Tuesday, 6 September 2011

દીકરી માટે પિયરનાં દ્વાર




મમ્મી-પપ્પાઓ જ સાસરે જતી કે સાસરે રહેતી દીકરીઓને કહેતાં હોય છે કે સાસરામાં ગમે તેટલું દુઃખ આપવામાં આવે કે અપમાન કરવામાં આવે, તો પણ તારે પિયર પાછા નહીં આવવાનું. જો તું પાછી આવીશ તો અમારી મા-બાપની બેઈજ્જતી થશે.
‘‘મમ્મી, રેણુ મરી ગઈ...! બધાં કહે છે કે તેનાં સાસરિયાંઓ તેને બહુ હેરાન કરતાં હતાં, તેઓએ જ તેને સળગાવી દીધી. હું લિફ્ટમાંથી બહાર આવી ત્યાં જ રડું રડું થતી ગભરાયેલી દીકરીએ સમાચાર આપ્યા. લિફ્ટ અને દાદર વચ્ચેના પેસેજમાં ઊભેલાં  પાડોશીઓ પણ એ જ ચર્ચા કરી રહ્યાં હતાં.
કાલે તો રેણુ સોસાયટીમાં હતી, તેની ભાભી સાથે તેને બહાર જતાં પણ મેં જોઈ હતી. મેં ઘરમાં પ્રવેશતાં દીકરીને કહ્યું.
હા મમ્મી, તેને બિચારીને સાસરે જવું જ ન હતું પણ દીકરી તો સાસરે જ શોભેએવું કહીને  અંકલ-આંટીએ (રેણુનાં મમ્મી-પપ્પાએ) પરાણે સમાધાન કરાવ્યું. આથી તેનાં ભાભી તેને સાસરે મૂકી આવ્યાં અને આજે  તો... દીકરીનું ગળું રૃંધાઈ ગયું. થોડી વાર થંભીને આંખમાં આંસુ સાથે મારી સામે જોયું અને બોલી,”હેં મમ્મી, છોકરીનું અપમાન થતું હોય તો પણ તેણે સાસરામાં જ રહેવું પડે?” હું જવાબ આપું એ પહેલાં મારી દાઢી પકડી મારું મોં પોતાની તરફ કરીને મક્કમતાથી કહ્યું, “દીદીને સાસરે મોકલતી વખતે તારે આવું નહીં કહેવાનું શું?”
મને તેની ચિંતાનું અને રડવાનું કારણ સમજાઈ ગયું.
અરે દીકરા... મેં તેને મારી નજીક ખેંચી માથે-વાંસે હાથ ફેરવતાં કહ્યું, “દીકરીઓ માટે મમ્મી-પપ્પાનાં ઘર હંમેશાં ખુલ્લાં જ હોય. તને ખબર છે, રામાયણમાં પણ આ વાતનું ર્ગિભત સૂચન કર્યું છે. મેં દીકરીની ચિંતા દૂર કરવા જવાબ આપ્યો.
રામાયણમાં...? રામાયણમાં ક્યાં-ક્યારે કહ્યું છે મા?” દીકરીએ સવાલ કર્યો.
અશ્વમેધ યજ્ઞા પછી રામસેનાએ લવ-કુશ સાથે યુદ્ધ કરવું પડયું. લવ-કુશની સાચી ઓળખ થઈ. લવ-કુશ સાથે સીતાને પણ અયોધ્યા પાછા ફરવા માટે રામે વિનંતી કરી, પણ સીતા પૃથ્વીમાં સમાઈ ગયાં એ વાત તો તું જાણે જ છે ને?’’ મેં કહ્યું.
સીતાજી પૃથ્વીનાં પુત્રી છે, એ રીતે પૃથ્વી એ તેમની માતા અને તેનું પેટાળ એ તેમનું પિયર ગણાય. મેં વાત શરૂ કરી.
દુનિયાની કોઈ પણ દીકરીનાં પિયરિયાં દીકરીને અપમાનિત થતી સાંખી ન શકે, સાંખી શકવાં ન જોઈએ. તેમાં પણ તેની માતાને એ વાતનું દુઃખ વધારે હોય છે.
રામાયણમાં, બીજી વખત કેવી સ્થિતિમાં સીતાને વનમાં મોકલી દેવામાં આવ્યાં હતાં?’ મેં દીકરીને પ્રશ્ન કર્યો.
પણ મમ્મી, ત્યારે તો સીતાજીને જ વનવિહારની ઇચ્છા થઈ હતીને! દીકરી બોલી.
હા દીકરા, પણ એ ઇચ્છા લટાર મારવાની હતી- તને જેમ કાંકરીઆ જવાની થાય છે તેમ. પતિથી છુટ્ટા થઈને કાયમ માટે જંગલની વચોવચ આશ્રમમાં રહેવાની, પતિની ગેરહાજરીમાં બાળકોને જન્મ આપવાની, ઉછેરવાની કે સંસ્કાર આપવાની ઇચ્છા ન હતી.
