આપણા દેશમાં કહેવાતા તાંત્રિકો,ભૂવાઓ અને સાધુ બાવાઓનો જોટો જડે એમ નથી અને નિકિતાનાં કાકીના ઘર જેવા અંધશ્રદ્ધાળુઓની સંખ્યા અગણિત છે, ખાસ કરીને ગામડાની ભોળી અને અશિક્ષિત પ્રજા ડરના માર્યા આવી ચુંગાલમાં તન-મન અને ધનથી બરબાદ થઈ જાય છે. અને જોડે જોડે અબુધ તરુણીઓને ખાસ ટાર્ગેટ બનાવાય છે
રશ્મિબહેનની નિકિતા દસમા ધોરણની પરીક્ષા આપીને વેકેશનમાં તેની કાકીના ગામ રહેવા ગયેલી. નિકિતાની કાકીનાં મમ્મી, ઉંમરલાયક અને ખૂબ ભક્તિભાવવાળાં, સવાર-સાંજ પૂજાપાઠ અને મંદિરમાં જતાં હોય. થોડા-થોડા સમયે તેમને ત્યાં એક સાધુ ભોજન અને દાન-દક્ષિણા લેવા આવતા હોય છે.
એક વાર નિકિતાએ કુતૂહલવશ આ સાધુ મહારાજને પોતાનો હાથ બતાવીને ભવિષ્ય જાણવાની ઇચ્છા રાખી. આ સાધુએ તો નિકિતાનો હાથ જોઈને જે ભવિષ્યવાણી ઉચ્ચારી તેનાથી નિકિતા અને પેલાં વૃદ્ધ માજી બંને ડઘાઈ ગયાં. અરેરે... તારી ગ્રહદશા તો અત્યંત કપરી છે. તારો ગુરુ નીચનો છે એટલે અભ્યાસમાં અવરોધ આવશે. ટૂંક સમયમાં જ તને અકસ્માતનો યોગ છે. જીવનમાં શાંતિનો અનુભવ ઓછો થાય વગેરે વગેરે... કાકીનાં મમ્મીએ પણ પોતાના અંગત અનુભવોની કથા કહીને તેમનો વરતારો સાચો પડે જ છે... એવી બીક ઊભી કરીને નિકિતાને ગભરાવી મૂકી. ગભરાટમાં રાત્રે નિકિતાને સરખી ઊંઘ જ ન આવી. એટલે બીજા જ દિવસે કાકીના ઘરેથી કોઈનો સંગાથ લઈને તેના ઉપાય માટે સાધુ જે ધરમશાળામાં ઊતર્યા હતા ત્યાં પહોંચી ગઈ. આ કહેવાતા સાધુએ તેને બે-ત્રણ મંત્રેલી સોપારી આપીને તેને અમુક તમુક પૂજા કરાવવી પડશે એમ કહીને તેના ડરને વધારે બળવત્તર બનાવી દીધો.
‘તાડનું પડવું અને ડાળનું બેસવું’ કાકીને ત્યાં વાહન ચલાવવા શીખવા ગયેલી નિકિતાને નાનકડો અકસ્માત થયો ને એમાં પગમાં મોચ આવી ગઈ. સાધુની ભવિષ્યવાણી સાચી પડતી હોય એવું લાગે છે એમ માનીને અઠવાડિયા પછી નિકિતા અને પેલાં વૃદ્ધ માજી બંને ફરી પાછાં તેને મળવા માટે ઉપડયાં. થોડી-ઘણી ઉપરછલ્લી વાતો કરીને સાધુએ નિકિતાને એકલી મળવા માટે બોલાવી, ધીમે-ધીમે તેની પીઠ અને માથા પર હાથ ફેરવીને તેણે કહ્યું કે, “મારી વિદ્યાનો પરચો તને થોડા વખત પછી જ મળશે. હું જે કહું તે તારે કરવાનું, હમણાં ઘરમાં કોઈને વાત કરવાની નહીં. પરીક્ષાનું રિઝલ્ટ પણ નજીકમાં જ છે. એક પરચો તો તને મળી ગયો છે. એટલે થોડી પૂજા અર્ચના કરવી પડશે માટે અઠવાડિયામાં બે વખત તં એકલી જ મને મળવા આવજે.” ધીમે ધીમે તેના પર તાંત્રિકવિદ્યા અજમાવીને પૂરા એક મહિના સુધી તેનું માનસિક અને શારીરિક શોષણ કર્યા રાખ્યું. આ બધાનું પરિણામ એ આવ્યું કે નિકિતા માનસિક અને શરીરથી એકદમ થાકી ગઈ. ચીડિયાપણુ, ઉદાસી, આહારમાં અનિયમિતતા અને ચિત્તભ્રમ જેવું થઈ ચૂક્યું.
