્યો છુપાયેલાં છે. પંચમુખી ગાયત્રી પણ તેનું એક સ્વરૂપ છે. ગાયત્રી માતાજીનાં પાંચ મુખ આપણા શરીરમાં આવેલા અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ એમ પાંચ કોષોનું પ્રતીક છે. અન્નમય કોષ એટલે શરીર, ગાયત્રી એક વિજ્ઞાન પણ છે ત્યારે ગાયત્રી મહામંત્રના ૨૪ અક્ષરોની અસર આપણા શરીરની ઇન્દ્રિયો પર થાય છે . આ સાધનાયોગ ધ્યાન અને પ્રાણાયામ સાથે કરવામાં આવે તો તેની ઊર્જાની ગાઢ હકારાત્મક અસર આપણા શરીર પર થાય છે. તેથી ગાયત્રીની સાધનાથી અન્નમયકોષ એટલે કે શરીર આરોગ્યપ્રદ બને છે.
તેવી જ રીતે બીજો કોષ છે પ્રાણમય કોષ એટલે કે પ્રાણશક્તિ, જો ગાયત્રી મંત્રની સાધના ગાયત્રી મહાવિજ્ઞાનમાં દર્શાવેલી પદ્ધતિથી કરવામાં આવે તો તે આપણા શરીરના કોષો પર સારો પ્રભાવ પાડે છે. જેનાથી પ્રાણશક્તિમાં પણ વધારો થાય છે. ત્રીજો કોષ છે મનોમય કોષ એટલે કે મન. ગાયત્રી સાધનાથી મનોબળ મજબૂત બને છે. મનની શક્તિ અપાર છે. આ સાધનાથી મનોમય કોષ જાગૃત થતાં માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. તેવી જ રીતે વિજ્ઞાનમય કોષ એટલે કે બુદ્ધિ. ગાયત્રીને સદ્બુદ્ધિની દેવી પણ ગણવામાં આવે છે. અર્થાત્ ગાયત્રીમંત્રની સાધનાથી કુબૃદ્ધિ દૂર થાય છે અને સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સદ્બુદ્ધિ જ માણસને સત્કર્મ કરવા પ્રેરે છે અને સત્કર્મથી તે આદર્શ જીવન જીવવા માટે પ્રેરણા મેળવી શકે છે. પાંચમો છે આનંદમય કોષ એટલે કે આત્મા. ગાયત્રી મંત્રની સાધનાથી સત્ ચિત આનંદની અનુભૂતિ થાય છે અને જીવની શિવ તરફ ગતિ થાય છે. સંન્યાસીઓ અને યોગીઓ આ જ પરમ આનંદ માટે તપ કરે છે અને દેવતાઓ આ જ આનંદ માટે મનુષ્ય દેહની ઝંખના કરે છે. આ કોષના સદુપયોગથી અનંત આનંદનું સર્જન થઇ શકે છે અને સાધક સ્વર્ગના સુખની અનુભૂતિ કરી શકે છે.
No comments:
Post a Comment