Sunday, 11 September 2011

બેટી પરાયા ધન નહીં, હવે સહારા..




દીકરીઓએ પણ દિ વાળે ઈ  દીકરાની કહેવતને ખોટી ઠેરવી દીધી છે. આજની દીકરીઓ ન તો પરાયું ધન છે કે, ન તો પારકી થાપણ છે અને આ બાબતને આજે એક નહીં, પરંતુ અનેક રીતે સમર્થન મળી રહ્યું છે
બેના રે સાસરિયે જાતાં જોજે પાંપણ ન ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય... જેવા ગીતે ત્રણેક દાયકા પહેલાં લોકહૃદયમાં સ્થાન જમાવ્યું હતું. જો કે, સાસરે વિદાય થકી દીકરીની માતા જ નહીં, પિતાની પાંપણો પણ આ ગીતની પંક્તિઓ સાંભળી ભીની થઈ જતી હતી અને તેની પાછળનું કારણ તેવું હતું કે, એક દીકરી તરીકે જન્મતાંની સાથે જ તેને પારકા ઘરની થાપણ સમજી લેવામાં આવતી અને આવી માન્યતાને કારણે ઘણાખરા પરિવારો દીકરીના અભ્યાસ પાછળ ખાસ ધ્યાન પણ આપતાં નહીં કે ખર્ચ પણ કરતાં નહીં. જો કે, કમનસીબે આજના આધુનિક સુધરેલ સમાજમાં આજે પણ ઘણાંખરાં માતા-પિતા આ માન્યતામાંથી બહાર આવી શક્યા નથી. તો ઘણા ફેમિલીએ દીકરીઓને પણ દીકરાની જેમ ઉછેરવાનું શરૂ કર્યું છે. તેના એજ્યુકેશન માટે સારા એવા નાણાં પણ ખર્ચતાં થયા છે. તો દીકરીઓએ પણ દિ વાળે ઈ દીકરાની કહેવતને ખોટી ઠેરવી દીધી છે. આજની દીકરીઓ ન તો પરાયું ધન છે કે, ન તો પારકી થાપણ છે અને આ બાબતને આજે એક નહીં, પરંતુ અનેક રીતે સમર્થન મળી રહ્યું છે.
આમ તો દીકરી તે પિતાની કમજોરી બની રહેતી અને દીકરીના પિતા હોવા બદલ અપમાનિત થવું પડે તેવા બનાવો પણ બનતા, પરંતુ આજે આ દીકરીઓ માતા-પિતાને ગૌરવ અપાવવાનું કારણ બની રહી છે અને એટલું જ નહીં, પરંતુ જિંદગીના અંતિમ પડાવ પર પહોંચેલ માતા-પિતાનો સહારો પણ આ દીકરીઓ બને છે. હાલમાં જ ફાધર્સ ડેની ઉજવણી થઈ.  ત્યારે જોવા મળેલ દૃશ્યોમાં દીકરા કરતાં દીકરીઓએ વધુ હોંશથી તેની ઉજવણી કરી અને પિતાઓ માટે પણ તેમની દીકરી વહાલનો દરિયો બની છે.
હકીકતમાં આજના સમાજનું ચિત્ર ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. માતા-પિતા માટે ઘડપણની લાકડી બનનાર પુત્રો તેમનો સહારો બનવાને બદલે સહારો છીનવી રહ્યા છે. તો તેની સામે માતા-પિતા પણ હવે બેટીરૂપી છડીના સહારે ચાલવા તૈયાર થઈ રહ્યાં છે. હાલમાં જ દેશના બુઝુર્ગોની જિંદગી અને સંઘર્ષો પર કામ કરતાં હેલ્થ એજ ઇન્ડિયાના લેટેસ્ટ રિપોર્ટને જાણો તો, ભારતના મહાનગરો અને અન્ય નાનાં-મોટાં શહેરોમાં મોટી સંખ્યામાં પેરેન્ટ્સ અને તેમાં પણ ખાસ કરીને દીકરીના પિતા તેમની દીકરીના ઘરે રહી રહ્યા છે. હાલમાં સમાજના ૧૩ ટકા જેટલા વડીલો તેમની દીકરી પાસે રહી તેમનું શેષ જીવન ગાળી રહ્યાં છે.
મુંબઈ, દિલ્હી, એનસીએ, ચેન્નઈ, કોલકાતા, બેંગાલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, પટના અને ભોપાલ જેવાં દેશનાં ૯ મોટાં શહેરોમાં કરવામાં આવેલ સર્વે અનુસાર આ આંકડાઓ સામે આવ્યાં છે. જો કે, રિપોર્ટમાં તેવું પણ જોવા મળ્યું છે કે, ૩/૪ જેટલા વડીલો હજુ પણ કોઈ પણ સ્થિતિમાં તેમના દીકરા સાથે રહેવું પસંદ કરે છે. મુંબઈ, પટના, દિલ્હી અને હૈદરાબાદમાં દીકરા સાથે રહેનાર પેરેન્ટ્સની સંખ્યા વધુ છે. તો ચેન્નઈમાં ૨૨ ટકા અને બેંગાલુરુમાં ૧૮ ટકા પેરેન્ટ્સ દીકરીની પાસે રહે છે. ત્યારે નોંધનીય બાબત તે છે કે, દીકરી સાથે રહેનાર પેરેન્ટ્સની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે અને આ તો એક શરૂઆત છે. બાકી આવનાર સમયમાં આ સંખ્યામાં ઘણો બધો વધારો થઈ શકે તેમ છે. જો કે, વડીલોની રોજની જિંદગીમાં અને તેમની ગતિવિધિઓમાં બેટા-બેટી સિવાય જે વ્યક્તિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે તે છે તેમની પુત્રવધૂ એટલે કે બીજા ઘરની દીકરી. તો આ દીકરી પણ વડીલોને તેમના પુત્ર કરતાં વધુ મદદરૂપ થતી હોય છે. રિપોર્ટ મુજબ, વડીલો તેમના રુટીન કામો માટે જ્યાં પુત્ર પર નિર્ભર રહે છે ત્યાં તેઓ હવે દીકરીઓ પર પણ ૧૬.