શહેરમાંથી તેનાં માતા-પિતાને બોલાવીને તેને સારા ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. ઘરે આવીને જ્યારે ડોક્ટરી તપાસ કરાવી ત્યારે નિકિતાનાં માતા-પિતા પર તો આભ ફાટયું. તેમની દીકરી પ્રેગ્નન્ટ છે એ જાણીને તેમને તીવ્ર આઘાત લાગ્યો. જેમ તેમ સમજાવી ત્યારે નિકિતાએ સાધુબાવાની હકીકત જણાવી ત્યારે સમાજમાં આબરૂ જવાની બીકે પોલીસફરિયાદ ન કરતાં ખાનગી હોસ્પિટલમાં નિકિતાની તકલીફ દૂર કરી અને તપાસ કરતાં ખબર પડી કે પેલા કહેવાતા સાધુ તો ત્યાંથી રફૂચક્કર થઈ ચૂકેલા. ત્યારે નિકિતા જેવી ભોળી અને નાદાન તરુણીના ભવિષ્ય પર એક પ્રશ્નચિહ્ન મુકાઈ ગયું.
આપણા દેશમાં કહેવાતા તાંત્રિકો,ભૂવાઓ અને સાધુ બાવાઓનો જોટો જડે એમ નથી અને નિકિતાનાં કાકીના ઘર જેવા અંધશ્રદ્ધાળુઓની સંખ્યા અપરંપાર છે, ખાસ કરીને ગામડાની ભોળી અને અશિક્ષિત પ્રજા ડરના માર્યા આવી ચુંગાલમાં તન-મન અને ધનથી બરબાદ થઈ જાય છે. અને જોડે જોડે અબુધ તરુણીઓને ખાસ ટાર્ગેટ બનાવાય છે. સુધરેલા સમાજમાં પણ નિત્યાનંદ જેવા સેક્સથી વિકૃત થયેલા સાધુઓને જ્યારે માન-આદર આપવામાં આવે ત્યારે આપણી સમજશક્તિ બુઠ્ઠી પુરવાર થાય છે.
પ્રેમીપંખીડાં, અભ્યાસ, પરદેશગમન, દાંપત્યજીવનમાં વિખવાદ, સંતાનપ્રાપ્તિ, નોકરીમાં પ્રમોશન જેવી ૧૦૦% ની ગેરંટી મળશેની જા.ખબરમાં આવી જઈને તથા ઘડપણમાં તો સાધુ-સંતને દાન-દક્ષિણા, ભજન, આખ્યાન વગેરેનો જે આડંબર ચાલે છે તેમાં નબળું મન ધરાવતા, આત્મવિશ્વાસનો અભાવ, અપરાધભાવ, લઘુતાગ્રંથિ અને ડરને કારણે અંધશ્રદ્ધામાં ગુલતાન એવા લોકોનો આવા સાધુ-તાંત્રિકો, ભૂત-ભૂવા પૂરેપૂરો ગેરલાભ ઉઠાવતા હોય છે. નાદાન બાલિકાઓનું યૌન શોષણ કરીને ભ્રામક ફેન્ટસીમાં મૂકીને પોતાની વાસના ધર્મના ઓઠા હેઠળ પૂરી કરતા હોય છે.
આમાં નિકિતા જેવી નાદાન તરુણીઓએ ખાસ ચેતતા રહેવું. કોઈની ખોટી વાતોને સાચી માની લઈને પોતાના પર બંધબેસતી પાઘડી પહેરવી નહી. ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા અને હકારાત્મક સ્વભાવ રાખવાથી દુનિયાની કોઈ મુશ્કેલી એવી નથી જેનો ઉકેલ ધીરજ રાખવાથી આવતો ન હોય. આત્મવિશ્વાસથી ભરેલી અને ઉચ્ચ માનસિક વિચારસરણી રાખનારી વ્યક્તિનો જ સંગ કરવો. વાસ્તવિક દુનિયામાં જ રહેવું અને ઉકેલ ન મળે તો ઘરમાં માતા-પિતા કે વડીલો જોડે અને જે તે વિષયના નિષ્ણાત હોય તેની જોડે ચર્ચા કરવાથી ઘણી બધી ભ્રમણાઓમાંથી રસ્તો મળે છે. સાધુબાવાના ચક્કરમાં પડવા કરતાં જાતનું જ વિશ્લેષણ કરવું.
કોઈ પણ સમસ્યાનો કોઈ જ શોર્ટકટ નથી અને માતા-પિતા પણ આ તો આપણા ઘરનાં જ છે એવો આંધળો વિશ્વાસ મૂકીને ગમે ત્યાં તરુણ દીકરીઓને મોકલતા પહેલાં તેમની ઘરની પરિસ્થિતિથી વાકેફ થવું જ જોઈએ.
આવા લેભાગુ સાધુ-ભૂવાઓનો પર્દાફાશ કરતાં અચકાવવું નહીં. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની હિંમત રાખીને આપણું અને આપણી આસપાસના લોકોનું હિત જાળવવું. ભોગ બનેલી નાદાન તરુણીઓ કે યુવતીઓને હિંમત આપવી. કાઉન્સેલિંગ અને દવા દ્વારા ટ્રીટમેન્ટ કરી શકાય. મહેણાં-ટોણાં કે નિંદા કૂથલી કરવા કરતાં તેને મદદ કરવા તત્પર રહેવું.
અને ખાસ કરીને તરુણીઓએ પોતાનો ખાલી સમય બકવાસ વાતોમાં બગાડવા કરતાં રચનાત્મક પ્રવૃત્તિમાં ઉપયોગ કરવો. ‘વક્ત સે પહેલે, કિસ્મત સે જ્યાદા, કિસી કો મીલા હૈં ન કિસી કો મિલેગા.’
No comments:
Post a Comment