Tuesday, 6 September 2011

સ્વીટ સિસ્ટર્સ બહેનોનો ખટમી સંબંધ




મારી બહેન ફરીથી કરિયર શરૂ કરતી હોય તો હું ચોક્કસપણે તેનાં બાળકોને સાચવીશ અને મારી બહેનને સપોર્ટ કરીશ... આ શબ્દો છે બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રી કરીના કપૂરના. પોતાની બહેનના કપરા સંજોગોમાં સાથ આપવામાં બેબો ક્યારેય પાછી નથી પડી. સાચે જ બહેનોના સંબંધની વાત જ અનોખી છે એ પછી સેલિબ્રિટી બહેનો હોય અથવા તો મારી તમારી બહેનની વાત હોય. આપણે ત્યાં પતિ-પત્ની, ભાઈ-બહેન, માતા-પિતા, સંતાનો. સાસુ વહુ, મિત્રો, કલિગ્સ સાથેના સંબંધો પર પુષ્કળ લખાયું છે, પરંતુ બહેનોના સંબંધ વિશે ભાગ્યે જ કશું લખાતું જોવા મળે છે. જેમ ભાગવતમાં રાધાનો ઉલ્લેખ નથી મળતો, રામાયણમાં ઉર્મિલાની વ્યથાનો ઉલ્લેખ સાવ આછેરો જોવા મળે છે તેવી જ રીતે સંબંધોના ક્ષેત્રે બહેનો વિશેની વાતો વણખેડાયેલી છે. હા, જોકે ફિલ્મોમાં ક્યાંક ક્યાંક આ સંબંધને ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યો છે.
કેટલાંક ફિલ્મી ગીતો જેમ કે, ‘સુન સુન દીદી તેરે લિયે ઈક રિશ્તા આયા હૈ, કે પછી ઓ જીજી ક્યા કહે કે ઉનકો બુલાઓંગી દુલ્હા બન કે જો આએંગે...’,  જેવાં ગીતો હોય કે ચાલબાઝઅથવા તો સીતા ઔર ગીતાજેવી ફિલ્મ યાદ આવતા જ નટખટ બહેનો નજર સામે તરવરવા લાગે છે. વાસ્તવિક જીવનમાંય બહેનો તો આવી જ હોય છે. એક હોય મહાશેતાન તો બીજી એકદમ શાંત, એક સાવ અલ્લ્ડ ને ધાર્યું કરનારી તો બીજી ઠરેલ ને સમજુ... બે સામા છેડાના સ્વભાવ હોય તેમ છતાં પરિવારમાં બહેનોના સંબંધોની તો વાત જ નોખી છે એ પછી બે બહેનો હોય કે ચાર બહેનો કે પછી દસ બહેનો કેમ ન હોય? સામા છેડાના સ્વભાવ હોય છતાં બહેનો એકબીજા માટે મોટામાં મોટું સમર્પણ કરતા અચકાતી નથી ને મુશ્કેલીના સમયમાં ઢાલ બનીને ઊભી રહી શકે છે. અહીં એવું કહેવાનો અર્થ બિલકુલ નથી કે બહેનોના સંબંધમાં બધું જ સારું સારું જ હોય. તેઓ ક્યારેય ઝઘડતી નથી, ઇર્ષા નથી કરતી. બહેનોમાં પણ સ્પર્ધા, ઇર્ષા, પ્રેમ, ગુસ્સો જેવા સ્વાભાવિક માનવીય ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા હોય છે, પરંતુ વાત જ્યારે એકબીજીના કુશળક્ષેમની હોય ત્યારે તો એકબીજા માટેની લાગણી જ મેદાન મારી જતી હોય છે. આ સંબંધ એટલો સ્પેશિયલ છે કે જેની અનુભૂતિ તો જે માણે એ જાણે એવો ઘાટ છે. થોડી મીઠાશ અને થોડી કડવાશ સાથે આ સંબંધની અનોખી મજા છે. વળી, દુનિયામાં ક્યાં કોઈ સંબંધ એવો હોય છે કે જેમાં ઉતાર ચઢાવ ન આવતો હોય?