વળી તદ્દન મર્યાદિત અનુભવ ધરાવતા સામાન્ય ધોબીના કહેવાથી, ભગવાન કહેવાતા એક રાજા બે વખત અગ્નિ-પરીક્ષામાં પાર ઊતર્યા પછી પણ પોતાની પત્નીને - એક મહારાણીને સગર્ભાવસ્થામાં ત્યાગી દે; એ સમયની  પ્રજાને એક રાજાએ કેવું ઉદાહરણ પૂરું પાડયું કહેવાય?’’
મમ્મી, મારા સાહેબ કહેતા હતા... કે એ તો રાજા રામનો રાજધર્મહતો. પત્નીધર્મ કરતાં રાજધર્મ ઊંચો કહેવાય. આથી આ મહાન રાજાએ પત્નીને ખૂબ પ્રેમ કરતાં હોવા છતાં પ્રજાની ઇચ્છાને માન આપીને મોટો ત્યાગ કર્યો છે. એ સમયે રાજાઓ અનેક પત્ની કરતા હતા, પણ ભગવાન રામે બીજું લગ્ન નહોતું કર્યું હા બેટા, તને, મને આપણને સૌને આ જ વાત કહ્યા કરી છે. આથી એક સ્ત્રીની માનહાનિની વ્યથા ઉપસી જ નથી  એ સમયે રાજા પ્રજાને માટે સર્વેસર્વા ગણાતો, કેમકે તે સૌથી ઊંચા સ્થાને હતો. આથી તેની જવાબદારી વધી જાય છે. તેની કાર્યરીતિ અને વર્તન એવું હોવું જોઈએ કે પ્રજા તેનું અનુસરણ કરે તો સમાજવ્યવસ્થામાં  બે બાબતો ઉદ્ભવી શકે : એક તો જરૂર હોય ત્યાં સમયોચિત પરિવર્તન આવે અને બીજું પોતાના ઉદાહરણથી પ્રજાના વ્યક્તિગત અને કૌટુંબિક જીવનમાં સુમેળ પ્રવર્તે.
હં... દીકરી.
પરંતુ અહીં ઊલટું થયું, પ્રજાના કહેવાથી અને તે પણ સ્થાનિક, નિરક્ષર અને લગભગ અણઘડ એવા ધોબીના સામાન્ય વિધાનમાત્રથી, એક રાજાએ વહાલસોયી પત્નીનો ત્યાગ કર્યો છે. આથી પ્રજામાં ત્યાગના ગુણોનું અનુસરણ  થવાને બદલે નિરક્ષર, ભોળી પ્રજા, ખાસ કરીને પુરુષ  પોતાને અનુકૂળ રીતિ અપનાવી શકે. તે પત્ની પર નાની-નાની વાતમાં અવિશ્વાસ લાવી શકે, તેને કાઢી મૂકી શકે કે એવી ધમકી આપીને તેનું શોષણ કરી શકે. આજ-કાલ આ પરિણામ જોવા મળ્યું છે.
ભગવાન ગણાતા શ્રીરામે પોતાના લગ્ન-જીવન તેમજ કૌટુંબિક જીવનનો ભોગ આપીને એ સમયની તેમજ સાંપ્રત સમયની પ્રજાને માટે જરૂરી ઉત્તમ દાંપત્ય અને પ્રેમ-હૂંફથી ભર્યા ભર્યા કૌટુંબિક  અને વ્યાવહારિક જીવનનાં ઉત્તમ ઉદાહરણો પૂરાં ન પાડયાં. તેથી વિરુદ્ધ રામના ઉદાહરણથી સામાન્ય પ્રજાને, સમાજની સાચી-ખોટી વાતો સાંભળીને પત્નીને ત્યાગવાની વાત પણ જાણે સાહજિક લાગે છે. આવા દાખલા અને અનુસરણથી  સમાજજીવન અસ્થિર થઈ જાય છે.
એક રાજાએ-શાસકે; પ્રજાને ગમે તે રીતે નહીં પણ પ્રજાના હિતમાં હોય એ રીતે વર્તવું જોઈએ; “મમ્મા, તેં સરસ સમજાવ્યું, પણ પૃથ્વીએ સીતાને જગા કરી આપી એ વાતને આજના સમય સાથે કઈ રીતે સાંકળીશ?”