૬ ટકા નિર્ભર થતાં થયા છે અને તેનાથી પણ વિશેષ તો આ મામલાઓમાં વહુઓનું યોગદાન તેમના પોતાના લોહી કરતાં પણ વધારે ૫૧.૬ ટકા જેટલું છે. જો કે, વડીલો માટે સમય ફાળવવાના મામલે પુત્રીઓ ૨૭.૨ ટકા સમય તેમના પેરેન્ટ્સ માટે ફાળવે છે. તો પુત્રો ૩૩.૫ ટકા ફાળવે છે. જ્યારે પુત્રવધૂઓ આ મામલે પણ મેદાન મારી જાય છે. તેઓ ઘરના વડીલો માટે ૩૫.૩ ટકા સમય ફાળવે છે.
જો કે, આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, દિલ્હી અને મુંબઈની દીકરીઓ તેમના પેરેન્ટ્સ માટે અન્ય શહેરોની દીકરીઓ કરતાં વધુ સમય ફાળવે છે. દિલ્હી અને એનસીઆરમાં ૫૦ ટકાથી વધુ તો મુંબઈમાં ૪૨ ટકા દીકરીઓ તેમના વ્યસ્ત સમયમાં પણ તેમના પેરેન્ટ્સ માટે સમય ફાળવે છે. જો કે, આ રિપોર્ટમાં સૌથી મજાની વાત તે જોવા મળી કે, વડીલો દીકરીઓ સાથે કેવળ ભાવનાત્મક કે શારીરિક રીતે જ જોડાયેલા છે તેવું નથી. હાલના સમયમાં દીકરીઓ પર તેમની આર્થિક નિર્ભરતા પણ વધી છે.  હાલના તબક્કે દેશભરમાં લગભગ ૧૪.૩ ટકા વડીલો આર્થિક રૂપથી તેમની દીકરીઓ પર નિર્ભર છે. જો કે, આ મામલામાં હજુ પણ લોકો તેમના દીકરાઓ પર વધુ નિર્ભર છે. તો પુત્રવધૂઓ પર પણ આ વડીલો ૧૨.૩ ટકા જેટલા આર્થિક રીતે આશ્રિત છે.
જો કે, આ સમગ્ર ચિત્ર તે કાયમી નથી. આ તો કેવળ બિગીનિંગ છે. આવનાર સમયમાં ચિત્રમાં હજુ પણ બદલાવ આવી શકે છે. આ બદલાવમાં દીકરીઓ તેમના પેરેન્ટ્સની તમામ જવાબદારીઓ એક જવાબદાર પુત્રને શોભે તેમ ઉપાડી શકે છે અને આવું બનવાના પૂરા ચાન્સીસ છે અને તે પણ ખૂબ ઝડપથી, કેમ કે પુત્રોએ શરૂ કરેલ પેરેન્ટ્સ તરફનું ઓરમાયું વર્તન અને તેનાથી ઊલટમાં લાગણીના ઘૂઘવતા સાગર જેવી દીકરીઓ કે જેમના હૈયામાં તેમના પેરેન્ટ્સ માટે લાગણી જ લાગણી હોય છે અને તે પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિનાની. વધુમાં સરકારે પણ સ્ત્રીઓ માટેના કાયદાઓમાં તેમને પુરુષો એટલે કે ભાઈ જેટલા જ સમાન અધિકારો આપી દીધા છે. એટલે દીકરા કે દીકરી વચ્ચે ખાસ કોઈ ફરક રહી શકે તેમ નથી અને હોવો પણ ન જોઈએ, કેમ કે બંનેની નસોમાં સમાનપણે માતા-પિતાનું સરખું જ લોહી વહેતું હોય છે ત્યારે તેવો ભેદભાવ શા માટે ? દીકરીને પણ દીકરાની જેમ ઉછેરો અને દીકરા જેટલી જ તેમના તરફથી અપેક્ષાઓ પણ રાખો. બની શકે કે, સમાજમાં આ પ્રકારની નવી માન્યતાઓ લોકોના દિલોદિમાગમાં સ્થાન કરી લે તો આખો એક નવો યુગ આકાર લઈ શકે છે અને તે ઐતિહાસિક પણ બની શકે છે અને તેનાથી મોટો ફાયદો તે થઈ શકે છે, સ્ત્રીઓ માટેની જે નકારાત્મક માન્યતાઓ છે તે બદલાઈ શકે છે. દીકરી એટલે કે સ્ત્રી તરફ જોવાની નજર, તેના તરફનો વ્યવહાર, તેના તરફના ગુનાઓ જેવી સ્ત્રીઓને કનડતી અનેક સમસ્યાઓનો અંત આવી શકે છે. વાસ્તવમાં માનો કે ન માનો, પરંતુ સ્ત્રીને એટલે કે દીકરીને પારકી માનવા પાછળ જ તેના તમામ દુઃખો સમાયેલા છે. ભ્રૂણહત્યાથી લઈને દહેજ હત્યાનો અંત પણ આ બદલાવથી આવી શકે છે.

No comments:

Post a Comment