દરિયાઈ મોતી, શંખલા, છીપલા, કોડીની જ્વેલરી આ ભીની ભીની સિઝનમાં ખરી જમાવટ કરી દેશે એમાં નવાઇનથી!
વરસાદની મદમાતી નમણીઓને તૈયાર થવાની ભરપૂર તક આપે છે. ફેસ્ટિવલ સિઝન હોય કે પ્રસંગોપાત તૈયાર થવાનું હોય સોના ચાંદીનાં ઘરેણાંની સાથે સાથે યુવતીઓને કંઇક નવું જોઈતું હોય છે. કોલેજ ગોઇંગ યુવતીઓને ભારેભરખમ ઘરેણાં ઓછાં પસંદ આવે છે તેમને તો જોઈએ ટ્રેન્ડી અને સ્ટાઇલિશ એક્સેસરીઝ. ચોમાસાની અલ્લડ ઋતુમાં વેસ્ટર્ન તથા પરંપરાગત પોશાક સાથે સૂટ થાય તેવી જ્વેલરીમાં તમે શેલ તથા સી જ્વેલરીનો ઉમદા વિકલ્પ અપનાવી શકો છો. જુદા જુદા આકારના શંખલા, છીપલા, કોડીની ડેલિકેટ જ્વેલરી દરેક પ્રકારના પોશાક સાથે એકદમ ટ્રેન્ડી લૂક આપે છે.પહેલાં એવું હતુ કે આ પ્રકારની જ્વેલરી દરિયાકાંઠે ફરવા ગયા હોઈએ તો ફક્ત શોખથી કે જે તે સ્થળની યાદગીરીરૂપે ખરીદીને ક્યારેક પહેરાતી હતી, પરંતુ હવે તો યુવતીઓને આ ટ્રેન્ડી જ્વેલરીનું ઘેલું લગાડવું હોય તેમ તેમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. શેલ એટલે કે છીપલામાંથી અને અન્ય દરિયાઈ વસ્તુઓમાંથી ઘણી બધી જ્વેલરી બને છે. સી જ્વેલરીમાં તમને ઘણી બધી ડિઝાઇન તથા વિકલ્પ મળી આવે છે. ગળાના નેકલેસ, હાથના બ્રેસલેટ, ઇયરરિંગ્સ, એન્કલેટ્સ, હેર પિન જેવી ઘણી એક્સેસરીઝ સી જ્વેલરીમાં ઉપલબ્ધ છે.
પહેલાં ઘરની સજાવટમાં શંખ કે છીપલાનાં તોરણ ્ને ઝુમ્મર લટકાવાતાં હતાં. એ ઉપરાંત શંખ કે છીપલા લગાવેલા અરીસા પણ ઘરની સજાવટમાં શિરમોર હતા. આજે પણ આ દરિયાઈ ખજાનો ઘરની સજાવટમાં એટલો જ ઉપયોગી છે, પરંતુ ધીરે ધીરે સ્ત્રીઓની એક્સેસરીઝમાં તેને બહોળું સ્થાન મળવા લાગ્યું છે. હવે કારીગરો ગોલ્ડન, સિલ્વર,મોતી, ઘૂઘરી, રંગીન પ્લાસ્ટિકના દોરા વગેરેની મદદથી સી જ્વેલરીને ખૂબ આકર્ષક તથા ટકાઉ બનાવતા થયા છે. નાના શંખ, છીપલા,મોતી કે નાના ક્રિસ્ટલ જેવા પથ્થરને દોરની સાથે ગૂંથી તેમાં મોતી અને અન્ય ડેલિકેટ વસ્તુઓ સેટ કરીને હાથના બ્રેસલેટ બનાવાય છે. આ ઉપરાંત પગના એન્કલેટ્સ પણ બનાવાય છે જેમાં પાતળા વાયર જેવા તારનો ઉપયોગ કરીને હૂક મૂકવામાં આવે છે. તે જ રીતે નેકલેસમાં પણ મોટા ભાગે જાડા દોરા તથા વાયરનો ઉપયોગ થાય છે. આડાઅવળા પથ્થર તથા શંખલા અને છીપલાનો ઉપયોગ કરીને બનાવાતા નેકલેસ યુવતીઓનું મન મોહી લેતા હોય છે. શેલ જ્વેલરીના ચોક્ક્સ શેડ હોય છે. મોટા ભાગે તે વ્હાઇટ, ઓફ વ્હાઇટ, લાઇટ પર્પલ, લાઇટ બ્લૂ કે યલો રંગમાં મળે છે. જોકે અત્યારે તેની પર પ્રોસેસ કરીને શંખ તથા છીપલાને જુદા જુદા રંગ કરવામાં આવે છે ત્યાર બાદ તેમાંથી જ્વેલરી બનાવવામાં આવે છે. ઓરિજિનલ સી જ્વેલરીના નેકલેસ ને ઇયરિંગ્સ તમને ૫૦ રૂપિયાથી માંડીને ૧૦૦૦ રૂપિયાની કિંમત સૂધીના મળે છે. જ્યારે શંખ, છીપલા, કોડી જો પ્લાસ્ટિકની બનાવટના હોય તો તે પ્રમાણમાં સસ્તા હોય છે.
સાદા કે પ્લાસ્ટિકના દોરમાં બનાવેલી આ જ્વેલરીને સાચવવામાં વધારે મહેનત નથી કરવી પડતી. તેમાં પર્લ કે નાજુક છીપલા હોય તો જ્વેલરીને રૂની વચ્ચે મૂકવી.
શેલ જ્વેલરી તથા તેમાંથી બનતાં બોક્સ કે ડિઝાઇનર પીસ ગિફ્ટમાં આપવા માટે પણ એકદમ યોગ્ય વિકલ્પ છે. આ ઉપરાંત અરિસા કે શોપીસની સજાવટમાં પણ છીપલા ખૂબ સરસ ઉઠાવ આપે છે.
સેમી વેસ્ટર્ન, ફ્લોરલ ડિઝાઇનનાં ફ્રોક, ટયુનિક્સ કે પેસ્ટલ શર્ટ સાથે ગળામાં શેલ નેકલેસ અને નાના ઇયરિંગ્સ ખૂબ જ સરસ લાગે છે અને અલગ દેખાવ આપે છે.
તમે સી જ્વેલરી બનાવડાવતા હો તો તેના હૂક મોટા ભાગે સિલ્વર રંગના જ પસંદ કરવા. જો એમાં ઘણા બધા રંગોના પથ્થર કે છીપલા હોય તો એ પ્રમાણેના રંગીન દોરા કે હૂક પસંદ કરવા.
હારબંધ ગોઠવાયેલા નેકલેસ, બ્રેસલેટ કે એન્કલેટના બદલે અનઇવન(આડાઅવળા ગોઠવાયેલા)શંખ કે છીપલા ખૂબ સરસ ઉઠાવ આપે છે.
No comments:
Post a Comment