Sunday, 4 September 2011

મગજ ૧૫૦ મિત્રોને સંભાળી શકે


 
તમે ફેસબુક અને ઓરકુટ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર મિત્રોની લાંબી યાદી હોવાના બણગાં ફૂંકી શકો છો, પરંતુ નવો અભ્યાસ સૂચવે છે કે તમારું મગજ ૧૫૦થી વધુ મિત્રોને સંભાળી શકતું નથી.ઓકસફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રોબિન ડનબારના નેતૃત્વ હેઠળ સંશોધકોએ અભ્યાસ હાથ ધર્યો હતો અને તારણ કાઢ્યું હતું કે માનવો ૧૫૦થી વધુ લોકો સાથે નિકટના સંબંધો વિકસાવી શકતા નથી. ‘ડેઈલી મેઈલ’ના અહેવાલ અનુસાર મેજિક નંબરનું પ્રો. ડનબારનું સંશોધન એટલું તીવ્ર છે કે તેનાથી તેમને પ્રસિદ્ધિ મળી છે. હવે તેનો ઉલ્લેખ ‘ડનબારના નંબર’ તરીકે કરવામાં આવે છે. તેમના સંશોધનના પ્રશંસકોએ આ શબ્દપ્રયોગને પ્રચલિત બનાવ્યો છે.

પ્રો. ડનબારે જણાવ્યું હતું, લોકો ચર્ચા દરમિયાન એવું કહેતા હતા કે, ‘મારે ઘણાબધા મિત્રો છે. આમાંના ૫૦ ટકા લોકો કોણ છે તે હું જાણતો નથી.’ કોઈકે કહ્યું કે, ‘જો ભાઈ ઈંગ્લેન્ડમાં એક માણસ છે, જે કહે છે કે તમારે ૧૫૦થી વધુ મિત્રો ન હોઈ શકે.’ તેમણે વિશ્વભરના સમાજો અને વ્યાપારોનું સંશોધન કર્યું હતું અને શોધી કાઢયું હતું કે સામાજિક જોડાણ અને આંતરક્રિયા માટે ૧૫૦નું મહત્તમ જુથ છે.

આફ્રિકન અને મૂળ અમેરિકન જનજાતિઓથી માંડીને સફળ કંપનીઓમાં સામાન્ય સમુદાય લગભગ ૧૫૦ લોકોનો છે. પ્રો. ડનબાર અનુસાર સમુદાય માટે ૧૫૦ મહત્તમ આંક છે તેનું કારણ આપણા સસ્તન પૂર્વજો છે. ડનબારનો નંબર જો કે આધુનિક યુગની ચોક્કસ ગૂંચોનો સામનો કરે છે. તેમણે કહ્યું હતું, ‘તમે કોઈ જગ્યાએ મોટા થાવ, દેશના બીજા ખૂણે સ્કૂલમાં ભણવા જાઓ, તમને નોકરી મળે, તમે થોડા સમય માટે યુરોપ જાઓ. આપણા માટે આ બધાં સ્થળોના લોકો સાથેના સંબંધોને સારા રાખવા ખૂબ જ મુશ્કેલ છે.’ અભ્યાસે દર્શાવ્યું છે કે ૫૦૦થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં તમારા સાથીઓ તમારા મિત્રો પણ બને તેવો ખૂબ જ સબળ ઝોક હોય છે.

No comments:

Post a Comment