Thursday, 8 September 2011

અમદાવાદ નજીક આ ખળખળતું સ્વર્ગ જુએ છે તમારી રાહ

આ ઝાંઝરીમાં છમછમ નહીં પણ ધોધનો ધબકાર તમારી રાહ જુએ છે

શહેરનો ઘોંઘાટ થકવી નાખે અને જો તમને એક મસ્ત મજાના ‘બ્રેક’ની જરૂર હોય તો તમારી રોજિંદી ઘટમાળને બ્રેક મારો અને તમારી કારનું સ્ટિયરિંગ ફેરવો ગાંધીનગર તરફ. આપણે કોઇ રાજકીય તાણાવાણામાં નથી પડવાનું દોસ્ત, ગાંધીનગરથી દેહગામ અને ત્યાંથી ૩૪.કિ.મી દૂરના અંતરે એક ખળખળતું સ્વર્ગ તમારી રાહ જુએ છે. આ સ્વર્ગનું નામ છે ‘ઝાંઝરી’ ! માન્યામાં ન આવે તેઓ વિશાળ, ખડકાળ, હરીયાળો અને ખુલ્લા આકાશને તાકતો વાત્રક નદીનો આ પટ તમારા થાકને એક છાલકમાં દૂર કરી દે તેવો છે.

દેહગામથી ૩૪.કિ.મી દૂર આવેલા ઝાંઝરી સુધી પહોંચવાના રસ્તે બેય બાજુથી લીલાછમ વૃક્ષો તમને ‘વેલકમ’ કહેતા હોય એમ લળીને તમારી આંખોને ઠંડક પહોંચાડતા ઉભા છે. બાયડ પહેલા અને તાનપરથી સહેજ આગળ જતાં જમણી બાજુએ વળ્યા પછી લગભગ ચારેક કિલોમિટરનુ ડ્રાઇવિંગ તમારા ડ્રાઇવિંગ કૌશલ્યની પરીક્ષા કરે તેવું છે. ઘણાં બધા બ્લાઇન્ડ ટર્ન્સ વાળો આ સિંગલ લેન રોડ તમે જાળવીને પસાર કરી જાવ પછી શરૂ થાય છે તમારા સ્ટેમિનાની કસોટી. પણ માઇન્ડ વેલ, અહીં કોઇ કપરાં ચઢાણ નથી પણ મસ્તીનો મારગ સાવ સહેલો હોય એવું પણ નથી જ હોતું.

વાહન પાર્ક કરીને તમારે અંદાજે વીસ મિનીટ અડધો કલાક જેટલો રસ્તો ચાલીને કાપવાનો છે. આ વોક વેમાં કોઇ કંડારેલી કેડી નથી. કુદરતનું કાચું સૌંદર્ય તમારી ચારેય બાજુથી ડોકિયાં કરતું જણાશે. કોતરો અને ટેકરીઓની વચ્ચેનો નાનકડી ખાઇ જેવો રસ્તો પાર કરતાં તમને રસ્તામાં રમત કરતી બકરીઓનાં ટોળાં મળશે અને તમરાંઓનું સંગીત તમને સાથ આપશે. આ રસ્તો નાના-મોટા પથરા અને માટીથી છવાયેલો છે. એકાદ નાનકડું ચઢાણ તમને કોઇ વડની વડવાઇએ હિંચકો ખાવાનો મોકો પણ આપશે. આ કેડી પતે એટલે નજરે ચઢશે નદી, જેના વહેણનો અવાજ તમને એની તરફ ખેંચશે. જો કે ઝાંઝરીમાં વહેતા જળના અવાજ પર અટકશો નહીં દૂર આંખો ખેંચીને જોશો એટલે દેખાશે ઝડપથી ધસતું પાણી.

ઝાંઝરીનું ખરું આકર્ષણ છે એ ધોધ જેને જોવા માટે તમારે બાકીનો અટપટો રસ્તો પાર કરવાનો છે. ઉંચા નીચા ખડકો અને થોડા ઘણા ઝાડી ઝાંખરામાંથી ચાલતી વખતે તમારી નજર નદીના ખળખળતા વહેણ પર પડ્યા કરશે. ખૂલ્લા પટમાં ક્યાંક ગુસપુસ કરતાં યુગલો તો ક્યાંક પાણીની છોળ ઉડાડતી સખીઓની વચ્ચે માછીમાર પણ જાળ પાથરતા નજરે ચઢશે. ધોધ સુધી પહોંચવાની આ નાનકડી સફરે તમારે ચાલીને ન જવું હોય તો તમારી ખીદમતમાં પેશ છે ‘ઊંટ સવારી’.

રસ્તામાં મળતા લોકો તમને ચોક્કસ કહેશે કે, ‘ધોધ તો હજી આગળ છે, પણ ત્યાં સુધી જજો ચોક્કસ.’ જેણે એ સૌંદર્ય માણ્યું હોય એ તો જરૂર એમ જ કહેવાના અને એમની વાત માન્યા સિવાય તમારો ય છુટકો નથી. મંઝિલે પહોંચ્યાનો આનંદ અનેરો હોય છે એ સાચું પણ ત્યાં સુધી પહોંચવા માટેની સફર પણ એટલી જ રોમાંચક હોય છે તે વાક્યમાં તમારો વિશ્વાસ ધોધ સુધી પહોંચવાની સફર પુરી કરતા સુધીમાં પાકો થઇ જશે. જેમ જેમ તમે એ તમારી મંઝીલની નજીક જતા જશો ખડકોની નક્કરતાને નહીં ગણતું નદીના વહેણનો અવાજ સાફ થતો જશે. આખરે તમે એ એ અદભુત નજારાની નજીક પહોંચશો. ધોધનો અવાજ તમારી આસપાસના હળવા કોલાહલની હાજરી ભુલાવી દેશે.

