૬ થી ૧ર મહિના વચ્ચે : જ્યારે બહારનો ખોરાક ચાલુ કરવાનો આવે ત્યારે માતાને ઘરનાં સુંદર, તાજા, પોષણયુક્ત ખોરાક જેવા કે લચકો દાળ, સૂપ, રાબને બદલે બહારનાં વિવિધ બ્રાન્ડનાં તૈયાર ડબ્બા યાદ આવે. ટીન ફુડમાં સારી કેલરી હોય, તરત પાણી કે દૂધમાં પાઉડર નાખીએ એટલે બની જાય અને પેસ્ટ જેવું ઢીલું હોવાથી બાળક પણ ઝડપથી સ્વીકારી લેતું હોય છે, પરંતુ આ જ તકલીફ છે. પછી ડબ્બાનાં ખોરાક ખાધેલાં બાળકોને ઘરનાં ચોળેલા દાળભાત, રોટલી ભાવતાં નથી. મા-બાપ ઘણી વાર ફરિયાદ કરે છે. બાળકને દાળભાત ગળે ઉતારતાં વાર લાગે પણ કોઇ ડબ્બાનું બનાવીને આપીએ તો તે ફટાફટ ખાઇ લે છે. માતા દ્વારા અજાણતાં જ બાળકને બહારનાં ખોરાકની ઇચ્છા થાય તેવી આદત પડી જાય છે.
૧-૩ વર્ષની વચ્ચે : આ ઉંમરે જ્યારે તેણે જમવાનું શીખવાનું હોય ત્યારે તે ઘણી વાર ઘરનો ખોરાક નથી લેતું. તેને સારી કેલરીની પણ જરૂર હોય છે. પ્લાસ્ટિકના ડબ્બામાં ઘરનાં જ બનાવેલાં વિવિધ નાસ્તા ભરી દેવા. જેમ કે સુખડી, મગસ, ચીકી, ચકરી, સેવ, પુરી, શક્કરપારા, સીંગચણા વગેરે. આ ડબ્બા તે રમતું હોય તે રૂમમાં તેને દેખાય તે રીતે ટેબલ પર મૂકવા. જેમ ટીવીની જાહેરાતો જોઇને બાળક વિવિધ બિસ્કિટ, ચોકલેટ તરફ આકષૉય છે. તે જ રીતે આ ઘરનાં ખોરાકને જોઇને પણ તે ઘરના ખોરાક ખાવા આકષૉશે. પછી ભલે ને તે દાળભાત, રોટલી ન પણ ખાય. તેને કેલરી તો મળી જ ગઇ ને!! થોડા સમય પછી ઘરનાં રોટલી-શાક પણ ખાતાં શીખી જશે જ.
૩-૭ વર્ષ વચ્ચે : જે માતા બાળક ૬ થી ૧ર મહિનાનું હોય ત્યારે તેને ઘરના જ બનાવેલા સૂપ, રાબ આપે છે. બાળક સ્કૂલે જતું થાય ત્યારે તેને મનગમતા નાસ્તા જેવા કે બટાકાપૌંઆ, ઢોકળા, ઉપમા, પોચી ભાખરી વગેરે ખાવાનું ફાવે છે. જે માતા બાળક ૬-૧ર મહિનાનું હોય અને વિવિધ બ્રાન્ડનાં ડબ્બા લાવે છે. તેને બાળક ૩-૭ વર્ષનું થાય ત્યારે તેના માટે તૈયાર વેફરો, વિવિધ બિસ્કિટ નાસ્તામાં ભરે છે.
લુપ્ત થતાં, પણ જરૂરી ખોરાક : નૂડલ્સને બદલે ઘઉંનાં લોટની સેવ, જામનાં બદલે છુંદો કે મુરબ્બો, આઇસક્રીમને બદલે કેળા કે ચીકુનો શેક, આ ટેવ પાડવાથી બાળકમાં નાનપણમાં જ થતા ત્વચાની એર્લજી, આંતરડાનાં તથા શ્વસનતંત્રનાં રોગ, સ્થૂળતા ટાળી શકાશે. વિવિધ વિટામિનોનો ખજાનો કહેવાય તેવા ફળો જેવા કે જાંબુ, શેતુર, રાયણ, ગોરસ આંબલિ જેવા નામ સાંભળી બાળકો આશ્ચર્ય પામે છે. તે અત્યારના બાળકો માટે અફસોસ અને સામાજિક કરૂણતા કહેવાય.
No comments:
Post a Comment