સપ્લિમેન્ટ્સ એ આહારનો વિકલ્પ નથી એ યાદ રાખવું જરૂરી છે. તેમાંથી ઊર્જા મળતી નથી. ઊર્જા ખોરાકમાંના કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ કે ચરબીમાંથી પ્રાપ્ત થાય છે.
શું તમને શરદી થાય ત્યારે તમે તરત જ કેમિસ્ટને ત્યાં વિટામિન ‘સી’ના સપ્લિમેન્ટ લેવા દોડી જાઓ છો? તમે સાંભળ્યું કે વાંચ્યું છે કે વિટામિન ‘સી’ શરદીને દૂર કરવામાં ઉપયોગી છે. આ રીતે આપણે વિટામિન્સની ઘણી ગોળીઓ ખાઈએ છીએ. શું આમ કરવું સાચે જ જરૂરી છે?
તંદુરસ્ત રહેવા આપણે શું કરવું જોઈએ?
જો આપણો આહાર સંતુલિત હોય તો તંદુરસ્ત રહેવા માટે જરૂરી એવા તમામ પોષકતત્ત્વો આપણને મળી રહે છે. જો તમે તંદુરસ્ત હોવ અને તમારા ખોરાકમાં ફળો, શાકભાજી, દાળ, કઠોળ, દૂધ, દહીં, માંસાહારીઓ માટે ઓછી ચરબીયુક્ત આહાર હોય તો તમારે કોઈ સપ્લિમેન્ટની જરૂર નથી. પરંતુ જો તમારી જીવનશૈલી દોડધામભરી અને તાણયુક્ત હોય. તમે જો બીમાર હોવ, સગર્ભા હોવ, ડિપ્રેશનમાં હોવ કે પ્રસૂતા, મેનોપોઝમાં હોવ તો તમારામાં વિટામિન્સ અને ખનીજતત્ત્વોની ઊણપ હોઈ શકે છે. તમને કેટલું અને કેવું પોષણ મળે છે અને તમારે કેટલી પૂર્તિની જરૂર છે તે ચોક્ક્સપણે કહેવું મુશ્કેલ છે. થોડીક ઊણપ પણ નુકસાન કરી શકે છે. તેથી તે સંજોગોમાં સપ્લિમેન્ટ લેવાની જરૂર ઊભી થાય છે. સપ્લિમેન્ટ એ રસાયણો હોવાથી વધુ માત્રામાં તેનું સેવન સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. સપ્લિમેન્ટ લાંબો સમય લેવાય તો પણ નુકસાન કરે છે.
સપ્લિમેન્ટ અંગેની કેટલીક હકીકતો
આપણાં દેશનું ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ દવાઓ પર નિયંત્રણ રાખે છે. સપ્લિમેન્ટ્સ પર નહીં, સપ્લિમેન્ટ્સ નિર્દોષ મનાતા હોવાથી તેના પર કોઈનું નિયંત્રણ નથી. રંગીન આવરણોમાં ઢંકાયેલાં સપ્લિમેન્ટ્સ દેખાવમાં આકર્ષક હોય છે. કેટલાક ટેબ્લેટ સ્વરૂપે હોય છે. જે લાંબા સમય સુધી જળવાઈ રહે છે. કેટલાંક ટેબ્લેટ અને કેપસ્યૂલના મિશ્રણ જેવા કેપ્લેટ સ્વરૂપે હોય છે. નરમ જેલ જેવી ગોળીઓ ફેટ- સોલ્યુબલ વિટામિન્સ ધરાવતી હોય છે. સપ્લિમેન્ટ્સ લેવા કે ના લેવા તે એક મોટો પ્રશ્ન છે. લેવા તો ક્યાં સુધી લેવા તે બીજો પ્રશ્ન છે.
રોજિંદી જરૂરિયાતોની પૂર્તિ
નિષ્ણાતોના મંતવ્ય મુજબ વિટામિન્સની મોટી માત્રા હાનિકારક છે. જો સ્વાસ્થ્યપ્રદ, સંતુલિત આહાર ન ખવાતો હોય તો ઊણપને દૂર કરવા સપ્લિમેન્ટને નાની માત્રામાં લઈ શકાય. સપ્લિમેન્ટ્સ એ આહારનો વિકલ્પ નથી એ યાદ રાખવું જરૂરી છે. તેમાંથી ઊર્જા મળતી નથી. ઊર્જા ખોરાકમાંના કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ કે ચરબીમાંથી પ્રાપ્ત થાય છે. આથી જો તમારો ખોરાક પૂરતું પોષણ આપે તેવો ન હોય તો જ સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. શાકાહારીઓ કેટલીકવાર બી ૧૨, ડી, કેલ્શ્યમ લોહતત્ત્વ ન્ને ઝીન્ક કે જે મોટાંભાગે માંસ અને દૂધમાંથી મળે છે. તેનાથી વંચિત રહી જાય છે. લોહત્ત્વ અને ઝીન્ક ઇંડા, આખા અનાજ (કઠોળ અને થૂલાવાળો લોટ, હાથથી છડેલા ચોખા) દાળ-કઠોળ, લીલાં શાકભાજી, ર્ફોિટફાઇડ સિરીયલ્સ વગેરેમાં હોય છે. કેલ્શ્યમ બી ૨ અને બી ૧૨ માટે રોજ ઓછી ચરબીવાળી દૂધની બનાવટોની બે માત્રા (સર્વીંન્ગ્સ) લેવી જરૂરી છે. જો તમે દૂધ ના લેતા હોવ તો સોયામિલ્ક, ર્ફોિટફાઇડ, ઓરેન્જ જ્યૂસ, ઘેરા લીલાં રંગના પાંદડાવાળા શાકભાજી, તલ, ટોફુ કે બદામ ખાઓ. જે શાકાહારીઓ પ્રાણીજન્ય ખોરાક નથી ખાતા તેઓમાં બી ૨ તેમજ બી ૧૨ ની ઊણપ સર્જાય છે. તેઓ માટે વિટામિન્સ સપ્લિમેન્ટ્સ ઉપયોગી છે.
