બીપીઓ અને આઈટી કંપનીઓમાં ફરજ બજાવતા ઘણા યુવાનો કે જેઓને રાત્રે પૂરતી ઊંઘ નથી મળતી તેવા યુવાનોને કાચી ઉંમરે હાર્ટ એટેકનું જોખમ વધી જતું હોવાનું ન્યૂ ઈગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં જણાવાયું છે
યુનિર્વિસટી ઓફ બ્રિટિશ કોલંબિયાના નજીબ ટી. આયાસ કહે છે કે આપણે ૨૪ટ૭ના નવા યુગમાં જીવીએ છીએ એટલે અગાઉના સમયમાં શાંતિથી પૂરતી ગાઢ ઊંઘ મળતી હતી તે સ્થિતિ હવે રહી નથી પણ હવે ધીમે ધીમે આપણને ખ્યાલ આવી રહ્યો છે કે અપૂરતી અને અનિયમિત ઊંઘથી આપણા કીમતી સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થાય છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘ અત્યંત આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય પણ છે. છતાં ઊંઘ વિશે વધુ વાત કરતા પહેલાં રંજનદાસની વાત જાણી લેવી એટલા માટે જરૂરી છે કે તેનાથી તમને ઊંઘની જરૂરિયાતની ગંભીરતાનો સોંસરવો અને સચોટ ખ્યાલ આવી જશે.
કાચી ઉંમરે અચાનક હાર્ટ એટેકથી બે વર્ષ અગાઉ રંજન દાસના મૃત્યુની કરુણ ઘટનાએ કોર્પોરેટ ક્ષેત્રના ટોચના એક્ઝિક્યુટિવ્સમાં ખાસ્સી ચર્ચા અને ચિંતા જગાવી છે અને આ પ્રકારની ચર્ચા પાછળ વજનદાર વજૂદ પણ છે. રંજન દાસની ઉંમર માત્ર ૪૨ વર્ષની હતી. ભારતમાં તેઓ સૌથી નાની વયના સીઈઓ હતા. મલ્ટિનેશનલ કંપની ‘સેપ’ના ભારતીય ઉપખંડના તેઓ સીઈઓ અને એમડી હતા.
મૂળ આસામના રંજન દાસ અમેરિકાની સિલિકોન વેલીમાં પણ બહુ જાણીતા હતા. અને વધુ આશ્ચર્યની વાત તો એ છે તેઓ ખૂબ તંદુરસ્ત હતા. તેઓ નિયમિતપણે રોજ જિમમાં જતા હતા. તા.૨૧ ઓક્ટોબર, ૨૦૦૯ના દિવસે તેઓ જિમમાંથી ઘરે પાછા આવ્યા અને થોડા વખતમાં જ હૃદયરોગના ગંભીર હુમલામાં તેઓ ઢળી પડયા. એ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તો રંજન દાસે ચેન્નાઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. તેમને દોડવાનો પણ શોખ હતો. તેમની જીવનશૈલી શિસ્તબદ્ધ અને સંયમી હતી.
આટલા તંદુરસ્ત અને શિસ્તબદ્ધ જીવનશૈલીવાળા સીઈઓ એકાએક હાર્ટ એટેકનો ભોગ બન્યા ત્યારથી કોર્પોરેટ જગતમાં એક સવાલ સતત ઘૂમરાતો રહ્યો છે કે શિસ્તબદ્ધ જીવનશૈલી અને નિયમિત જિમમાં જવાની હેલ્ધી ટેવવાળા રંજન દાસના અચાનક મૃત્યુનું કારણ શું?ળસેપ જેવી મલ્ટિનેશનલ કંપનીમાં ભારતીય ઉપખંડના સઘળા કારોબારનો ભાર રંજન દાસના શિરે હતો એટલે સ્વાભાવિક છે કે તેઓ સતત સ્ટ્રેસમાં રહેતા હશે. લગભગ બધા જ કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સનું જીવન સ્ટ્રેસ-સભર હોય છે, પરંતુ સામાન્ય રીતે એક એવી વૈજ્ઞાનિક માન્યતા છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને નિયમિત કસરતથી ફિટનેસ જાળવી રાખવાથી સ્ટ્રેસની નકારાત્મક અસરો ઘણી ઓછી કરી શકાય છે તેથી રંજન દાસનો જીવનદીપ સ્ટ્રેસના કારણે બુઝાયો હોય એવી શક્યતા નહીંવત્ છે.