 જ્યારે જમાઈ રામ તેના બે પુત્રો સાથે પત્ની સીતાને અયોધ્યા પાછા ફરવાનું કહે છે ત્યારે પૃથ્વી માતાને ખાતરી નથી કે અહીંથી અયોધ્યા લઈ ગયા પછી આ નર્યા રાજા એવા જમાઈ શ્રીરામ પોતાની દીકરીને અન્ય કોઈ અગ્નિપરીક્ષા જેવી આકરી કસોટી નહીં કરે! મેં દીકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વળી.. સીતા પણ પૃથ્વી જેવાં સ્વમાની માતાનાં પુત્રી હતાં. તેઓ પણ પતિને અગાધ પ્રેમ કરતાં હોવા છતાં રાજ્યનાં ક્ષુલ્લક  સુખો માટે અયોધ્યામાં જઈને ફરી ફરી પોતાની કસોટી કરાવવા અને અપમાનિત થવા નહોતાં માંગતાં. આથી સીતાએ એક જ વખત માને પોકારી અને માએ પોતાનો અંક ધરી દીધો એટલે માર્ગ કરી આપ્યો. મેં કહ્યું.
હા... મમ્મી, તું કદાચ સાચી હોઈશ હં... સંપૂર્ણ રામાયણ નામના પિક્ચરમાં આવું જ દૃશ્ય થાય છેક્ દીકરી જાણે સિનેમાનું એ દૃશ્ય જોઈ રહી હોય તેમ બોલી, “પણ તેથી શું? લોકો થોડા પૃથ્વી અને સીતાના મા-દીકરીના ઊંડા સંબંધને સમજવાના છે?” દીકરી સહેજ વિચારીને કહેતી હતી.
જો બેટા, ખરેખર તો દરેક માતા-પિતાએ રામાયણના આ પ્રસંગમાંથી મળતો ર્ગિભત બોધપાઠ સમજવાનો અને શીખવાનો છે. દીકરીનો પતિ- જમાઈ ગમે તેટલો હોશિયાર હોય કે સંપત્તિપ્રધાન હોય પણ તેના ઘરમાં દીકરીનું સન્માન ન જળવાતું હોય તો પિયરનાં દ્વાર તેમજ માતા-પિતાનાં હૃદય-મન દીકરી માટે હંમેશાં ખુલ્લાં જ રહેવાં જોઈએ. મેં દીકરીને સમજાવતાં કહ્યું.
પણ મમ્મી, આપણે ત્યાં તો કેવું છે?” દીકરી.
કેમ?” મેં આશ્ચર્ય દર્શાવ્યું.
સાવ ઊલટી ગંગા! દીકરી.
કઈ રીતે?”
કઈ રીતે શું? મમ્મી-પપ્પાઓ જ સાસરે જતી કે સાસરે રહેતી દીકરીઓને કહેતાં હોય છે કે સાસરામાં ગમે તેટલું દુઃખ આપવામાં આવે કે અપમાન કરવામાં આવે, તો પણ તારે પિયર પાછા નહીં આવવાનું. જો તું પાછી આવીશ તો અમારી મા-બાપની બેઈજ્જતી થશે. દીકરી અકળાઈને બોલતી હતી.
બિચારી છોકરીઓ...! સાસરિયાંઓ આ દીકરીને વહુ તરીકે ઇચ્છે નહીં અને પિયરિયાંઓ નામોશીના ખોટા ડરથી સાસરવાસી દીકરીનો સ્વીકાર કરે નહીં ? જ્યારે બહુ સહન કરવાનું આવે ત્યારે આ છોકરીઓ સાસરે રહી ન શકે, પિયર જઈ ન શકે તો શું કરે? આપઘાત કરે! મમ્મી ... ખોટી વાત છે મારી?’’ દીકરી એકધારી બોલ્યે જતી હતી. મેં તેને શાંત કરી. થોડું વ્હાલ કર્યું.
તું તો કંઈક કહે મમ્મી?” દીકરી રડમસ અવાજે બોલી.
તારી વાત સાચી છે બેટા! ખોટી પરંપરામાં ઢસડાઈને માતા-પિતાઓ દીકરીને આવકારે નહીં અને તેના મોતને સહન કરી લે એ ઘણી વરવી પરિસ્થિતિ છે. આથી જ દરેક માતા-પિતાએ તેની દીકરીઓને પૂરતું શિક્ષણ આપી, પગભર કરીને સ્વમાનભેર જીવન જીવતાં શીખવવું જરૂરી બને છે. મેં દીકરીને સમજાવી.
આથી ધીરેથી પણ મક્કમતાથી-જાણે નિર્ધાર કરતી હોય તેમ તે બોલી,”મમ્મી, રેણુને તો આપણે ન બચાવી શક્યાં, પણ તેની નાની બહેનોને... અરે કોઈ પણ દીકરીને આપણે મરવા નહીં દઈએ.  વળી તેણે કહ્યું, રામાયણની કથા કરનારાઓને પણ આપણે સમજાવીશું કે તેઓ રામાયણના આ ભાગની સમજૂતી દીકરી તરફી અભિગમથી લોકોને સમજાવે.

No comments:

Post a Comment