
ગયા અંકમાં મેં ખૂબ જાણીતા એવા યુકેલિટ્સ - ઓઈલ અને જસ્મીન - ઓઈલના ગુણો વિષે ચર્ચા કરી. આ બંને તેલ ઘરઘરમાં જાણીતા હોવા છતાં તેમાંથી તમને કાંઈક નવું જાણવા મળ્યું જ હશે. ખાસ કરીને તેના ચિકિત્સા-સંબંધી ગુણો વિશે. તેના કારણે તમારા મનમાં આ તેલ વિષે વધુ માન જરૂર ઉદ્ભવ્યું હશે.
આ અંકમાં હું લેમન -ઓઈલ, લેમનગ્રાસ- ઓઈલ અને લેમન વર્બેના વિષે માહિતી આપીશ.
લેમન ઓઈલ
લીંબુ એ ઘરઘરનું જાણીતું ફળ છે. તે તેના શુદ્ધિકારક, તાજગીદાયક અને જંતુનાશક ગુણોને કારણે માન પામ્યું છે. લીંબુનું ઈસેન્શ્યલ - ઓઈલ તેની છાલમાંથી મળે છે. તે મેળવવા માટે તેની છાલને કોલ્ડ-પ્રેસિંગ દ્વારા પ્રોસેસ કરીને સેન્ટ્રીફ્યુઝ દ્વારા છૂટું પાડવામાં આવે છે. આ તેલનું આયુષ્ય આઠથી દશ માસનું હોય છે. આ તેલ સૂર્યપ્રકાશ તરફ સંવેદનશીલ હોવાથી તેને રેફ્રિજરેટરમાં રાખવું જરૂરી છે. તેના ગુણો ખૂબ પ્રભાવશાળી હોવાને કારણે માનસિક થાક અને ભારની સ્થિતિમાંથી વ્યક્તિને બહાર લાવવા તેનો ઉપયોગ થાય છે. તે મનને જાગ્રત કરતું હોવાથી એકાગ્રતા અને યાદશક્તિને વધારવામાં તેનો ઉપયોગ થાય છે. તેના જંતુનાશક ગુણને કારણે હોસ્પિટલમાં જંતુનાશક તરીકે તેનો ઉપયોગ થાય છે. કેન્સરના દર્દીઓની શારીરિક દુર્ગંધને દૂર કરવામાં તે ખૂબ ઉપયોગી છે. લેમન-ઓઈલ ઈમ્યુન સિસ્ટમને જાગ્રત કરવાનું કામ કરે છે. તે શ્વેતકણોના ઉત્પાદનમાં મદદ કરે છે તેમ જ રોગચાળા દરમિયાન શરીરને રક્ષણ પૂરું પાડે છે. તાજગીદાયક અને સ્નાયુઓને દૃઢ બનાવતું હોવાને કારણે માલિશના તેલમાં તેનો ઉપયોગ થાય છે. જેલ, ક્લોન, આફ્ટર-શેવ લોશન્સ અને પરફ્યુમ્સમાં લેમન-ઓઈલનો ઉપયોગ થાય છે. તૈલી ત્વચા માટે તે એક સારું એન્ટિ - સેપ્ટિક છે. ચેપવાળી કે સૂજેલી ત્વચાને તે સ્વચ્છ બનાવે છે. વાળની સાંભળમાં પણ આ તેલ ઉપયોગી છે. તૈલી વધુને તે ચમકતા બનાવે છે.
લેમન ઓઈલ સ્વીસ - પાઈન, સીડર, યુકેલિપ્ટસ, ફેનલ અને જ્યુનિયર ઓઈલ સાથે સહેલાઈથી ભળે છે.
ચેતવણી : આ તેલનો ઉપયોગ સંવેદનશીલ ત્વચા પર કરવાથી તાપમાં દાહ-બળતરા થઈ શકે છે. વાપરતા પહેલાં શુદ્ધ તેલનું એક ટીપું તમારા હાથ પર મૂકી જુઓ.
લેમન ગ્રાસ ઓઈલ
લેમન ગ્રાસ કે જેને આપણે સુગંધિત લીલી ચા કહીએ છીએ. તે તાજગી અને ઉત્સાહ વધારવા માટે જાણીતી છે. તે ડાબા મગજને બળ આપતી હોવાથી તેનું સેવન તાર્કિક વિચાર-પ્રક્રિયાને વેગ આપે છે. આપણાં દેશમાં આંતરડાંની તકલીફો, કોલેરા તેમજ ચેપી રોગમાં લેમન - ગ્રાસ વર્ષોથી વપરાતું આવ્યું છે. કોસ્મેટિક - પ્રોડક્ટસમાં લેમન ગ્રાસ, ઓઈલ સ્કિન - ટોનિક તરીકે, લોશન અને ક્રીમમાં ક્લીન્ઝર તરીકે અને એસ્ટ્રીન્જન્ટ તરીકે વપરાય છે. તે નબળી પડી ગયેલી ત્વચા નીચેની પેશીઓને સુદૃઢ બનાવતું હોવાથી તે માલિશના તેલમાં વપરાય છે. તે શરીરની ઉદક ધાતુ (લિમ્ફેટિક)ના કાર્યને વેગ આપીને સોજા ઉતારવામાં મદદ કરે છે.
આ તેલ યુકલિલપ્ટસ, સ્વીસ-પાઈન, જુનિયર, જિરેનિયમ, લવંડર તેમજ લાઈમ-ઓઈલ સાથે સહેલાઈથી ભળે છે.
લેમન વર્બેના ઓઈલ
આ તેલ સુગંધિત લેમન - વર્બેના વૃક્ષમાંથી કાઢવામાં આવે છે. આ વૃક્ષ સાડા છ ફૂટ જેટલું ઊંચું હોય છે, તેના પર ખરબચડી સપાટીવાળા આછા લીલા રંગના પાન અને ડાળીઓના છેડા પર નાનાં, સફેદ ફૂલો આવે છે. પાંદડાંમાંથી ડિસ્ટીલેશન દ્વારા તેલ કાઢવામાં આવે છે. તેલનો રંગ વિશુદ્ધ, આછો પીળો હોય છે અને તેની સુંગંધ લીંબુ જેવી મીઠી હોય છે.
લેમન-વર્બેના-ઓઈલનું સેવન પેટ માટે ગુણકારી છે. તે કબજિયાત, મંદ પડેલી પાચનશક્તિ અને ચૂંકમાં ઉપયોગી છે. તે ઉબકા અને ચક્કરની તકલીફમાં રાહત આપે છે. આ તેલનું નસ્ય કરીને પણ ઘણાં લાભ મેળવી શકાય છે.
પ્રાચીન ઈજિપ્તમાં દાયણો આ તેલનો ઉપયોગ સરળ પ્રસૂતિ માટે કરતી હતી. પ્રસૂતિના સમયે દાયણો આ વૃક્ષનો કડક કાઢો બનાવીને પ્રસૂતાને પીવડાવતી જેથી ગર્ભાશયનું સંકોચન આંકુચન તીવ્ર અને ઝડપી બનીને પ્રસવ સારી રીતે થતો. આધુનિક વિજ્ઞાન પણ લેમન - વર્બેનાના આ ગુણને આવકારે છે. આજે વૃક્ષમાંથી વર્બેલાઈન છૂટું પાડીને ગર્ભાશયના સંકોચનને વધારવા માટે તેનો ઉપયોગ થાય છે.
ચેતવણી : સગર્ભાવસ્થામાં આ તેલનું મુખ દ્વારા સેવન ના કરવું જોઈએ.
પ્રસૂતા સ્ત્રીઓમાં ધાવણ વધારવા માટે આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. વંધ્યત્વમાં પણ આ તેલ ફાયદો કરે છે.
તૈલી ત્વચા માટે આ તેલ ફાયદાકારક છે.
ખીલ-ફોડકીની સમસ્યામાં તે જંતુઘ્નનું કામ કરે છે. કસરત પહેલાં અને પછી તેનું માલિશ ત્વચા અને સ્નાયુઓને સ્વસ્થ બનાવે છે. આ તેલ નીરોલી, જસ્મીન, ઓરેન્જ, જ્યુનિયર, હીસપ, મર્ટલ અને સીડર-વૂડ ઓઈલ સાથે સારું ભળે છે.
No comments:
Post a Comment