બહેનોના સંબંધ પણ આવા ખાટામીઠા ઝઘડાઓ ને પ્રેમભરી સંભાળ સાથે શિરમોર સ્થાન ભોગવતા હોય છે. એટલે જ તો સહેલીઓ કે દેરાણી-જેઠાણીને સારું બનતું હોય તો આપણા સમાજમાં તરત કહેવામાં આવે છે કે એ લોકો તો બે બહેનોની જેમ સંપથી રહે છે.
બાળપણની યાદો
બાળપણથી લઇને લગ્ન સુધીનો સમય બહેનોની જિંદગીનો એવો ગોલ્ડન પિરિયડ હોય છે જેમાં તેઓ એકબીજા સાથે કેટકેટલી સુખ દુઃખની ક્ષણો વિતાવે છે. એકબીજાની વસ્તુઓના શેરિંગથી માંડીને જીવનની કેટલીક ખાટીમીઠી જે કોઈને કહેવાય તેમ ન હોય તે મોટી કે નાની બહેન સાથે સરળતાથી વહેંચાઈ જાય છે. એ પછી એકબીજાનાં કપડાં હોય કે લાગણીઓની. બહેનો આ બધી જ વસ્તુઓને વહેંચતા ખૂબ ઝડપથી શીખી જાય છે.
રિસામણાં ને મનામણાં
બાળપણમાં સાથે રમીને મોટી થયેલી, મમ્મી-પપ્પાની વઢથી એકબીજીને બચાવતી, ક્યારેક વગર ફોગટનું નામ લઇને વઢ ખવડાવતી, યુવાન વયની કૂણી લાગણીઓને એકબીજા સાથે વહેંચતી, એકબીજાના ડ્રેસીસ, મેકઅપ એક્સચેન્જ કરીને ગ્રુપમાં સ્ટાઇલિશ બનીને ફરવું, એવી કેટલીય ધમાલ મસ્તી હોય જેને યાદ કરીને બહેનોના મોં પર સ્મિત કે ખડખડાટ હાસ્ય આવી જતું હોય.આ બધી જ બાબતો કોઈ પણ સમયે સંબંધોને રિચાર્જ કરતી રહે છે.
ભાઈ કે ભાભીને ક્યારેક કોઈ મૂંઝવણ કહેતાં ખચકાઈ પણ જવાય, પરંતુ બહેનો હોય તો બેઝીઝક કોઈ પણ વાત એકબીજાને કહી શકે છે. સાઇકિયાટ્રિસ્ટ પણ માને છે કે જેટલી સ્ટ્રોંગ કેમેસ્ટ્રી બે બહેનોમાં હોય છે તેટલી બે ભાઈઓમાં ક્યારેય નથી હોતી.
જવાબદારીની આપસૂઝ
બહેનોવાળું ઘર હોય અને સંજોગવશાત જો પિતા ન હોય અથવા તો આર્થિક મુશ્કેલી હોય તો મોટી બહેન આપોઆપ જ એક જવાબદાર મોભી બનીને પોતાનાં ભાંડરાંઓને ઉછેરે છે અને કુટુંબની અન્ય જવાબદારીઓનું વહન કરે છે. આજે સમાજમાં કેટલીય એવી યુવતીઓ કે મહિલાઓ મળી આવશે જે પોતાની જવાબદારીઓનું વહન કરવા, કુટુંબનો આધાર બનવા કુંવારી રહી હોય, પરંતુ તેણે પોતાની બીજી બહેન કે ભાઈઓને તો થાળે પાડયાં જ હોય. જ્યારે વાત ફક્ત બહેનોના સંબંધોની હોય તો મોટી બહેન નાની બહેન માટે હંમેશાં માની ગરજ સારતી જોવા મળે છે. મોટા ભાગના પરિવારોમાં નાની બહેન મોટી બહેનને જ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ માનતી હોય છે. કંઇ પણ સમસ્યા હોય જાદુઇ જીનની જેમ મોટી બહેન હાજર જ હોય.વળી જો ભાઈ નાનો હોય અને બહેન મોટી હોય તો તો નાની બહેનો કે ભાઈઓને બખ્ખા જ! મોટી બહેન હોય એટલે બીજી બહેનોને જાણે બે મમ્મીઓનો સ્નેહ મળતો હોય તેવી વી.આઇ.પી ટ્રીટમેન્ટ મળતી હોય છે. લેશન કરાવવાથી માંડીને પોકેટમની લેવાના હોય તો તેમના માટે સંકટમોચન સમી બહેન હાજર જ હોય.
