ફાસ્ટ-ફૂડ, પ્રોસેસ્ડ-ફૂડ તેમજ અન્ય તૈયાર નાસ્તાના આ યુગમાં હવે શાકભાજી, ફળો અને કઠોળના મૂલ્યવાન પોષણનું મહત્ત્વ ધ્યાનમાં આવવા માંડયું છે. આપણાં રોજિંદા ખોરાકમાં આપણે ઘણાં શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે શારીરિક સ્વાસ્થ્ય માટે શાકભાજીનું સેવન લાભકારક છે. આજે લોકો આહારમાંથી મળતા પોષણ અંગે ઘણાં સભાન થઈ ગયા છે.
આ લેખમાં આપણે રોજ ખવાતા શાકભાજીમાં રહેલા પોષક - તત્ત્વો પર ચર્ચા કરીશું. ટામેટા અને કાકડીની ગણના શાકભાજીમાં થાય છે. પરંતુ વનસ્પતિશાસ્ત્રમાં તેમનો સમાવેશ ફળ તરીકે કરવામાં આવ્યો છે કારણ કે તેમાં બીજ હોય છે.
ટામેટા અને કાકડી
ટામેટા કાચા શાક તેમ જ રાંધેલા શાક સાથે વાપરી શકાય છે. ઉપરાંત તે પાસ્તા, બ્રેડ કે ભાત જેવા સ્ટાર્ચવાળા ખાદ્યો સાથે પણ ખાઈ શકાય છે. ટામેટાને જ્યારે રાંધવામાં આવે છે ત્યારે તે વધુ અમ્લીય બની જાય છે અને આપણાં કોઠાને (શરીરના તંત્રને) પણ અમ્લીય બનાવે છે. ટામેટાને કાચા ખાવા એ તેને ખાવાની શ્રેષ્ઠ રીત છે. ટામેટામાં ‘લાયકોપેન’ નામનું ફીટો-કેમિકલ હોય છે જે એક ઉત્તમ પોષકતત્ત્વ છે. આ તત્ત્વ કેન્સર માટે જવાબદાર એવા ફ્રી-રેડિકલ્સને નિષ્ક્રિય બનાવી દે છે. ફળો અને શાકભાજીમાંથી આપણને આઠ પ્રકારના એમિનો-એસિડ્સ મળે છે. બધાં જ શાક અને ફળોમાં મોટાં ભાગના એમિનો-એસિડ્સ હોય છે, પરંતુ ટામેટા અને કાકડીમાં આઠેય પ્રકારના આ તત્ત્વો રહેલા છે. આ આઠેય તત્ત્વોને આપણું શરીર બનાવી શકતું નથી.
ટામેટા અને કાકડીમાં પાણીનું પ્રમાણ ઘણું હોય છે. જો તેમને કચુંબર સ્વરૂપે ખાવામાં આવે તો જન્ક ફૂડ અને અન્ય તૈયાર ખાદ્યોને કારણે રુંધાઈ ગયેલા શરીરના અણુઓને જરૂરી એવું પાણી મળી જાય છે.
કોબી અને ગાજર :
આ શાક કુદરતી ખનીજો, પોષક તત્ત્વો જેવાં કે એમિનો-એસિડ્સ, વિટામિન્સ, કેલ્શયમથી ભરપૂર હોવાને કારણે શક્તિદાયક ખાદ્યો ગણાય છે. સ્વાસ્થ્યને સારું રાખવા માટે આ પોષક-તત્ત્વોની આપણાં શરીરને જરૂર હોય છે.
કોબીમાં એન્ટી - કેન્સર ગુણો રહેલા છે અને તેથી કોબી મોટાં આંતરડાંના તેમજ સ્તનના કેન્સરનો સામનો કરવા જાણીતી છે. કોબીમાં રહેલા ગ્લુટાઈમાઈન અને એસ-મીથાઈલ - મીથીયોનાઈન નામના તત્ત્વો હોજરીમાંના ચાંદાને રુંઝાવે છે.
ગાજરમાં બીટા-કેરોટીન છે જે આપણી રોગ-પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમાં રહેલું વિટામિન ‘એ’ રતાંધળાપણામાં (નાઈટ બ્લાઈન્ડનેસ) ઉપયોગી છે.
કોબી અને ગાજરને કાચા સ્વરૂપે તેમ જ રાંધીને, બાફીને કે સુપ સ્વરૂપે આરોગી શકાય છે. તેમને આપણે આપણાં રોજિંદા આહારમાં સ્થાન અચૂકપણે આપવું જોઈએ.
લસણ અને ડુંગળી
લસણમાં રહેલાં એન્ટી-કેન્સર ગુણો સાચે જ વિસ્મયકારક છે. લસણનું નિયિમત સેવન બ્લડ-કોલસ્ટરોલને નીચું લાવે છે. તેમ જ લોહીના ગંઠનને ઘટાડે છે. લસણ અને ડુંગલી એન્ટી - બેકટેરિયલ તેમ જ એન્ટી - ઓક્સિડન્ટ છે. ડુંગળીમાં રહેલું ‘કવર્સેટીન’ એલર્જી - રીયેકસનમાં રાહત આપે છે. ડુંગળીમાં બીજાં કેટલાંક ઔષધિય ગુણો પણ છે. ડુંગળીનો રસ પેટનો દુખાવો, નસકોરી ફૂટવી કૃમિ તેમજ અપચામાં ઉપયોગી છે.
No comments:
Post a Comment