વિટામિનનો ઓવરડોઝ કોને કહેવાય ?
જ્યારે પણ સપ્લિમેન્ટ્સ લેવાનો વિચાર કરો ત્યારે સૌ પ્રથમ તમારા ડોક્ટરની સલાહ લો. કેટલી માત્રામાં વિટામિન્સ લેવા અને ક્યાં સુધી લેવા તે જાણવું જરૂરી છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિમાં વિટામિન્સની ઊણપ લાંબા સમય સુધી રહે ત્યારે પંદરેક દિવસ સુધી વિટામિન્સના સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપવામાં આવે છે. વિટામિન્સનો ઓવરડોઝ કે જેને હાઈપર વિટામિનોસીસ કહેવામાં આવે છે. તે ગંભીર પ્રકારની સમસ્યાઓ સર્જી શકે છે. આ સ્થિતિ વિટામિન સીની ઝેરી આડઅસર હોય છે. જે લીવરની તકલીફો, ઓસ્ટિયોપોરોસીસ, ત્વચાની સમસ્યાઓ વાળ ખરવાની સમસ્યા લાવી શકે છે. વધારે પડતું ‘ડી’ વિટામિન પાણીની ઊણપ, ઊલટી, મૂત્રપિંડને હાનિ અને મૂત્રપિંડની પથરી જેવી સમસ્યા સર્જી શકે છે. વિટામિન ‘ઇ’ની અતિશય માત્રા હાઈકોલસ્ટરોલ, રક્તની તકલીફો સર્જે છે. કારણ કે રક્તને પાતળું કરવા માટે વિટામિન’ઇ’ની ભલામણ કરવામાં આવે છે. રસપ્રદ બાબત એ છે કે વિટામિન્સની આડઅસરો પર વિટામિન ‘કે’ ઉપયોગી છે. આમ કોઈ પણ વિટામિન્સના સપ્લિમેન્ટ્સ લેતાં પહેલાં ડોક્ટરની સલાહ લો.
શું વિટામિન્સ સાચે જ જીવનદાયક છે?
શું વિટામિન્સ અને મિનરલ્સ (ખનિજતત્ત્વો) ઔષધની ગરજ સારીને કોઈ રોગને દૂર કરી શકતા નથી. વિટામિન્સ એ વાસ્તવમાં એવો તત્ત્વ સમૂહ છે. જે સ્વસ્થ કોષોના કાર્ય, વિકાસ અને વૃદ્ધિમાં મદદ કરે છે. સ્વાસ્થ્ય માટે જરૂરી એવા વિટામિન્સ કુલ તેર છે. તેમાં વિટામિન એ, સી, ડી, ઈ, કે બી૧ (થિયામિન) બી ૨, (રીબોફલેવીન) બી૩ (નાયસીન), પેન્ટોથિનિક એસિડ, બાયોટીન, વિટામિન બી ૬, બી૧૨ અને ફોલેટ અથના ફોલિક એસિડનો સમાવેશ થાય છે. આ વિટામિન્સમાંથી કેટલાંક પાણીમાં દ્રાવ્ય તો કેટલાક ચરબીમાં દ્રાવ્ય હોય છે. વિટામિન એ, ડી, ઈ, અને કે ચરબી- દ્રાવ્ય હોય છે. આ વિટામિન્સ યકૃતમાં (લીવર)માં સંગ્રહાય છે અને જરૂર હોય ત્યારે શરીર તેમનો ઉપયોગ કરે છે. વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ જળદ્રાવ્ય છે. તે શરીરમાં સંગ્રહાતા નથી. વધારાના હોય તો શરીર તેને બહાર કાઢી નાંખે છે. વિટામિન ડી, કે, અને બી- વિટામિન- બાયોટીન શરીર સ્વયં બનાવે છે. અન્ય વિટામિન્સ ખોરાકમાંથી મળે છે. માઈક્રોન્યુટ્રીયન્ટ્સ તરીકે ઓળખાતા વિટામિન્સ ખનીજ તત્ત્વો ખૂબ ઓછી માત્રામાં વપરાય છે. પરંતુ તેમની થોડી ઊણપ પણ સ્વાસ્થ્યમાં ગરબડ પેદા કરે છે. સંતુલિત આહારમાં રોજ બે કપ જેટલાં ફળો અને અઢી કપ જેટલાં શાકભાજી હોવા જરૂરી છે. ફળ અને શાકભાજીનું વૈવિધ્ય જો જાળવવામાં આવે તો ઘણાં વિટામિન્સ મળી રહે છે.