સારી મિત્ર અને સ્નેહાળ સિસ્ટર
બહેનોનો સંબંધ મિત્રતા અને પ્રેમથી બંધાયેલો સંબંધ છે જેમાં કોઈ શરતો નથી હોતી,  આસપાસ રહેતી બે બહેનો હોય કે પછી સેલિબ્રિટી સિસ્ટર્સ હોય તેમનું અસરકારક બોન્ડિગ ઊડીને આંખે વળગે છે. લગ્ન પછી પણ બહેનો જ્યારે મળે છે ત્યારે એકબીજા સાથે ભરપૂર સમય વિતાવવો પસંદ કરે છે અને એકબીજાને ખૂબ લાગણીથી મળે  છે. બે ભાઈઓ રાજકારણમાં હોય કે બિઝનેઝ અમ્પાયર સંભાળતા હોય તો તેમની વચ્ચે પ્રતિસ્પર્ધા જોવા મળે છે જ્યારે બે બહેનો વચ્ચે આવી પરિસ્થિતિનું નિર્માણ બહુ ઓછું થાય છે. બહેનોની આર્થિક સ્થિતિ વચ્ચે આભ જમીનનું અંતર હોય તો પણ તેનાથી એ બંનેના સંબંધને તેનાથી ફરક નથી પડતો.
જાળવે સંબંધોનો તાલમેલ
આમ પણ છોકરીઓને સંબંધોના ઉતાર ચઢાવ સંભાળીને સંબંધો ટકાવી રાખતા સારું આવડતું હોય છે. છોકરીઓ લગ્ન બાદ સાસરી તથા પિયરના સંબંધોનો સુપેરે સાચવી શકતી હોય તેમાં પણ જો વાત બહેનની હોય તો પછી પૂછવું જ શું? આપણે ત્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી બહેનો હોય કે પછી સ્પોર્ટ્સ સાથે.તેઓ હંમેશાં એકબીજાને પોતાની માર્ગદર્શક માને છે ને એકબીજાની સફળતાથી ખુશ પણ હોય છે.
બોક્સ મેટર
બહેનોનો સંબંધ ખાસ હોય છે અને એમાંય જ્યારે સફળતાને તેમણે એકસાથે માણવાની હોય ત્યારે તો આ સંબંધની મીઠાશ બે ગણી થઈ જાય છે.બોલિવૂડ તથા હોલિવૂડમાં એવી ઘણી પ્રેમાળ બહેનો છે જેમના માટે તો તેમની સ્વીટ સિસકે પછી દીદીસૌથી મોટું પીઠબળ છે.
લતા મંગેશકર- આશા ભોંસલે
આ બંને બહેનો અવાજની દુનિયાની સમ્રાજ્ઞા ગણાય છે એ ઉપરાંત તેમની બીજી બહેનો ઉષા અને મીના પણ છે. લતાજી સફળતાના સર્વોચ્ચ શિખર પર છે છતાં ભાગ્યે જ આ બહેનો વચ્ચે ખટરાગ થયો હશે. લતાજી અને આશાજી ગાયકીમાં એકબીજાથી સાવ વિપરીત છે. જ્યાં લતાજી પોતાના મધમીઠા અવાજ સાથે મેલોડી ક્વીન છે તો આશાજીએ ભરપૂર આઇટમ નંબર્સ આપ્યા છે છતાં આ સ્પર્ધાની તેમના અંગત સંબંધો પર અસર નથી પડી.
નૂતન -તનૂજા
પોતાના જમાનાની સફળ બોલિવૂડ અભિનેત્રીઓ લાંબા સમય સુધી દર્શકોનાં મન પર છવાયેલી રહી હતી. ગંભીર અભિનય કરનારી નૂતનના સંબંધો બે દાયકા સુધી પોતાના પરિવાર સાથે ખરાબ રહ્યા હતા, પરંતુ નાની બહેન તનૂજા સાથે તેમના સંબંધો પ્રમાણમાં સારા હતા.