તો પછી ૪૨ વર્ષના રંજન દાસનું આટલી કાચી ઉંમરે નિધનનું કારણ શું? ઘણા બધા કોર્પોરેટ ગુરુ રંજન દાસને ‘વિઝાર્ડ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ’ ગણતા હતા. રંજન દાસ આઠ વર્ષ અગાઉ ૩૪ વર્ષની વયે સેપમાં સિનિયર વીપી તરીકે જોડાયા હતા અને ચાર જ વર્ષમાં તેમના ડિપાર્ટમેન્ટના હેડ બની ગયા અને તે પછી એક જ વર્ષમાં રંજન દાસ ૩૯ વર્ષની વયે તેઓ સેપના ભારતીય ઉપખંડના હેડ તરીકે નિમાયા. મલ્ટિનેશનલ કંપનીમાં બહુ ઓછા ભારતીયો આટલી નાની વયે અને આટલા ટૂંકા સમયગાળામાં આટલી જ્વલંત સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.
રંજન દાસ રોજ પાંચ માઈલ દોડતા હતા અને રોજ સવારે અચૂક જિમમાં જવાનો તેમનો નિયમ હતો. ફિટનેસનો તેમને જબ્બર ક્રેઝ હતો. પરંતુ વર્ષો સુધી ઓછી ઊંઘ લેવાને કારણે તેમના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભં થવાથી અચાનક આવું કરુણ પરિણામ આવ્યું હોવાનું કેટલાક નિષ્ણાતોનું માનવું છે.
અમેરિકાની વેસ્ટ ર્વિજનિયા યુનિર્વિસટીના કમ્યૂનિટી મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. અનુપ શંકર અને તેમની ટીમે કરેલા અભ્યાસનાં તારણો ચોંકાવનારાં છે. જે લોકો દિવસના ૭ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે અને પાંચ કલાક કરતાં કમ ઊંઘનારાઓને તો છાતીમાં દુખાવો તેમજ હાર્ટ એટેકનું જોખમ બેવડાઈ જાય છે.
ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના તાજેતરના અંકમાં પ્રકાશિત થયેલા એક લેખમાં પણ ઓછી ઊંઘથી હાર્ટ એટેકનું જોખમ વધતું હોવાનું તારણ દર્શાવ્યું છે. રોજ જે લોકો છ કલાક કરતાં ઓછું ઊંઘતા હોય તેમને હાર્ટ એટેકનું જોખમ ૨૦ ટકા જેટલું વધી જાય છે. ઓછી ઊંઘને કારણે ખોરાકની પાચનક્રિયા કે જેને વિજ્ઞાનની પરિભાષામાં ચયાપચયની ક્રિયા કહે છે તેના પર વિપરીત અસર પડે છે. બીપીઓ અને આઈટી કંપનીઓમાં ફરજ બજાવતા ઘણા યુવાનો કે જેઓને રાત્રે પૂરતી ઊંઘ નથી મળતી તેવા યુવાનોને કાચી ઉંમરે હાર્ટ એટેકનું જોખમ વધી જતું હોવાનું ન્યૂ ઈગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં જણાવાયું છે. અમેરિકન આર્મીએ તાજેતરમાં હાથ ધરેલા એક અભ્યાસમાં ઓછી ઊંઘના કારણે સર્જાતી આરોગ્યવિષયક સમસ્યાઓ નોંધી છે. રોજ છ કે સાત કલાકથી ઓછી ઊંઘ લેનારાને ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની એમ બંને પ્રકારની શારીરિક તેમજ માનસિક સમસ્યા ઉદ્ભવે છે. અપૂરતી ઊંઘને કારણે દિવસ દરમિયાન સુસ્તી લાગે છે અને કાર્યક્ષમતા કે કામ કરવાની ચપળતામાં ૩૨ ટકા જેટલો ઘટાડો થાય છે. યાદશક્તિ અને વિચારશક્તિ મંદ પડી જાય છે, એટલું જ નહીં પણ રોગ પ્રતિકારક શક્તિમાંય થોડી ક્ષીણતા આવી જાય છે.
અપૂરતી ઊંઘના લાંબા ગાળાનાં પરિણામો ગંભીર પ્રકારનાં છે. વર્ષો સુધી કામના વધુપડતા બોજના કારણે પૂરતી ઊંઘ નહીં લેતા કોર્પોરેટ ક્ષેત્રના એક્ઝિક્યુટિવ્સને હાઈ બીપી અને હાર્ટ એટેકનો ભોગ બનવાની સંભાવના ઘણી વધી જાય છે. ઊંઘ વિશે વધુ જાણકારી આવતા રવિવારે.
No comments:
Post a Comment