જૂ-લીખની સમસ્યા
શ્રી રાજીકા બહેન,
મારે એક વર્ષની બેબી છે. તેના માથામાં જૂ થઈ ગઈ છે. તો એ દૂર કરવાનો રસ્તો બતાવશો. કેમ કે આ સમસ્યા ઘણીવાર ઉદ્ભવે છે, તો મને આ માટે જરૂર ઉપાય બતાવશો. - ગિરજા
બહેનશ્રી,
તમારા બાળકની નજીક આવતી વ્યક્તિઓ આ સમસ્યા ધરાવતી નથી ને ? આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. તમે તમારી બેબીના વાળમાંથી જૂ-લીખ દૂર કરી દો પણ એના સંસર્ગમાં આવનાર કોઈપણ વ્યક્તિ જૂ-લીખ ધરાવતી હોય તો તમારા બાળકના વાળમાં ફરી આ સમસ્યા ઊભી થઈ શકે છે. આથી એ અંગે કંઈક ઉપાય કરતા પહેલા તેનું મૂળ વિચારો-જુઓ. કેમકે તમારું બાળક શાળાએ નથી જતું કે જાહેર સ્થળોએ પણ નથી જતું. આથી તમે ઝડપથી આ અંગેનું કારણ શોધી શકશો. આ માટે તમે નીચેનો ઉપાય કરી શકો છો. તમારી બેબીના માથામાં લીમડાનો રસ નાંખી, માથા પર રૂમાલ બાંધી દેવો. એક મહિના સુધી દર અઠવાડિયે આમ કરવું. લીમડાના પાનનો રસ લગાવ્યા બાદ બીજે દિવસે માથું ધોઈ નાંખવું. આમ કરવાથી બધી લીખ નાશ પામશે. તમારે જૂ-લીખ દૂર કરવાનો ખાસ કાંસકો આવે છે તે વાપરવો. જો તમે આવું કંઈ પણ કરવા ન માંગતા હો તો બેબીના વાળ કપાવી દેશો. પછી લીમડાનું તેલ લગાવવું. તે બહુ નાની હોવાથી બીજો ઉપાય કરવાનું મુશ્કેલીભર્યું બનશે.
ચહેરા પરના સોજા
શ્રી રાજીકા બહેન,
સવારે ઊઠું છું ત્યારે મારા ચહેરા પર ખૂબ સોજા હોય છે, તો મારે શું સંભાળ રાખવી જોઈએ ? - મીરા
બહેનશ્રી,
તમારી તકલીફ માટે નીચેનો ઉપાય કરી શકો છો. એક મલમલનું કપડું લઇ, તેને એકદમ ઠંડા દૂધમાં બોળી, પછી તેને તમારો ચહેરો ઢંકાઈ જાય એ રીતે મૂકી દેવું. ૩-૪ મિનિટ રાખી ફરીથી એ મુજબ કરવું. આ વખતે તમારો માથાનો ભાગ ખુલ્લો રહેવો જોઈએ. આમ કર્યા બાદ ચહેરા પર ઠંડા પાણીની છાલકો મારવી. પાંચથી છ વખત કરવું. આ એક તત્કાલીન ઉપાય છે. થોડી મિનિટોમાં જ તમને પરિણામ જોવા મળશે.
આંખોની આજુબાજુ કરચલી
શ્રી રાજીકા બહેન,
હું ૨૫ વર્ષની છું. મારી આંખોની આજુબાજુ કરચલી પડી ગઈ છે. મને ખૂબ ચિંતા થાય છે તો મારે શું કરવું ? - શીતલ
બહેનશ્રી,
આંખોની આજુબાજુની ત્વચા ખૂબ નાજુક હોય છે. અહીં કોઈ તૈલી કે પ્રસ્વેદ ગ્રંથિ નથી. આથી અહીં કરચલી ઉદ્ભવવાની મોટી શક્યતા રહેલી છે. ખૂબ હળવા હાથે સહેજ થપથપાવીને આંખોની આજુબાજુની ત્વચા પર આઇ ક્રીમ લગાવવું. આંખોની આજુબાજુની ત્વચા સાથે નરમાશપૂર્ણ રહેવું એ ખાસ યાદ રાખવું. એટલે ક્રીમ લગાવતી વખતે તમારી આંગળીઓ હળવેથી ફેરવવી.
No comments:
Post a Comment