વિટામિન્સ સપ્લિમેન્ટ્સની જરૂર કોને પડે?
* છ માસથી પાંચ વર્ષ સુધીના બાળકો કે જેઓ બરાબર ખાતા ન હો તેઓને વિટામિન ‘એ’, ‘સી’ અને ‘ડી’ની જરૂર પડે છે.
* સગર્ભા સ્ત્રીઓએ તેમના આહાર ઉપરાંત રોજ ચારસો મિ.ગ્રા. જેટલું ફોલિક એસિડનું સપ્લિમેન્ટ્સ સગર્ભાવસ્થાના બારમા અઠવાડિયા સુધી લેવું જોઈએ. સામાન્ય રીતે રોજિંદા સંતુલિત આહારમાંથી બસો મિ.ગ્રામ. જેટલું ફોલિક એસિડ મળી રહે છે. સગર્ભાસ્ત્રીઓએ આ તત્ત્વની વધુ માત્રા લેવી જરૂરી છે.
* સ્તનપાન કરાવતી સ્ત્રીઓ તેમજ મેનોપોઝમાં આવેલી સ્ત્રીઓએ વિટામિન્સના સપ્લિમેન્ટ્લ લેવા જોઈએ.
* જેઓ ઓછું ખાય છે. અને દિવસ દરમિયાન ૧૬૦૦થી પણ ઓછી કેલરી વાપરે છે. તેઓએ સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ.
* જેઓને જૂની ઝાડાની તકલીફ છે. ખાદ્ય પદાર્થોની એલર્જી છે. લીવરના રોગો છે. ગોલ બ્લેડર આંતરડાં કે પેન્ક્રિઆસની તકલીફ છે. રક્તાલ્પતા છે તેઓએ સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી છે.
* જેઓને માસિકધર્મ સમયે ઘણો રક્તસ્રાવ થતો હોય તેવી સ્ત્રીઓએ સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ.
* જેઓ શાકાહારી છે અને જેઓનો આહાર સંતુલિત નથી તેઓએ સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ.
* જેઓ બીમાર છે કે જેમણે સર્જરી કરાવી છે જેઓ હમણાં જ બીમારીમાંથી બહાર આવ્યા છે જેઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. તેઓએ સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ.
સલામતીના પગલાં
* સપ્લિમેન્ટ્સ લેતાં પહેલાં તેના પરની સૂચનાઓ અને ઘટકો વાંચો તેમની એક્સપાયરી ડેટ જોઈ લો.
* સપ્લિમેન્ટ્સમાંના તત્ત્વો શરીરમાં શોષાયા વિના બહાર નીકળી શકે છે. તેથી સામાન્ય તનાવવાળા પાણી સાથે તે લો.
* સપ્લિમેન્ટ લીધાના પંદર મિનિટ પહેલાં કે પંદર મિનિટ પછી ચા કે કોફી ના પીશો.
* એક કરતાં વધારે સપ્લિમેન્ટ્સ લેવાના હોય તો તેમને એક સાથે ના લેશો. તે એકબીજા સાથે પ્રતિક્રકિયા કરીને અસરને ઘટાડે છે.
* પાણીમાં ઓગળનારા વિટામિન્સ સહેલાઈથી પછી અને શોષાઈ જાય છે. તે દિવસમાં બે-ત્રણવાર લઈ શકાય છે. ફેટ સોલ્યુબલ વિટામિન્સને ખોરાક સાથે લેવા હિતાવહ છે.
* સપ્લિમેન્ટ્સ લેવાનો સમય નિયત રાખો
વિટામિન્સ લેવાનો યોગ્ય સમય
* વિટામિન ‘એ’, ‘ડી’ અને ‘ઈ’ અને ચરબીયુક્ત ખોરાક સાથે લો.
* બધા જ ‘બી’ વિટામિન્સ વહેલી સવારે લો.
* વિટામિન ‘સી’ ખાલી પેટે ના લેશો.
* મલ્ટિવિટામિન્સને ભોજન સાથે અથવા ભોજન બાદ લો.
* લોહના સપ્લિમેન્ટ્સના સારા શોષણ માટે તેમને ભોજન સાથે લો.
No comments:
Post a Comment