જ્યાંથી ધોધ શરૂ થાય છે તે ઉંચા ખડક પર જાળવીને પગ મુકીને ઉભા રહેશો ત્યારે તમને એક ચોક્કસ પ્રકારની લાગણી અચૂક થશે. ઊંચે ઉભેલા તમે કુદરતને માણતા ખૂદને રાજા સમા લાગશો અથવા તો તમને યાદ આવશે સુરેશ દલાલની આ રચના ‘મને ઘુઘવતા જળે ખડકનું પ્રુભુ મૌન દો!’ કડક મિજાજના પિતાની વાત ન સાંભળીને દોડી જતી તોફાની દિકરીની માફક વાત્રક નદી ખડક પરથી પોતાની મસ્તીમાં ઝંપલાવે અને વળાંકોમાં છલકાતી મલકાતી વિશાળ પટમાં વિસ્તરતી જાય એ દ્રશ્ય એટલું બધું નયનરમ્ય હોય છે કે તેને જોવા માટે કલાકો ઓછા પડે. રોમાન્સની મસ્તી અને કુદરતની અસીમ શાંતિ બેય નો અનેરો સુમેળ આ સ્થળે જોવા મળે છે.

તમારે મિત્રો સાથે ધમાલ કરવી હોય કે પછી જાત સાથે વાત કરવી હોય ઝાંઝરી તમારે માટે શ્રેષ્ઠ પસંદગી બની રહે તે સ્વાભાવિક છે. એકવાર ત્યાંથી પાછા ફરો પછી પણ ધોધનો અવાજ, ખડકાળ રસ્તા અને ખુલ્લું આકાશ તમારી નજરની ફ્રેમમાંથી જલ્દી નહીં ખસે એની ગેરંટી છે.

ઝાંઝરી જતા આટલું ચોક્કસ યાદ રાખજો...

--->>અમદાવાદથી ઝાંઝરી પહોંચવા માટે તમારે અંદાજે ૭૦ કિ.મી. અંતર કાપવું પડશે.

--->>બને તો સ્પોર્ટ્સ કે ટ્રેક શુઝ પહેરવા જેથી ખડકાળ રસ્તે ચાલવામાં કે એક પથ્થરેથી બીજા પથ્થરે કુદકો મારવામાં તમને સરળતા રહે.

--->>ત્યાં વાહન પાર્ક કરો ત્યાં ચા-બિસ્કીટ, કોલ્ડ ડ્રિંક, વેફર્સ જેવી સાવ બેઝીક વસ્તુઓ મળે છે. પછી ધોધ સુધીના વિસ્તારમાં કશું પણ ખાવા-પીવાનું મળતું નથી એ યાદ રાખવું. લાંબો સમય પસાર કરવો હોય તો સાથે ખાવાનું અને પાણીની બોટલ્સ રાખવી.

--->>ફોટોગ્રાફીનો શોખ હોય તો કેમેરા લઇ જવાનું ભુલશો નહીં નહીંતર અફસોસ થશે.

--->>જો ત્યાં બેસીને મજિબાની કરવાનો પ્લાન હોય અને ખડક પર બેસવાનું માફક ન આવે તો સાથે ચોરસો કે શેતરંજી રાખવા.

--->>પાણીમાં મોજમસ્તી કરવાનું તમને અચૂક મન થશે, એક જોડ એક્સ્ટ્રા કપડાં અને ટૂવાલ લેવાનું ચૂકશો નહીં.

--->>ઝાંઝરી સુધી પહોંચવાનો રસ્તો પહોળો છે પણ આખરે તો ગ્રામીણ વિસ્તાર છે એટલે તમારા વાહનની ઝડપ ૮૦-૧૦૦ની વચ્ચે રાખવી હિતાવહ રહેશે.

--->>ટૂ વ્હીલર પર પણ ઝાંઝરી સુધી જવાનો લાહવો લેવા જેવો છે, મોસમ સાફ હોય અને તાપ ન હોય તો આ તક જતી ન કરવી.

--->>વહેલી સવારે સાત કે આઠના સુમારે નિકળીને ઝાંઝરી પહોંચવામાં મજા છે કારણકે સાંજ પડ્યે ત્યાં રોશની વગેરેની સવલત નથી. વળી વૃક્ષો, કોતરો અને ટેકરીઓ વાળો વિસ્તાર હોવાથી અંધારુ થતા પહેલાં ત્યાંથી નિકળી જવામાં સાર છે.

--->>સૌથી અગત્યની બાબત કે આ વિસ્તારને હજી પ્રવાસીઓએ બહુ ખુંધ્યો નથી એટલે ત્યાં કચરા ટોપલીની હજી જરુર નથી પડી. સજાગ નાગરિકની માફક અને કુદરતનું મૂલ્ય કરનારી વ્યક્તિની માફક પાણીની ખાલી બોટલો કે વેફરનાં પડીકાં વગેરે ત્યાં નાખીને તેના સૌંદર્યને પ્રદુષિત ન કરતા.

તમામ તસવીરો- વિજય આચાર્ય





 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment