Sunday, 11 September 2011

મમતાનું મૂલ્ય




પાંચ લાખ રૂપિયાની વાત સાંભળી હિરજીનું તો હૈયું હરખાઈ ઊઠયું. તે ડોક્ટરને હા પાડવા જ જતો હતો ત્યાં તેને અટકાવી તેની ઘરવાળી બોલી...
આખી હૉસ્પિટલમાં હાહાકાર થઈ ગયો. અરે! હૉસ્પિટલ શું? આખા પંથકમાં હાહાકાર થઈ ગયો. છેલ્લા વીસ, વરસથી આ હૉસ્પિટલ ચાલતી હતી. પણ ક્યારેય આવું તો બન્યું જ નહોતું...! હાઈવે ઉપર આવેલી ગરબા ચોકડી ઉપર જ આ હૉસ્પિટલ આવેલી હતી. ગરબા ચોકડી એટલા માટે કે નવરાત્રીમાં સાત ગામના ભેગા ગરબા આ ચોકડી પર ગવાતા હતાં. આજુબાજુના લગભગ પાંત્રીસ કિ.મી.ના વિસ્તારમાં આના જેવી મોટી બીજી કોઈ જ હૉસ્પિટલ આવેલી નહોતી. ડો.ગોંડલિયાનું નામ આખાયે પંથકમાં જાણીતું હતું. મુખ્યત્વે તો તેઓ ગાયનેક જ હતાં. આમ છતાં પણ નાની- મોટી સામાન્ય તકલીફ માટે પણ લોકો અહીં સારવાર માટે આવતા હતાં. ગરીબ વર્ગથી માંડી શ્રીમંતો સુધીનાં બધાંય સારવાર માટે આવતાં હતાં. અહીં માત્ર સામાન્ય ભાડાવાળા જનરલ વોર્ડથી શરૂ કરી મોંઘાદાટ સેમિસ્પેશિયલ, એસીવાળા સ્પેશિયલ અને ડિલક્ષ રૂમોની વ્યવસ્થા હતી. પણ એ બધાંય કરતાં સૌથી વધારે વિશેષતા હોય તો તે હતો ડો. ગોંડલિયાનો સ્વભાવ. તેમના હાથમાં એવું તો જાદુ હતું કે બીજા દવાખાનામાં જે પ્રસૂતિ માટે સિઝરની જરૂર પડે, એ જ પ્રસૂતિ ડો. ગોંડલિયાનો હાથ અડતાં રમતાં- રમતાં થઈ જતી હતી. અને પાછી દર્દી પાસેથી પૈસા પડાવવાની વૃત્તિ નહીં પણ દર્દીને મદદરૂપ થવાની જ વૃત્તિ...! આ એ જમાનાની વાત છે જે જમાનામાં ગર્ભપાત એ ગુનો ગણાતો હતો...!
હિરજી ખેતમજૂર હતો અને તેની પત્ની સવિતાને દર્દ ઉપડયું એટલે અડધી રાતે ચાર માણસો સવિતાને ખાટલામાં નાખી ખાટલો ઊંચકીને આવ્યા હતાં. અડધી રાત્રે ડોક્ટરને ઊંઘમાંથી ઉઠાડયા હતા. રડતાં- કકળતાં બે હાથ જોડી હિરજીએ ડોક્ટરને કહ્યું કે, “સાહેબ, હજુ તો મારી ઘરવાળીને સાતમો મહિનો જ બેઠો છે. હજુ દોઢ મહિનાની વાર છે. અને અત્યારે વેણ ઉપડયું?”
ડોક્ટરે સવિતાને તપાસી હતી. તેને અધૂરા માસે જ લેબર પેઇન ચાલુ થઈ ગયું હતું. ડોક્ટરે તરત જ અડધીરાતે ઑપરેશન થિયેટર ખોલાવ્યું. હિરજીને સમજ પાડી કે તેની પત્નીને લેબર-પેઇન શરૂ થયું છે એટલે ડિલીવરી કરાવવી જ પડશે. પોતે શક્ય હોય ત્યાં સુધી સિઝર ન કરવું પડે તેવો જ પ્રયત્ન કરશે. પણ તેની ઘરવાળીનો જીવ બચાવવા જરૂર પડે તો સિઝર પણ કરી નાખશે.
હિરજીએ રડતાં રડતાં કહ્યું હતું કે, “અત્યારે તો તે માત્ર પાંચસો રૂપિયા લઈને જ આવ્યો છે. પોતે મજૂરી કરે છે છતાં પણ તેની સવિતાનો જીવ બચાવી લો! કોઈ પણ ભોગે! પોતે મજૂરી કરી કરીને પણ ડોક્ટરની પાઇ-પાઈ ચૂકવી આપશે.
ડો. ગોંડલિયાએ તેના ખભે હાથ મૂક્યો હતો. અને સાંત્વના આપતાં કહ્યું હતું કે તેણે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. તે પૈસા આપે કે ના આપે પણ પોતે તેની ઘરવાળીનો અને બને તો તેના સંતાનનો પણ જીવ બચાવવા અથાગ પ્રયત્ન કરશે જ...!
અને થયું પણ એમ જ બરાબર બે કલાકની જહેમત પછી સવિતાને પ્રસૂતિ થઈ અને તે પણ સિઝર કર્યા વિના જ! પણ બાળકી અધૂરા માસે આવી હોવાથી શારીરિક રીતે નબળી હતી. તેનો વિકાસ અધૂરો હતો અને વજન પણ ઓછું હતું. આમ છતાં બાળકીને કોઈ તકલીફ પડતી નહોતી! હા... રંગે શ્યામ હતી. હાલ પૂરતું તો બધું બરાબર હતું. જો એકાદ બે દિવસ પછી જરૂર પડશે તો બાળકીને પેટીમાં રાખીશું એવી હૈયાધારણ આપી ડોક્ટર પોતાને ઘરે ગયા હતા.
સવારમાં હજુ તો ડોક્ટર આવ્યા પણ નહોતા તે પહેલાં તો હિરજીની તાજી જન્મેલી બાળકી ગુમ થઈ ગયાની બૂમ પડી! આ દવાખાનામાં આવું તો ક્યારેય બન્યું નહોતું પછી અચાનક આમ જ...
બધાંને નવાઈ લાગતી હતી કે તાજી જન્મેલી બાળકી જાય ક્યાં? ડોક્ટરને પણ નવાઈ લાગતી હતી. એ બાળકી અને તેની માને જનરલ વોર્ડમાં જ દાખલ કર્યા હતાં. રાત્રે બે વાગ્યે તો ડોક્ટર ગયા હતા... આ પાંચ સાત કલાકના ગાળામાં જ બાળકી ગૂમ થઈ ગઈ હતી! કોણ ઉપાડી ગયું હશે તેને? કે પછી આ વગડા જેવા વિસ્તારમાં કોઈક જાનનર કે બિલાડી- કે કૂતરું! ક્યાં જાય બાળકી? ડોક્ટરે નાઇટ ડયૂટીના આખા સ્ટાફને ભેગો કર્યો...! બધાંના જવાબો લીધા.. પણ કોઈ તાળો મળતો જ નહોતો.  ધરતી ગળી ગઈ દીવાલોમાં ઓગળી ગઈ કે પછી આકાશમાં ઊડી ગઈ એ બાળકી!?! દવાખાનાની ક્રેડિટનો પ્રશ્ન હતો. દવાખાનાની રેપ્યુટેશન ખરાબ થતી હતી. આ દવાખાનામાંથી તો તાજાં જન્મેલા બાળકો ગુમ થાય કે એવી જો લોકવાયકા ફેલાઈ જાય તો કોઈ આ દવાખાનામાં જ ના આવે. ડોક્ટરને જ ચિંતા કોરી ખાતી હતી! તો બીજી તરફ હિરજી બૂમાબૂમ કરતો હતો. તેની ઘરવાળી પોક મૂકીને જોરશોરથી રડતી હતી. આજુબાજુના ખાટલાવાળા તેની પાસે ભેગાં થઈ ગયાં હતાં. તેને છાની રાખવાનો અને શાંત કરવાનો પ્રયત્ન કરતાં હતાં. પણ તે તો કશું માનવા જ તૈયાર જ નહોતી. તેની તો બસ એક જ રટણ હતી. મારી છોકરી શોધી લાવો... પણ કોણ શોધી લાવે તેની છોકરી? આખો દવાખાનાનો સ્ટાફ તેની છોકરી શોધખોળમાં લાગી ગયો હતો. પણ કોઈ પત્તો કે લીંક મળતી નહોતી! ડોક્ટર પણ બિચારા શું કરે? ખૂબ મથામણ કરતાં હતા પણ કોઈ રસ્તો મળતો નહતો! આખો દિવસ દોડધામમાં જ પસાર થઈ ગયો.
ડોક્ટર ગોંડલિયાને તો રાત્રે ઊંઘ પણ ના આવી. આ બાળકી જાય ક્યાં? હિરજી ભૂમાબૂમ કરતો હતો. અને તેની પત્ની પોક મૂકીને રડતી હતી. મારી છોરી લાવી આપો. ડોક્ટર પણ તેની દીકરી શોધી આપવા માગતા હતા પણ ક્યાંથી? એક તો ઉપરાઉપરી આવતી પ્રસૂતિના કેસ અને તેમાં હિરજીની દીકરીની ચિંતા ભળી.
 ડોક્ટરને બીજી ચિંતા એ હતી કે જો હીરજી પોલીસ કેસ કરશે તો તેમના માટે મુશ્કેલી ઊભી થશે. અને તેમનાં વિરોધીઓથી કોઈક તો હિરજીને આ રસ્તો બતાવશે જ...!
અને બીજા જ દિવસે ધડાકો થયો. ડોક્ટરની ચિંતા સાચી જ પડી. સવારના પહોરમાં જ હિરજીએ જોરશોરથી બૂમો પાડીને જણાવી દીધું કે જો સાંજ સુધીમાં તેની છોકરી નહીં મલે તો સાંજે પોલીસમાં ફરિયાદ આપી જ દેશે...!
ડોક્ટરની ચિંતા વધી ગઈ પણ...
ડોક્ટરને રાહત થાય તેવો એક બીજો પ્રસંગ પણ બની ગયો.
શેઠ મોહનલાલ  નજીકના ગામના પ્રતિષ્ઠિત કરોડપતિ હતા. તેમની કુંવારી દીકરીને તેમના જ દવાખાનામાં દીકરો જન્મ્યો હતો. ડિલક્ષ રૂમમાં રાખ્યા હતાં. એ લોકોને રૂપરૂપના અંબાર સમો દીકરો હતો. શેઠનું કહેવું હતું કે તેને અનાથાશ્રમમાં મોકલવાના બદલે જો કોઈ ઉછેરવા તૈયાર થાય તો એ દીકરાના ઉછેર માટે. તેને મા-બાપનું નામ આપવા માટે તે દીકરાની સાથે રૂપિયા પાંચ લાખ આપવા તૈયાર હતા.
આ વાત સાંભળી- ડોક્ટર તો ખુશ ખુશ થઈ ગયાં. તેમના મગજમાં વીજળીનો ઝબકારો થયો. ડૂબતાને તરણાનો સહારો મળી ગયો.
ડોક્ટરે હિરજી અને તેની પત્નીને તેમની કેબિનમાં જ બોલાવ્યા. તેમને સમજ આપતાં કહ્યું.
તમારી દીકરી અધૂરા માસે  જન્મી હતી. અને શ્યામ રંગની હતી. હું પ્રયત્ન તો કરું છું. કે તમને તમારી પુત્રી પાછી મળી જાય પણ તેના બદલામાં હું તમને એક રૂપરૂપનો અંબાર રાજકુમાર જેવો દીકરો આપું છું અને ઉપરથી પાંચ લાખ રૂપિયા રોકડા આપીશ. પણ તમારે શાંતિ રાખવાની. બૂમાબૂમ નહીં કરવાની અને કોઈ ફરિયાદ પણ નહીં કરવાની...
પાંચ લાખ રૂપિયાની વાત સાંભળી હિરજીનું તો હૈયું હરખાઈ ઊઠયું. તે ડોક્ટરને હા પાડવા જ જતો હતો ત્યાં તેને અટકાવી તેની ઘરવાળી બોલી, “એટલે સાહેબ, તમે મારી મમતાનું મૂલ્ય આક્યું એમને?”
ડોક્ટર શું બોલે....!

No comments:

Post a Comment