કરિશ્મા -કરિના
સુંદરતા અને સફળતાનો પર્યાય ગણાતી બંને બહેનોએ બોલિવૂડમાં નંબર વનનું સ્થાન શોભાવ્યું છે.બંને બહેનોનો વચ્ચેનો પ્રેમ અને સમજણ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા છે. તેઓ પોતાના કામથી માંડીને અંગત જીવનની સમસ્યાઓ એકબીજા સાથે જ વહેંચે છે. કરિશ્માએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી દીકરી સમૈરાની જેમ જ કરિનાને ટ્રીટ કરું છું અને મારી સમસ્યાઓના ઉકેલ પણ તેની પાસેથી જ શોધું છું
શિલ્પા - શમિતા
શિલ્પા શેટ્ટી પોતાની સુડોળ દેહયષ્ટિ માટે દેશ વિદેશમાં જાણીતી છે તો તેની બહેન શમિતાએ પણ બોલિવૂડમાં એન્ટ્રી કરીને ઠીકઠીક જમાવટ કરી હતી. બંને બહેનો પોતાની ફીટ બોડીના કારણે ખૂબ લોકપ્રિય રહી છે. સફળતા નિષ્ફળતાની તેમના સંબંધો પર કોઈ અસર નથી પડતી.
મેરી કેટ - એશલે ઓસ્લન
હોલિવૂડની આ જોડકી બહેનોએ સફળતાની મજા એક સાથે જ માણી છે. ટેલિવિઝન પર ફુલ હાઉસ નામના કાર્યક્રમથી પોતાની કરિયર શરૂ કરનાર બંને બહેનોએ મિલિયન ડોલરનું ઓસ્લન સામ્રાજ્ય ખડું કરી દીધું છે.એશલેની સરખામણીમાં મેરી કેટ પાર્ટીઓમાં વધારે જોવા મળે છે. જોકે અમુક બાબતોને બાદ કરતા આ બહેનો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને સમજે છે.
બ્રિટની- જેમી લિન
જગવિખ્યાત બ્રિટની કરતાં તેની બહેન જેમી લિન ચર્ચામાં ખૂબ ઓછી જોવા મળે છે. બંને બહેનોની કરિયર ઘણી બધી અનિશ્ચતતાઓથી ભરેલી છે. વળી બ્રિટની તો વિવાદોનો પર્યાય બની ગઈ છે તેમ છતાં બંને બહેનો એકબીજા માટે મોટો આધાર બની રહે છે.
પેરિસ -નિકી
હિલ્ટન હોટેલની વારસદાર બંને બહેનો પોતાના સોશિયલ સર્કલમાં તેમના કામને લીધે હંમેશાં ચર્ચામાં રહે છે. જોકે નિશંકપણે પેરિસ હિલ્ટનની સફળતા સામે નિકી પાછી પડી ગઈ, પરંતુ તેનાથી તેમના સંબંધોને કોઈ ફરક પડતો નથી.
વિનસ - સેરેના વિલિયમ્સ
ટેનિસ જગત પર રાજ કરતી આ બહેનો સમાન રીતે સફળ રહી છે. કરિયરમાં પ્રતિસ્પર્ધી બની જતી બહેનો અંગત જીવનમાં પોતાના સંબંધને સરસ રીતે માણે છે.
બોક્સ મેટર બહેનો કે દેરાણી જેઠાણી
સમાજમાં બે બહેનો ઘણી વાર એક જ ઘરમાં પરણાવી હોય તો દેરાણી જેઠાણીના સંબંધમાં પણ બંધાયેલી જોવા મળે છે. આ સંબંધોના તાણાવાણાને લઇને સિરિયલો પણ બની ગઈ છે. જોકે સિરિયલો જેવી રસપ્રદ કથા વાસ્તવિકતામાં ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગે તો બે બહેનો જ્યારે દેરાણી જેઠાણી બને છે ત્યારે પૂરતી સમજણથી પરિસ્થિતિ સંભાળી લેતી હોય છે. તેમાં ક્યારેક ખટરાગ પણ થઈ જતો હોય છે તો એ બહુ સ્વાભાવિક છે.

No comments:

Post a Comment